રેતમાં તરવા જવાની જીદમાં – મિલિન્દ ગઢવી


આજે અહીં કવિ શ્રી મિલિન્દ ગઢવીની એક ગઝલ અને તેનું સ્વરાંકન માણીએ. 

રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યાં જળ ત્યાગવાની જીદમાં.

જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.

વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.

લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.

છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.

– મિલિન્દ ગઢવી 

http://soundcloud.com/milind-gadhavi/ret-ma-tarva-javani-jid-ma

સ્વર અને સ્વરકાર – ડૉ. ભરત પટેલ

જીવન ચણવા બેઠા – અનિલ ચાવડા


શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

– અનિલ ચાવડા

સ્પર્શાય નહીં !


તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

– ભરત વિંઝુડા

સાભાર : ‘તને બોલાવું‘ પરથી કવિની એક અપ્રગટ રચના

કેટલી મજા – ચન્દ્રકાંત શેઠ


સાચકલું સબ તરે, કેટલી મજા !
ખોટાડું  ખબ  ખરે,  કેટલી મજા !

બાવળિયના ઝુંડે ના જન્મારો  ખોવો,
પથ્થરમાંથી કોક ફુવારો ફૂટતો જોવો;
સૂક્કી ડાળે ફરફર જ્યારે થાય ફૂલની ધજા,
કેટલી મજા !

વાડો આડે ભોમ ભીતરી બદ્ધ ન કરવી,
મધરાતેયે  નભગંગાથી ગાગર ભરવી ;
ઉજ્જડ વાટે હોય વરસવા વીજવાદળને રજા !
કેટલી મજા !

પડઘાઓથી નથી કાનને કરવા બ્હેરા,
પડછાયાના  હોય  નહીં  સૂરજને  પ્હેરા ;
કાદવનાં કમળોએ ખીલી સરવર મારાં સજ્યાં !
કેટલી મજા !

બારણાની ખુમારી – ભાવેશ ભટ્ટ


હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી

ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.

રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં
નથી કોઈ આકાશની જાણકારી.

મેં તારી ગલીના ગુનાઓ કર્યા નહીં
નહીંતર સજાઓ હતી સારી-સારી.

થયા શું અનુભવ, ટકોરા જ કહેશે
તને ક્યાં ખબર, બારણાની ખુમારી ?

પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુક્લ


કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?

ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?

–  રાજેન્દ્ર શુક્લ

આસપાસ – મનોજ ખંડેરિયા


કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

– મનોજ ખંડેરિયા

શિયાળે


થથરી ઊઠી હવા, ઝાડનાં થથરી ઊઠ્યાં પાંદ
થર થર કાંપે તલાવડી ને તલાવડીમાં ચાંદ !

મોડે લગ ઊંઘે અજવાળું ઓઢીને અંધાર
મોં-માથે, પંખી પણ ખોલે મોડી પાંખ લગાર ;

લાંબી- પ્હોળી રજાઈ રાતે તનને ટૂંકી પડે
માની સોડ ઢબૂર્યું બાળક ઓઢણ ખસતાં રડે ;

કાતર ચાલેમ લાંબા પટના તડકાઓ કતરાય
રાત ધીમે દળતી ઘંટી શી લાંબે રાગે ગાય !

નીકળ્યો ફરવા સડકે ઊભી શ્વેત ઘરોની હાર
નાવ બચી ટકરાતી સ્હેજમાં ઍન્ટાર્કટિકને પ્હાડ !

– જયન્ત પાઠક

એવું કેમ છે ?


હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?

ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?

એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?

પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?

બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?

– મેગી અસનાની

ગઝલ – રઈશ મણિયાર


છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

                                                       – રઈશ મનીયાર

ગુજરાતી ગઝલની સફરમાં આજે ૫૦૦ મી પોસ્ટ


ગુજરાતી ગઝલની સફરમાં આજે ૫૦૦ મી પોસ્ટ પબ્લિશ કરતા એક અનોખો આનંદ થઈ રહ્યો છે… વાચકવર્ગ અને મિત્રોનો હમેશા સહકાર મળતો રહ્યો છે એ જ રીતે આપ સૌ જરૂરી સૂચનો અને પ્રતિભાવોથી વાકેફ કરતા રહેશો તો આનંદ થશે. બાકી ગુજરાતી સાહિત્ય તો એક અમર વારસો છે… અહીં તો માત્ર થોડાં છાંટા ઉડાડીને હરખાવાની વાત છે…. આમ તો આપણા સૌના ટેબલ પડેલી કોઈ પર્સનલ ડાયરીના પાના જેવો છે આ બ્લોગ…. કોઈ ટીકા – ટિપ્પણ કાંઈ જ નહીં… માત્ર શબ્દોને માણવાનો અને હૃદયની લાગણીઓને વ્યક્ત કરવાનો આનંદ એટલે www.gujaratigazal.wordpress.com

આજે એક પ્રિય મિત્રની આ ગઝલ

ફેંકી  દીધો  ભારો  જીવા
લ્યો  ગાડું  હંકારો  જીવા

ક્યાંથી આવે આરો જીવા
રોજ  નવો જન્મારો જીવા

ફરી ફરીને એ જ થવાનું
અહીંયા એવો ધારો જીવા

તારા પર વરસાદ પડે તો
ધૂળ   થવાની  ગારો   જીવા

તારા  ખેવટીયા  ના   કોઈ
પોતે   પાર    ઉતારો  જીવા

સાંખીને    સંભાળી    લેજે
દેજે   મા   વર્તારો    જીવા

માથે લઈને ક્યાં લગ ફરશું ?
મૂકો  બધો   પથારો    જીવા

– મિલિન્દ ગઢવી (‘શબ્દસર’ ડિસે. ૨૦૧૦)

ક્ષેમકુશળ છે શાયર…


છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે,
ક્ષેમકુશળ  છે શાયર લોહીઉકાળા વચ્ચે !

આજ  નહીં  તો કાલે એણે  ભરવા પડશે,
ભડભાદર છે,  તાણે સોડ ઉચાળા વચ્ચે !

થીજેલા શબ્દો પણ એને કામ ન આવે,
ઉષ્મા ક્યાં છે? પૂછે ધોમ ઉનાળા વચ્ચે !

એનું સાચું  સરનામું  આ, ક્યાંક લખી લો
મળતાં મોતી છીપ અને પરવાળા વચ્ચે !

ચીવટ રાખી ટીપાંનો હિસાબ લખે છે,
ભૂલ પડે છે તાળા ને સરવાળા વચ્ચે !

મૂંગે મોંએ મરણતોલ એ ઘાવ સહે છે,
ચિત્કારે છે, સહેજ અડો જો આળા વચ્ચે !

જો કે મોત ભમે છે એના માથા ઉપર,
તો ય સલામત કોના એ રખવાળા વચ્ચે ?

– કિશોર જીકાદરા

લખી દઉં


ધારું  તો  હું શ્વાસ ઉપર ‘હે રામ’  લખી દઉં,
પરપોટાનું   ચપટીમાં   અંજામ  લખી   દઉં.

ને  બંધ બેસતા  શબ્દ વિષે  જો   કોઈ  પૂછે,
કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં.

કલમ   મહીં   મેં   કેફ   ભર્યો  છે  ઘૂંટી   ઘૂંટી,
બેપરવા થૈ   જાત પરે  બેફામ  લખી   દઉં.

નામ થવાની   આખી ઘટના મોઘમ રાખું,
બદનામીની  વાતો   બે મુદ્દામ   લખી  દઉં.

જ્યારે   ત્યારે    કહેવાના   કે   ઘર   મારું  છે,
સોનાની આ   લંકા લો અભરામ લખી દઉં.

કાગળ પર તો આજ  સુધી મેં ખૂબ  લખ્યું,
ઊભે મારગ પગલાંનો પયગામ લખી દઉં.

ખોવાયેલી     ખૂશ્બુથી     મેળાપ     કરાવો,
રાજીપામાં   આખેઆખું   ગામ   લખી   દઉં.

                                     – કિશોર જીકાદરા (ગાંધીનગર)

સપનામાં આવશો


સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો

જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો

ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો

ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર
અફસોસ કે નગરના નકશામાં આવશો

પહેલી પસંદગી છો તો એ મુજબ રહો 
બહુ દુ:ખ થશે તમે જો અથવામાં આવશો.

– ભરત વિંઝુડા

તારી ને મારી વાત…


શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

                                                       – રમેશ પારેખ

પૂછો


વાવાઝોડું પી ગયેલા આ કવિના જન્મદિવસને એક બહાનું માનીએ 

 તેમના જ શબ્દોને સ્મરીને…

પૂછો કે Penમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા

એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા

દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા

આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા

છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
પૂછો કે દર્પણોમાં હતાં બારણા, તો હા

ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા

                                                    – રમેશ પારેખ

સાભાર : www.rameshparekh.in

બાકી છે…


ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

– ભરત વિંઝુડા

નહીં શકે – રિષભ મહેતા


તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે

– રિષભ મહેતા

તને


આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,

તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.

હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને

એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.

નામ તારું નામ તારું નામ તા—
એકડા ની જેમ હું ઘૂંટુ તને.

-હર્ષદ ત્રિવેદી

સમજાય છે


શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે,
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે.

રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંઝિલ હવે અટવાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

તારા શહેરનો વરસાદ…!


ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !

– કરસનદાસ લુહાર

મન મૂકી વરસ


બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ તે રીતે સ્પરશ.

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

                                                           – પુરુરાજ જોષી

ઝળહળ કર્યું


પ્હેલ પરથમ પાંખ દીધી ને પછી પીંજર ધર્યું
ચોપડે ચીતરેલ ખાતું, એ રીતે સરભર કર્યું.

પારધીના એક શરથી થઈ ગયું આહત વિહગ
ચીસથી જો કે યુગો લગ, આભ આખું થરથર્યું.

વૃક્ષની હરએક ડાળીની કરી હત્યા પછી
છાંયડાની ઝંખનાએ, એના મનમાં ઘર કર્યું.

માંડવો મધુમાલતીનો ને પથારી જૂઈની
રાત રહી પાસાં બદલતી, ને ગગન ઝરમર ઝર્યું.

ઠામઠેકાણા વિના ક્યાં ખોળવો તુજને ભલા
આમ આલય  સાવ ખાલી, આમ સચરાચર ભર્યું.

–  પુરુરાજ જોષી

તું હોઈ શકે


ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે,
રંગ રેખા કે નહીં આકાર તું હોઈ શકે.

કોઈ મારા બારણે જાસાચિઠ્ઠી નાખી ગયું,
અક્ષર તો ક્યાંથી ઉકલે લખનાર તું હોઈ શકે.

રાગ પારિજાત લ્હેરાતો રહ્યો છે રાતભર,
ક્યાંક નજદીક બેસીને ગાનાર તું હોઈ શકે.

આટલાં વ્હાલાં મને લાગ્યાં નથી પૂર્વે કદી,
આ અભાવો, પીડ મોકલનાર તું હોઈ શકે.

– પુરુરાજ જોષી

( આ રચના પૂરી છે કે અધુરી એ ખબર નથી, જો કોઈને જાણ હોય તો ધ્યાન દોરશો…)

પ્રભુ પંચાયતમાં સ્ત્રી


ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા