Posted on જૂન 23, 2011 by Swati
હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી
ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.
રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં
નથી કોઈ આકાશની જાણકારી.
મેં તારી ગલીના ગુનાઓ કર્યા નહીં
નહીંતર સજાઓ હતી સારી-સારી.
થયા શું અનુભવ, ટકોરા જ કહેશે
તને ક્યાં ખબર, બારણાની ખુમારી ?
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, ભાવેશ ભટ્ટૃ | Tagged: બારણાની ખુમારી, ભાવેશ ભટ્ટ, મળી ઘર વગરની મને એક બારી, હતી એકસરખી હાલત અમારી | 7 Comments »
Posted on જૂન 19, 2011 by Swati
તું શિખરે, હું તળિયે :
આપણ એવો જાગ જગવીએ,
કેવળ ઝળહળીએ, ઝળહળીએ !
તું મસ્તીલો પવન, પુષ્પ હું
ખૂણે નહીં ખીલેલું ;
તું આવે તો સકળ ધરી દઉં
તને સુવાસ ભરેલું !
લહર લહર લ્હેરાતાં આપણ
અરસપરમાં ઢળીએ !-
તું આકાશે હંસ ઊડતો,
હું માનસજલબિન્દુ !
તારા સ્પર્શે ઊગશે અંદર
મુક્તારસનો ઇન્દુ !
ઊછળી ઊંચે, ઊતરી ઊંડે
મરજીવિયે મન મળીએ !
તું તો આવે ગગન-ઘટા લૈ,
ઘટમાં કેમ સમાશે ?
તારી વીજ શું પતંગિયાના
પાશ મહીં બંધાશે ?
પલકારામાં પ્રગટે પૂનમ,
વાટે એવી વળીએ !
Filed under: ગીત, ચન્દ્રકાંત શેઠ | 1 Comment »
Posted on જૂન 18, 2011 by Swati
ફૂલોએ આપઘાત કર્યો હોય પણ કદાચ,
આ શૂન્યતામાં શબ્દ સર્યો હોય પણ કદાચ.
અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.
લાગે છે છિન્નભિન્ન થયો એટલે નહીં,
ધસમસતાં પૂર સામે તર્યો હોય પણ કદાચ.
કારણ વગર ભીતરથી ખળભળું છું આજકાલ,
કોઈએ અરીસો સામે ધર્યો હોય પણ કદાચ.
પરબીડિયું જે અંધકારમાં ડૂબી ગયું,
તડકો ગજબનો એમાં ભર્યો હોય પણ કદાચ.
‘સાહિલ’ નદીના કાંઠે વીત્યું જેનું આયખું,
એ શખ્સ રણના હાથે ઠર્યો હોય પણ કદાચ.
– ‘સાહિલ’
0.000000
0.000000
Filed under: અનામી - UNKNOWN | 5 Comments »
Posted on જૂન 9, 2011 by Swati
મિત્રો,
ગુજરાતી ગઝલની સફર જૂનની ૫ તારીખે ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં પગલા માંડી રહી છે, ઉપરાંત આજે ગુજરાતી ગઝલના મુલાકાતીઓની સંખ્યા પણ 5,80,700 નો આંકડો વટાવી ગઈ છે. ત્યારે આ ખુશી, આ આનંદ શ્રી રશીદ મીરની આ ગઝલના માધ્યમ દ્વારા આપ સૌની સાથે વહેંચવી ગમશે…
સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ.
ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.
પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.
સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.
મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.
શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા, હું પણ પોલું તું પણ પોલ.
0.000000
0.000000
Filed under: અનામી - UNKNOWN, સમાચાર | 8 Comments »
Posted on જૂન 9, 2011 by Swati
લાગણીની ટોચ પર પહોંચ્યા ને પરદો થઈ ગયો,
એક ગરવો સાથ પળમાં ઓર ગરવો થઈ ગયો.
વાતમાં નહિતર હતો ક્યાં કાંઈ પણ વક્કર છતાં,
આપને કીધા પછી હું સાવ હળવો થઈ ગયો.
છે બહુ અપરાધ સંગીત બોલવું અહીંયાં છતાં,
આપને જોયા અને મારાથી ટહુકો થઈ ગયો.
આંખથી સ્પર્શી જીવનના અશ્વ પર વહેતાં થયાં,
ને પછી પળવારમાં હું ખુદથી અળગો થઈ ગયો.
માનું છું ‘સાહિલ’ તણખલા જેવું છે અસ્તિત્વ પણ,
જ્યાં મળ્યાં બે-ત્રણ તણખલાં ત્યાં જ માળો થઈ ગયો.
Filed under: સાહિલ | 6 Comments »
Posted on એપ્રિલ 23, 2011 by Manthan Bhavsar
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા
23.039574
72.566020
Filed under: અનિલ ચાવડા | Tagged: અનિલ ચાવડા, એક મોજું એ રીતે અથડાય છે | 10 Comments »
Posted on માર્ચ 28, 2011 by Swati
જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો
શ્વાસને સેજારે જાશે ઊડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
-બાલમુકુન્દ દવે
Filed under: કવિતા, ગીત, બાલમુકુન્દ દવે | Tagged: ગીત, ગુજરાતી ગઝલ, ઝાકળની પિછોડી, તમે ઓઢી, પ્રાર્થના, બાલમુકુન્દ દવે, મનવાજી મારા, શીદ રે જાણીને, balmukund dave, gujarati, gujaratigazal, jhoothi, pichhodi, zakal ni | 1 Comment »
Posted on માર્ચ 26, 2011 by Manthan Bhavsar
છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા
(“લયસ્તરો” ના સૉજન્યથી)
23.039574
72.566020
Filed under: અનિલ ચાવડા | Tagged: છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને - અનિલ ચાવડા | 4 Comments »
Posted on માર્ચ 24, 2011 by Manthan Bhavsar
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ
23.039574
72.566020
Filed under: ‘ઘાયલ’ | Tagged: મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’, G, ghayal, gujarati gazal | 3 Comments »
Posted on માર્ચ 22, 2011 by Manthan Bhavsar
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
– ‘ઘાયલ’
23.039574
72.566020
Filed under: ‘ઘાયલ’ | Tagged: 'ઘાયલ', ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા | 15 Comments »
Posted on માર્ચ 11, 2011 by Manthan Bhavsar
છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે
એમ લાગ્યું ફક્ત બસ મૃગજળ સુધી ચાલ્યા અમે
છાતી ચીરીને બતાવી ના શક્યા ,તેથી જ તો
કાળજેથી નીકળી કાગળ સુધી ચાલ્યા અમે
સીંદરીની જાત છઈએ ,જાત પર જઈએ જ ને
રાખ થઇ ગ્યા ,તોય છેલ્લા વળ સુધી ચાલ્યા અમે
સાધના,સાધન અને શું સાધ્ય છે :સ્વાહા બધું
ધૂપદાની લઇ અને ગૂગળ સુધી ચાલ્યા અમે
બળ કહો કે કળ કહો કે છળ કહો,કંઈ પણ કહો
અંતમાં કહેવું પડે:અંજળ સુધી ચાલ્યા અમે
-સુરેશ વિરાણી
23.039574
72.566020
Filed under: સુરેશ વિરાણી | Tagged: ચાલ્યા અમે, છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે, સુરેશ વિરાણી | 2 Comments »
Posted on માર્ચ 9, 2011 by Swati
આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું. હો આજ…
ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને
ધરતીએ મેલીને દીવા,
ફૂલોએ ફોરમને આલી આલીને એનું
અંગેઅંગ મહેકાવ્યું !
હો આજ….
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા
ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ
અંધારાનેયે નચાવ્યું !
હો આજ…
વીતી છે બર્ષા ને ધરતી છે તૃપ્ત આજ,
આસમાન ખીલી ઊઠ્યું :
ઊડે આનંદરંગ ચોમેર અમારો એમાં
અંધારું આજે રંગાયું !
હો આજ….
થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને
ચાંદાના યે વ્રત થાતાં,
આનંદઘેલા હૈયે અમારા આજ
અંધારાને યે અપનાવ્યું !
હો આજ…
– પ્રહલાદ પારેખ
Filed under: ગીત, પ્રહલાદ પારેખ | Tagged: આજ અમે અંધારું શણગાર્યું, પ્રહલાદ પારેખ, શ્યામલને, સોહાવ્યું, હે જી અમે | 4 Comments »
Posted on માર્ચ 6, 2011 by Swati
નર્સનાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં
ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે,
તૂટેલા મિજાગરા પર પવન લટકે છે.
જીર્ણ વસ્ત્રની જેમ તડકો ફસકી પડ્યો છે.
પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો
શિથિલ થઈને પડ્યાં છે.
ક્યાંકથી જળ ટપકવાનો અવાજ સંભળાય છે.
બખોલમાં બે ઝીણી ઝીણી આંખો તગતગે છે.
તૂટેલી ડાળ પર કળીઓ ખીલું ખીલું થઈ રહી છે.
દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે.
ડહોળયેલી નદીને કાંઠે એક વૃદ્ધ ઊભો છે.
એની આંખોમાં લાચારી નથી, આશા નથી,
કેવળ એક પ્રશ્ન છે :
આજે જો ઇશ્વર સામો મળે તો પૂછવા માટે –
‘સયુજા સખા’નો અર્થ.
– જયા મહેતા
Filed under: અછાંદસ, જયા મહેતા | Tagged: કડક, જયા મહેતા, જેવી, નર્સનાં, વાવાઝોડા પછીની સવારે, શાંતિમાં, સફેદ વસ્ત્રો, gujarati gazal, jaya mehta, pachhi ni, savare, vavajhoda | 3 Comments »
Posted on માર્ચ 3, 2011 by Swati
પાંચ લાખ પગલાં પૂરા થઈ ગયા…. ખ્યાલ પણ ના રહ્યો… આજે ધ્યાન ગયું તો આજે એનો આનંદ વ્યક્ત કરી લઈએ…. સૌના આભાર સાથે આ મજાની રચના માણીએ. આપ સૌને ખાસ આગ્રહ કે અહીં કાંઈ પણ ભૂલ કે દોષ ધ્યાનમાં આવે તો જાણ કરશો.
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી – હવામાં
તૃણે તૃણે પાને પાને
ઝાકળબિંદુ ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી – હવામાં
રમતાં વાદળ ગિરિશિખરે
મધુરી નાની સરિતા સરે
દૂર દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી – હવામાં
રવિ તો રેલે ન્યારા
સોનેરી સૂરની ધારા,
વિશાળ ગગનગોખ એના જાય ગૂંથાતી કિરણજાળી – હવામાં
મન તો જાણે જુઈની લતા
ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી – હવામાં
– નાથાલાલ દવે
Filed under: ગીત, નાથાલાલ દવે | Tagged: આજ વહે છે, કીધો ખાલી, ખુશખુશાલી, ધરતી કેરી, નાથાલાલ દવે, ભાર હૈયાનો, મેઘ વિખાયો, મોડી રાતે, હવામાં | 2 Comments »
Posted on માર્ચ 1, 2011 by Swati
કોઇ શબદ આવે આ રમતો રે,
કોઈ શબદ આવે મનગમતો,
મહામૌનના શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે-
કોઇ શબદ આવે આ રમતો
એક શબદ હૈયે ઝીલું ને
હોઠ કરી દઉં બંધ,
માથું ઢાળી રહું અઢેલી
આ આકાશી કંધ :
શબદ ઊગે હું શમતો રે –
કોઈ શબદ આવે આ રમતો.
ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
પાંખી પાંખી રાત,
પગલે પગલે પડી રહી આ
બીબે બીજી ભાત
ભાંગ્યા ભેદભરમ તો રે,
કોઈ શબદ આવે આ રમતો.
પિંડ મહીં આકાર ધરે
પળ પળ ગુંજરતો પિંડ,
માંસલ સાજ પરે આ કોની
અમી ટપકતી મીંડ !
શો સરસ સરસ રસ ઝમતો રે,
કોઈ શબદ આવે આ રમતો.
– મકરન્દ દવે
Filed under: કવિતા, ગીત, મકરન્દ દવે | Tagged: આ રમતો રે, આવે, કોઇ શબદ, ઝાંખો ઝાંખો, દિવસ બન્યો, પાંખી પાંખી રાત, મકરન્દ દવે, મહામૌનના, શબદ, શબદ – મકરન્દ દવે, શિખર, gujarati gazal, shabad | 5 Comments »
Posted on ફેબ્રુવારી 27, 2011 by Swati
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?
ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?
ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?
ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?
હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?
– રાજેન્દ્ર શુક્લ
Filed under: ગઝલ, રાજેન્દ્ર શુક્લ | Tagged: આકાર પણ અવાચક, આવજાવ, કજળે, કવિ....!!!, કારી ઘાવ, કીડી સમી, ક્ષણોની, ગુજરાતી ગઝલ, ધૂપછાંવ, નમણા નજૂમી, પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુક્લ, પ્રજળે, મિત્રો, રચના, રાજેન્દ્ર શુક્લ, લગની, લગાવ, લયને, લહેરો, શાયર, હાવભાવ, Gazal, geet, gujarati, gujaratigazal, kavi, kavita, shayri | 2 Comments »
Posted on ફેબ્રુવારી 21, 2011 by Swati
“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે
ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષીની આ અમર રચના
જે જન્મતાં આશિષ હેમચન્દ્રની
પામી, વિરાગી જિનસાધુઓએ
જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ-મીરાં-
અખા તણે નાદ ચડી ઉમંગે
આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની
દ્રઢાય ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાન્તે, દલપત પુત્રે
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા
ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી
– ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)
Filed under: ઉમાશંકર જોશી, કવિતા, ગીત | Tagged: આયુષ્મતી, આશિષ, ઉમાશંકર જોષી, ઋતંભરા, ગુર્જરી ગિરા, જન્મતાં, જિનસાધુઓએ, જે, નાચી અભંગે નરસિંહ-મીરાં-, પામી, વિરાગી, વિશ્વ માતૃભાષા દિવસ, વિશ્વમાંગલ્યધાત્રી, હેમચન્દ્રની | 2 Comments »
Posted on ફેબ્રુવારી 16, 2011 by Swati
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
કુંજ કુંજ ગોચર ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ.
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
અમે પૂછતાં કોણ વરસતું, નહીં વાદળ, નહીં વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આશાનું મંજુલ મંજુલ ગાન.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
– ‘સુન્દરમ્’
Filed under: કવિતા, ગીત, સુન્દરમ્ | 1 Comment »
Posted on ફેબ્રુવારી 13, 2011 by Swati
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો કાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલ સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
– ‘સુન્દરમ્’
Filed under: કવિતા, ગીત, સુન્દરમ્ | 2 Comments »
Posted on ફેબ્રુવારી 10, 2011 by Swati
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે
હાથમાંથી સરકીને વહી જાતાં ભાનસાન
વીંઝે રે દૂર દૂર પાંખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોઠોમાં ઉપડતી ગહેક
જાણે બધું નજરાઇ જાતું ન હોય
એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં
આંબાની લૂમઝૂમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
– રમેશ પારેખ
Filed under: ગીત, રમેશ પારેખ | 5 Comments »
Posted on ફેબ્રુવારી 8, 2011 by Swati
કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ
કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ
નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ
એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ
હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.
– મનોજ ખંડેરિયા
Filed under: ગઝલ, મનોજ ખંડેરિયા | 8 Comments »
Posted on ફેબ્રુવારી 1, 2011 by Swati
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.
‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.
– ‘ગની’ દહીંવાલા
Filed under: ગની દહીંવાલા, ગુજરાતી શાયરી, શાયરી | Tagged: ઉપચાર, ગઝલ, ગની દહીંવાલા, ગુજરાતી ગઝલ, જ, દર્દ-રૂપે, દર્દનો, દેનાર, નર્યું, પાણી, મારા દર્દનો, હૃદયમાં, Gazal, gujarati gazal | 15 Comments »
Posted on જાન્યુઆરી 29, 2011 by Swati
થથરી ઊઠી હવા, ઝાડનાં થથરી ઊઠ્યાં પાંદ
થર થર કાંપે તલાવડી ને તલાવડીમાં ચાંદ !
મોડે લગ ઊંઘે અજવાળું ઓઢીને અંધાર
મોં-માથે, પંખી પણ ખોલે મોડી પાંખ લગાર ;
લાંબી- પ્હોળી રજાઈ રાતે તનને ટૂંકી પડે
માની સોડ ઢબૂર્યું બાળક ઓઢણ ખસતાં રડે ;
કાતર ચાલેમ લાંબા પટના તડકાઓ કતરાય
રાત ધીમે દળતી ઘંટી શી લાંબે રાગે ગાય !
નીકળ્યો ફરવા સડકે ઊભી શ્વેત ઘરોની હાર
નાવ બચી ટકરાતી સ્હેજમાં ઍન્ટાર્કટિકને પ્હાડ !
– જયન્ત પાઠક
Filed under: ગઝલ, ગુજરાતી શાયરી, જયન્ત પાઠક | Tagged: અજવાળું, ઍન્ટાર્કટિક, ઓઢીને અંધાર, કતરાય, ઘરોની હાર, ચાંદ, જયન્ત પાઠક, ઢબૂર્યું, તડકાઓ, તલાવડી, થથરી ઊઠી, પ્હાડ, શિયાળે, શ્વેત, Gazal, gujarati gazal, jayant pathak, shiyale, winter | 4 Comments »
Posted on જાન્યુઆરી 26, 2011 by Swati
હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?
ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?
રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?
એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?
પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?
બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?
– મેગી અસનાની
Filed under: કવિ/કવિયત્રી, ગઝલ, મેગી અસનાની | Tagged: ઊડી જઈશ હું છતાં, એવું કેમ છે ?, જેમ ક્ષણમાં, ઝાકળની, ફૂલને અડાતું, મેગી અસનાની, સૂર્યમુખી, Gazal, gujarati gazal, Megi Asnani | 8 Comments »
Posted on જાન્યુઆરી 16, 2011 by Swati
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે
પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે
બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે
ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે
– રઈશ મનીયાર
Filed under: અનામી - UNKNOWN, ગઝલ, રઈશ મનીયાર | Tagged: ઉચ્ચ, કાયા, ગઝલ, ગુજરાતી ગઝલ, જિંદગાની, જ્ઞાની, ઠોકરો, તંગી, નહિતર, નિશાની, પાડનારા, પીડા, પ્રસ્વેદ, મજાની, મન સાફ, માનહાનિ, રઈશ મણીયાર, રઈશ મનીઆર, વાંચનારા, વેદ, Gazal, raeesh maniaar, www.gujaratigazal.com | 8 Comments »