બંધ આંખે હેતુ વાંચો છો તમે


બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.

– ચીનુ મોદી

સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ


સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ
કિન્નાખોરી કરી રહેલ
‘મન’થી ત્રાસી ગયો છે પ્રેમ !
પ્રેમને સાચવું કે ‘મન’ને ?
અસ્તિત્વ પ્રેમનું કેવી રીતે રાખવું હેમખેમ ?
પ્રેમ નથી બોલતો કે નથી
કોઈ હાવભાવ દેખાડતો
સ્તબ્ધ અવસ્થામાં નિસ્તેજ થઈ ગયો છે પ્રેમ.
ભાવનાત્મકતા પણ હવે ભ્રમ લાગવા માંડી છે,
લાગણીઓના બોજ તળે દબાઈ ગયો છે પ્રેમ,
શોધું છું..શોધું છું..છતા નથી જડતો
અસ્તિત્વના ખડકમાં ક્યાંક દટાઈ ગયો છે પ્રેમ..

નરેન્દ્ર સોનાર ‘પંખી’

ખૂબ અંદરબહાર જીવ્યો છું


ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું

-‘ઘાયલ’

તમે પૂછશો નહી કે અમને કેમ છે


“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

સપનામાં તો બધા જીવે છે


સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?

સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!

બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!

આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !

હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !

-સર્વદમન

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી


પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી

મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી

નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી

તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી

હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી

-ચીનુ મોદી

ચાહત તમારી…


આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….

ધરમ પ્રજાપતિ

જીવન જીવતાં જઇએ સાથે


જીવન જીવતાં જઇએ સાથે,
પ્રેમ અને લગણી વધરતાં જઇએ.

બધાંને સાથે લેતાં જઇએ,
રહીગયા તેને સલામ કરતાં જઇએ.

દુઃખનાં વાદળા હટાવતાં જઇએ,
સુખનો દરીયો છલકાવતાં જઇએ.

જરમ-જરમ ખોટું લગડતાં જઇએ,
ધોધમાર પ્રેમ વરસાવતાં જઇએ.

અત્યારે મન ભરીને જીવી લઇએ,
મરણતો આવે ત્યારે વાત.

તને શું કહું એ ‘દમન’,
જીવતો જા બસ જીવતો જા.

-સર્વદમન

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,


દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.

નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.

જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.

-“ઘાયલ”

મિત્ર…!!!


દુખ વિષય પર એક નિબંધ લખવા બેઠો…
બહુ વિચાર્યુ …ના કાં ઇ સુજ્યુ…
હાય ….રે…નિબંધ…અધુરો રહ્યો..
એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી….
હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

પાણીના ટીપે ઘાસમાં જઈએ


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,


વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

મને એવી રીતે કઝા યાદ આવી,


મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

-’મરીઝ’

વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું


વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું,
રહ્યો છું હું સદા સપનાઓના દરબારમાં.
હકિકતનો પડદો આજે ઉતારી જોયો,
જાણ્યું મેં આજે કે ખરેખર તો હકિકતનો સામનો કરી રહ્યો છું.
તરસ્યા આ દિલ સામે કોઈની તૃપ્તીની આશા ના રહી,
ઝાંઝવાઓ ના નીરથી પરેશાન રહ્યો છું.
ખોટા અને દંભી દિલાસાઓથી બચી ના શક્યો,
સાચી દાસ્તાનથી હું ખુદ મારો બચાવ કરી રહ્યો છું.
કર્યા તો છે મેં ઘણા કાર્યો પણ છૂપાવવાની આદતથી છૂપાવી શક્યો,
મિત્રોની મહેફિલમાં હું જૂઠ્ઠુ કથન કરી રહ્યો છું.
જિંદગી નિકળી છે પ્રેમને છૂપાવવામાં અને વફા કરવામાં,
પણ કોઈના દિલમાં આરામગાહ શોધીના શક્યો.
લાગે છે હવે સમય વિતિ ચૂક્યો છે,
હવે હું ચીતાના ખોળે મારું સ્થાન શોધી રહ્યો છું…

નિલ બુધ્ધભટ્ટી

જો દરેક સમયે સંબંધમાં


જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય તો
સમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.

-સર્વદમન

તું કેમ છે ઉદાસ ???


સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?


આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

ઉપાલંભ…!!!


ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…

હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…

એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…

યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…

તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને લોક વદન કહે છે…

ખર્યા નથી કદીયે એક પણ સિતારા…. ‘અંકુર’
ને..એ…મુઠભર કુદરત ને લોક ગગન કહે છે…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

સંબંધ વિશે શું કહું યાર !


સંબંધ વિશે શું કહું યાર !
અહીં ક્યાં બધા માટે એક
સરખું જીવાય છે…. !

કેમ જીવું અને કેમ સાંચવવા,
આમને આમ જીવન પસાર
થય જાય છે….

જેમા સાચું જીવવા નું
તો રહીં જ જાય છે….

તને કેમ સમજાવું ‘દમન’
સંબંધો એ તો ગુંથલી જેવા છે.
જેમાં ગુંથવાય જ જવું પડે ભાઇ !
ત્યારે તો મજબૂત થાય…

ગુંથાય ગયા અટલે કામ
પુરૂ પણ નથી થતું,
જતું કરવાની તૈયારી પણ
રાખવી પડે છે ભાઇ.. !

આવું ન થાય તો,
આપડાથી સારું તો પ્રાણી,
જીવે છે જે જતું કરીને જીવી તો
જાય છે….. !

-સર્વદમન

આરજુ….!!!


તમારી યાદને બસ હું દિલથી ભુલાવી ના શક્યો..!
ને…! દિલ ની દુનીયાને ફરીથી વસાવી ના શક્યો…!!

ખબર તો હતી જ કે ત્યાં નથી કોઈ મંઝિલ મારી…
…પણ મારી એ રાહ ને હું બદલાવી ના શક્યો…!

તમારી આ… યાદે… તો કેટલા કર્યા છે બેહાલ અમને ..!
કે ખુદ મારા જ પ્રતિબિંબ ને હું જ પિછાણી ના શક્યો !!!

આમ તો , સામે જ વેરાણું હતુ આંસુઓનુ સમંદર …..
લાચાર હતો, મારી જ પ્યાસ ને હું બુઝાવી ના શક્યો

આમ તો હતી ઘણી જગ્યા આ નાનકડા દિલમાં…
પણ બે બુંદ તમારા પ્રેમના હું સમાવી ના શક્યો…

કે અશ્રુ વાટે વહેવડાવી દીધા મે તમને…’અંકુર’
દિલમાં તો શું ? બે ક્ષણ આ નયન માં પણ વસાવી ના શક્યો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

તવંગર ભિખારી…!!!


મુજ દિલની પ્યાસ ને હું આંસુઓ પી ને બુજવતો આવ્યો છુ…
ને…જીંદગી ભરથી ગમ ખાઈ ને..ગુજારો કરતો આવ્યો છુ…

ના આંસુઓ વહેવડાવજો મુજ આ એકલતાભરી દશા પર
છેક…..જન્મ થી જ બસ એકલો જ ચાલતો આવ્યો છુ…!!!

આંસુઓ ખુટ્યા છે આજ નયન ભંડારના એટલે… જ…
ઝાંઝવાના નીર કાજ – આજ અંહિ ભટકતો આવ્યો છુ…

તદ્દ્દન ખરું છે કે પ્રેમ એ આંધળો છે…
માટે જ છતી આંખો એ બસ હું અથડાતો આવ્યો છુ…

નથી રહી જ્ગ્યા દિલમાં હવે વધુ વેદનાને સંઘરવા..
છતાં યે બસ એ જ મંઝિલોને હું ચાહતો આવ્યો છુ…

આમ તો છુ હું બેતાજ બાદશાહ શબ્દો નો ‘અંકુર’
પણ તુજ દ્વારે આજ ભિખારી બનીને દિલ માંગવા આવ્યો છુ…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

કટી પતંગ


એક કટી પતંગ ની જેમ હું ગગનમાં લથડાતો ચાલ્યો,
કોઈ ટીખળ ના હાથમાં પકડાતો ચાલ્યો…
જેમ કટી પતંગ પકડાઈ ને જુદા રંગના રંગીન દોરે ચડે છે,
એમ હું જીવનના રંગ બદલાવતો ચાલ્યો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

યાદ…ફરિયાદ…!!!


કોઈકની યાદ માં…
કોઈકની ફરિયાદ માં…
દિલ ભળ..ભળ..જલતું હતું…
ને..હું મુર્ખ !
દિલની આગ ને બુઝવવાના વ્યર્થ પ્રયાસ કરતો હતો…
આંસુઓ વહેવડાવીને…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે


આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.
આજે ફરીથી…

ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.
આજે ફરીથી…

હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.
આજે ફરીથી…

આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.
આજે ફરીથી…

પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.
આજે ફરીથી…

રચયિતાઃ- મનોજ મુની

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે


દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રચયિતાઃ- કૈલાસ પંડિત