સાવ અટુલા પડી ગયા – મનોજ ખંડેરિયા


તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

– મનોજ ખંડેરિયા

આનંદની ઉજવણી ફરી એકવાર


આનંદની ઉજવણી ફરી એકવાર…. ૩ જી ઓગસ્ટ… ૪૭૭ પોસ્ટ્સ… અને ૪,૦૦,૦૦૦ મુલાકાતીઓ… મિત્રો, આટલો બહોળો સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર… ગરવી ગુજરાતી ભાષાના ગર્વીલા પ્રેમી તરીકે આપનું આ બ્લોગ પર હમેશા સ્વાગત છે… અને હજી તો કૈં કેટલીયે રચનાઓને આપ સુધી પહોંચાડવી છે… મને ગમે છે એને તમારી સાથે વહેંચવું છે… મળતા રહીશું ગુજરાતી ગઝલના આ મજાના પ્લેટફોર્મ પર…

મળવા આવું ક્યાંથી ?


‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ  અલગ બે  અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                       નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
                                                                                  તમે થઈ ગયા ચૂપ
                                   રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
                                                                                  ક્યાંથી ચીતરું રૂપ ?

 રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                       ક્ષણના તારેતાર ઉપર પણ, ઈચ્છાઓના દ્વાર ઉપર પણ,
                                                                                   મારી દીધી સાંકળ
                         યુગો  યુગોથી  ખૂલવા  કરતી ‘હોવું’  નામે  બોતલ  ઉપર,
                                                                                     વાસી દીધું ઢાંકણ.

રસ્તા, શેરી, ગામ-ગલીનો  ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                                                                                       – અનિલ ચાવડા

પરિચિત છું – ગુલામ અબ્બાસ ‘નાશાદ’


પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

આ રચના ને અહી “રણકાર” પર માણો

જાતની સાથે જ સોબત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

– ઉર્વીશ વસાવડા

પાસે બેસો તો કાંક પૂછું…


ભીંતો ભીજાય એય સ્હેવાતું જાય
પણ ભીનું ગગન કેમ લુછું ?

પાનીઓમાં ફૂટે છે ઝાંઝરિયા પ્હાડ
સખી ચાલું તો કેમ કરી ચાલું ?
મુઠ્ઠીમાં મ્હોરેલા ધુમ્મસિયા ઓરતા
મેલું મેલું ને ફરી ઝાલું.

પડછાયા આવીને પૂછ્યા કરે  છે
એવું પાસે બેસો તો કાંક પૂછું…

બળબળતા સૂરજને આંગળી અડાડું
ને ઝરણું બનીને દડી જાય ;
હળવો એક સાદ સૂના ફળિયે દેતામાં બળ્યા
શ્વાસોના નામ પડી જાય.

અડતામાં ઓરમાયા  લાગેલા આભલાને
શોષાતે કંઠ છેલ ચૂસું …..

– મધુકાન્ત  ‘ કલ્પિત ’

શક્યતાની ચાલચલગત


શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

– ચિનુ મોદી

મળું મળું વ્હાલાને ક્યારે ?


મળું મળું વ્હાલાને ક્યારે ?
વીંટળાઉં ક્યારે? ઘેલી
કોડભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી
મુખ પર પુષ્પ કરે ઠેલી
ફૂલરાણી શી ચંબેલી!

આરસનો અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ
સરસ્વતીની વેણીમાંથી
ફૂલમાં પૂર્યાં ગંધ અનુપ,
ફૂલડાંને ઉડવા આકાશ ,
પાંખ વિના પૂરે શેં આશ ?

મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ,
ચંબેલી મલકતી પૂછે,
“એક જ મારી પૂરશો આશ?
મારો દેહ તમારી પાંખ
એક બનીને ઉડશું આભ?”

ચંબેલીનો દેહ રૂડો ને,
પતંગિયાની પાંખ ધરી,
અવની, આભ, અનંતે ઉડે,
મલકતી મ્હેકતી પરી…
પતંગિયું ને ચંબેલી
એક થયા ને બની પરી !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

સાજન મારો સપનાં જોતો …


સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …

– મૂકેશ જોષી

જીવન બની જશે


જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .

જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .

– ‘મરીઝ’

માણસ – ભગવતીકુમાર શર્મા


આજે શ્રી ભગવતીકુમાર શર્માનાં જન્મદિવસે માણો એમની અદભુત રચના

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

– ભગવતીકુમાર શર્મા

વધુ રચના માણવા જોડાઓ  ભગવતીકુમાર શર્માની ઓરકુટ કોમ્યુનીટી

આજે તાળી આપો રાજ


તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

સાત સમંદર પાર અમારા ડુંગર સાત ખોવાયા
સાત ક્ષણોની વચ્ચે વચ્ચે સાત કિનારા આવ્યા

વરસ્યા નહી સુકાયા નહીં
તરસ્યા નહીં અમે તો કહીં
તમે તમારા કાનને મીંચો
હું મીંચું અવાજ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

તડકો મહેંક્યો અડધી રાતે અડધી વાતો મ્હેંકી
પગલાં તો શેવાળ થયાં આ પગલી કોની બહેકી ?

અટકી નહીં કે ભટકી નહીં
ઉઝરડા અહીં આ કોના કહીં
તમે તમારું ધુમ્મસ મીંચો
હું મીંચું વરસાદ

તમે તમારી આંખો મીંચો
હું મીંચું બે હાથ
આજે તાળી આપો રાજ

– દિવા (પાંડેય) ભટ્ટ

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે – ‘મરીઝ’


મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’

એક દિ મમ્મી નાની થઈ ગઈ…!!


મધર્સ ડે વિશેષ :  ડૉ. વિજળીવાળા નું આ મજાનું બાળગીત માણીએ…

એક દિ મમ્મી નાની થઈ ગઈ,  ને હું થઈ ગઈ મોટી,

મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…

એક દિ મમ્મી નાની થઈ ગઈ.

એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…

એક દિ મમ્મી નાની થઈ ગઈ.

દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું !
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી

એક દિ મમ્મી નાની થઈ ગઈ.

– ડૉ. આઈ.કે. વિજળીવાળા

અંધકાર


ઝીણો રે ઝગે છે અંધકાર

ક્યાંક ફૂટી છે તેજલ કળી
એનો આ અણસાર !
ઝીણો રે ઝગે છે અંધકાર !

ઝરતી રે ઝરતી આછી મ્હેક હો
એમાં ભીંજાતું રે અંગ ,

કોણ રે નર્તતું વાયુ વ્હેણમાં
બજવી ધીરું મૃદંગ .
તૂટી રે જાય સહુયે દીવાર ,
ઝીણો રે ઝગે છે અંધકાર !

હળવે રે હળવે પડદા ઊપડે
આંખ્યુંમાં ઊઘડે આકાશ ,
ઊછળે રે ઊછળે સાગર શ્વાસના
મનને કોઈ ન આડશ.
હું જ છું ભીતર ને છું બહાર.

ઝીણો રે ઝગે છે અંધકાર !

– યોસેફ મેકવાન

છાતીમાં મારી


છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની હાજરીમા બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય-
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

મીરાં


મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

– સુરેશ દલાલ

અક્ષરો પર ચોંટેલી સંવેદના


આકાશમાં તરતા પીંછા પર
પ્રતિપદા ઝિલાય
ને યાદ આવે રણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
આથમતા સૂર્યમાં
ને માણેકઠારી રાતના ચંદ્રમાં
કશો ફેર ન હોય.
અચાનક ખંડમાં એક ભ્રમર પ્રવેશી
ગુંજન મુકી
બારી બહાર ચાલ્યો જાય
ત્યારે પણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
દીવાલોનું કંપન
પર્ણોના ઝિંઝિંકારમાં ઝમે છે
રાતદિન
લાલ ધૂળ ઊડે છે ચોમેર
તેમાં દટાય શહેર
ઘર
પથ્થર
શ્રાવણનું મનગમતું ફૂલ
આસોપાલવની ઝૂલ
પથ્થર
હું

-મહેશ બાલાશંકર દવે

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને


પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્ત કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.

– મનોજ ખંડેરિયા

શકય હો તો, કર કદી આવી કમાલ – દિપક બારડોલીકર


શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ

એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

– દિપક બારડોલીકર

મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!


દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !

સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !

તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !

નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ ‘અંકુર’
મારા શરીર સાથે સુતેલ મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!

-હસમુખ ધરોડ ‘અંકુર’

બંધ આંખે હેતુ વાંચો છો તમે


બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.

– ચીનુ મોદી

તમે પૂછશો નહી કે અમને કેમ છે


“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

મિત્ર…!!!


દુખ વિષય પર એક નિબંધ લખવા બેઠો…
બહુ વિચાર્યુ …ના કાં ઇ સુજ્યુ…
હાય ….રે…નિબંધ…અધુરો રહ્યો..
એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી….
હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

પાણીના ટીપે ઘાસમાં જઈએ


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ