બે ય મળીને એક ઊખાણું ! – રાજેન્દ્ર શુક્લ


ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું !

હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું !

અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું !

શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું !

રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું !

કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું !

અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું !

– રાજેન્દ્ર શુક્લ

ક્યાંક તું ને ક્યાંક હું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું
કાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું

આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા
ને ઊભા અંતરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું

ક્યાંય નકશામાં નથી ને સાથ ત્યાં રહેવું સરળ
કાળજે સાચવતા એ સ્થળ ક્યાંક તું ને ક્યાંક હું

બારણે ઊભા હશે, સૂતા હશે, ઉઠ્યા હશે
રોજ બસ કરીએ આ અટકળ ક્યાંક તું ને ક્યાંક હું

વ્યસ્ત કંઈ એવા સતત ના જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ ક્યાંક તું ને ક્યાંક હું

એકલાં છલકાઈ ને ચૂપચાપ સુકાઈ જતાં
લાગણી ખાતર થયા જળ ક્યાંક તું ને ક્યાંક હું

એકબીજામાં ધબકતા જીવની માફક સતત
આ અમસ્તા બાર કેવળ ક્યાંક તું ને ક્યાંક હું

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

હું ય લખું બસ જરી ? – વિમલ અગ્રાવત


તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હું ય લખું બસ જરી ?

લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે,
હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે,
જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી.
હું ય લખું બસ જરી ?

શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો,
અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો,
પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
હું ય લખું બસ જરી ?

-વિમલ અગ્રાવત

ગાન થવાનું – શ્યામ સાધુ


હોવાના પર્યાયતણું જો ભાન થવાનું,
શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું !

ટેકરીઓના વાતા પવનો જોયા કરજો,
આકાશી રસ્તા પર તમને માન થવાનું !

સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા,
કોને કહેવું ? કોનું અહીં બહુમાન થવાનું !

પાછી પેલી ઋષિજન જેવી વાત કહું લો,
મીઠું મીઠું મૌન મહીં પણ ગાન થવાનું !

અગધ-પગધના રસ્તે ‘સાધુ’ ચાલ્યા કરજો,
સંતો કહે છે: કોલાહલમાં ધ્યાન થવાનું !

– શ્યામ સાધુ

બની જા ! – શ્યામ સાધુ


અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા !

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા !

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા !

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા !

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા !

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા !

– શ્યામ સાધુ

કેમ ઉકેલું લિપિ જળની – સંજુ વાળા


સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

પરપોટાનું પોત, પવનનાં પગલાં
તરતા નર્યા સપાટી ઉપર જી  રે
સ્પર્શે ઊગે સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

                      – સંજુ વાળા

તારી યાદ – શ્યામ સાધુ


આજે ય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.

હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.

મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.

કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.

મારી ઉદાસ રાતના કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.

-શ્યામ સાધુ

બદલવાથી – હિતેન આનંદપરા


દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.

                                          –   હિતેન  આનંદપરા

પવન ! એમના ઘર તરફ – શોભિત દેસાઈ


સૂરીલા બની જાશે સઘળા અવાજો,
દરેક ગીત એને ઉદ્દેશીને ગા જો !

જે આવ્યા હો લાંબી સફરમાંથી એને,
ચહેરાના આશ્ચર્યનું ઘેન પાજો.

દરેક પર્ણને સૂર્ય સાક્ષાત ચૂમે,
કરે દર સવારે શરદ ખેલ તાજો.

તમારામાં સંદેશા વહેતા મૂકું છું,
પવન ! એમના ઘર તરફ થઈને વાજો.

ન ગમતું બને કે કંઈક કે તત્ક્ષણે આ,
અધર વાંકા કરવાની એની અદા જો !

ઘણાં વર્ષે એણે કહેણ મોકલ્યું છે,
મને થાય છે, તોડી નાખું રિવાજો.

– શોભિત દેસાઈ

મોસમ રડી છે


ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

– શ્યામ સાધુ

કેવળ જાણવું છે – ભરત વિંઝુડા


સહેજ મારે તારા જેવું પણ થવું છે
લાવ તારી જીભ મારે બોલવું છે

જેમ તું મારા જ હાથેથી લખે છે
એમ મારે તારી આંખે વાંચવું છે

આપણે સાથે ઊભાં છીએ ગગનમાં
ધરતી પર આવી અને પણ ચાલવું છે

જે ઘડી મારું ઘડી તારું જ લાગે
ચિત્ર એવું એક સાચું દોરવું છે

તું નદી ક્યાં, એક પાણીનું ટીપું છે
જેમાં રજકણ થઈને મારે ડૂબવું છે

તું ભીતરમાં છે તો સામે કઈ રીતે છે
આટલું અધ્યાત્મ કેવળ જાણવું છે

                                 – ભરત વિંઝુડા

જો આ રીતે મળવાનું નહીં – વિનોદ જોષી


જો આ રીતે મળવાનું નહીં
દરિયો તો હોય તેથી નદીએ કાંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં ઉડઝુડ ઊગ્યું એક ઝાડ
ખિસકોલી જેમ હવે ઠેકીને એક એક રુંવાડે પાડે તું ધાડ
છીંડુ તો હોય તેથી ઉભી બજારેથી આ રીતે વળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

એમ કાંઈ એવું કહેવાય નહીં કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ
જેમ કે અનેકવાર તારામાં ભાંગીને ભૂક્કો હું થઈ જાતો રોજ
જીવતર તો હોય તેથી ગમ્મે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

– વિનોદ જોષી

હું તો ખાલી શકુંતલાની આંગળી – અનિલ જોશી


કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!

આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

– અનિલ જોશી

કોણ ચાહે છે તને ? – હર્ષ બ્રહ્મભટ્ટ


શું કરીશ જાણી ખરેખર કોણ ચાહે છે તને ?
તુંય જાણે છે નિરંતર કોણ ચાહે છે તને ?

તે છતાં કેવળ કરુણા-પ્રેમ વરસાવે સતત,
આ જગતમાં બોલ ઇશ્વર કોણ ચાહે છે તને ?

હા, ઘડી કે બે ઘડી જોવો કિનારા પર ગમે,
એ કહે હરપળ સમંદર કોણ ચાહે છે તને ?

ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગ,
પણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને ?

નામ ઝળહળતું બધાના હોઠ પર રમતું છતાં,
જાય જો વીતી એ ઉંમર કોણ ચાહે છે તને ?

ને નથી જો કોઈ પણ હા ચાહતું જો ‘હર્ષ’ તો,
કૈંક જન્મોથી જીવનભર કોણ ચાહે છે તને ?

– હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું – શ્યામ સાધુ


સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું !

શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું !

પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું !

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું !

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

શ્યામ સાધુ

ક્યાં હવે ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુક્લ


કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?

ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?

–  રાજેન્દ્ર શુક્લ

હકદાર લાગે છે – ‘ગની’ દહીંવાલા


નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા !  મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

– ‘ગની’ દહીંવાલા

શિયાળે


થથરી ઊઠી હવા, ઝાડનાં થથરી ઊઠ્યાં પાંદ
થર થર કાંપે તલાવડી ને તલાવડીમાં ચાંદ !

મોડે લગ ઊંઘે અજવાળું ઓઢીને અંધાર
મોં-માથે, પંખી પણ ખોલે મોડી પાંખ લગાર ;

લાંબી- પ્હોળી રજાઈ રાતે તનને ટૂંકી પડે
માની સોડ ઢબૂર્યું બાળક ઓઢણ ખસતાં રડે ;

કાતર ચાલેમ લાંબા પટના તડકાઓ કતરાય
રાત ધીમે દળતી ઘંટી શી લાંબે રાગે ગાય !

નીકળ્યો ફરવા સડકે ઊભી શ્વેત ઘરોની હાર
નાવ બચી ટકરાતી સ્હેજમાં ઍન્ટાર્કટિકને પ્હાડ !

– જયન્ત પાઠક

એવું કેમ છે ?


હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?

ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?

એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?

પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?

બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?

– મેગી અસનાની

ગઝલ – રઈશ મણિયાર


છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

                                                       – રઈશ મનીયાર

લખવું બને


જખ્મ ભીતર થાય તો લખવું બને,
માણસો પરખાય  તો લખવું  બને.

સ્મિત કાજે  એટલાં  તરસો  અને,
આંસુ જો  રેલાય તો લખવું  બને.

ફૂલ  માફક   સાચવ્યું  જેને   હતું, 
સ્વપ્ન એ રોળાય તો લખવું બને.

લો, કિનારો  સાવ તો પાસે  હતો,
નાવ  ડૂબી જાય તો લખવું  બને.

સાદ કીધો જઈ શિખરની ટોચ પર,
લાગણી  પડઘાય  તો  લખવું  બને.

                                    –  હરીશ પંડ્યા

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી


પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ખોબો ભરીને અમે એટલું હસ્યાં – જગદીશ જોષી


ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી

ફરમાઈશ કરનાર : રીન્કુ

સ્વરાંકન માનો : રણકાર.કોમ

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે – રઈશ મનીઆર


અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

–  રઈશ મનીઆર

સૌજન્ય : ગુંજારવ