કૈંક નોખું ધારવા તૈયાર છો, તો ધન્ય છો।
જાતને અજમાવવા તૈયાર છો, તો ધન્ય છો।
સ્વાર્થ મેલાં સગપણોની ઔપચારિક ભીડમાં,
લાગણીને સ્થાપવા તૈયાર છો, તો ધન્ય છો।
ગામના પાદરથી લઈને છેક છેવાડા સુધી
વહાલને વિસ્તારવા તૈયાર છો, તો ધન્ય છો।
એક ડફણે હાંકવા નીકળ્યા છે સૌને ઠાઠથી,
એમને પડકારવા તૈયાર છો, તો ધન્ય છો।
બહુ હઠીલી જાત છે, વળગ્યા પછી છૂટે નહીં,
એ અહમ્.ને નાથવા તૈયાર છો, તો ધન્ય છો।
મોટા ભાગે છાવરે છે સૌ અસત્યોને છતાં
સત્યને સ્વીકારવા તૈયાર છો, તો ધન્ય છો।
માત્ર અંધારું જ આવ્યું જેમના ભાગ્યે ‘મહેશ’
એ ખૂણા અજવાળવા તૈયાર છો, તો ધન્ય છો।
– ડૉ. મહેશ રાવલ
Filed under: કવિ/કવિયત્રી, ડૉ. મહેશ રાવલ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ડૉ. મહેશ રાવલ, તો ધન્ય છો, Dr. Mahesh Raval, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, sahitya | Leave a comment »
