એકબીજાને ગમીએ ! – રમેશ પારેખ


એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,

ભૂલચૂકને   ભાતીગળ  રંગોળીમાં  ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ

ગોફણમાં   ચાંદો  ઘાલી   હું   ફેકું  તારે  ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

– રમેશ પારેખ

‘હું મજામાં છું.’ – પારુલ ખખ્ખર


ગીતા પર હાથ રાખીને કહું છું, ‘હું મજામાં છું’
સમયને માન આપીને કહું છું, ‘હું મજામાં છું.’

મળે જો કોઈ ઓચિંતું અને એ ‘શું થયું’ પૂછે,
તરત એ વાત કાપીને કહું છું, ‘હું મજામાં છું.’

મજામાં છો તમે એવો દિલાસો હું મને આપું,
પછી તો રાત જાગીને કહું છું, ‘હું મજામાં છું.’

‘નથી ગમતું, નથી ગમતું’ સતત એવું કહે ત્યારે,
સ્વયંને આંખ કાઢીને કહું છું, ‘હું મજામાં છું.’

મજામાં રહી શકાતું હોય છે જો ગાંઠ વાળો તો
હું એવી ગાંઠ વાળીને કહું છું, ‘હું મજામાં છું.’

– પારુલ ખખ્ખર

સમજાવ આંખને – ડૉ. મનોજ જોશી ‘મન’


હવેથી એક પણ સપનું ઘડે નહીં,
જરા સમજાવ આંખોને ! રડે નહીં.

ખબર નહીં આ પવનને વેર શું છે ?
તને અડક્યા પછી અમને અડે નહીં !

જરા શરમાળ છે પીડા અમારી,
અમસ્તી એમ એ નજરે ચડે નહીં.

વધે તો આંખ કે દિલમાં રહે બસ,
તરસ ક્યારેય દરિયામાં પડે નહીં !

ખરેખર ક્યાંય ખોવાયું નથી એ,
ઘણું શોધ્યાં પછી પણ જે જડે નહીં.

 - ડૉ. મનોજ જોશી 'મન

થોડું અંગત અંગત – પ્રફુલ્લા વોરા


ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

જાગ જો જાગી શકે – હેમંત પુણેકર


જાગ જો જાગી શકે
તાગ જો તાગી શકે

આપવા આતુર છે એ
માગ જો માગી શકે

કેદ છે આખું જગત
ભાગ જો ભાગી શકે

સ્વપ્નનો ઢગલો થયો
દાગ જો દાગી શકે

ખુશ નથી તો શું થયું?
લાગ જો લાગી શકે

બહાર ભીતર એક છે
તાગ જો તાગી શકે

– હેમંત પુણેકર

જેવી તેવી વાત નથી – સંદીપ ભાટિયા


માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

– સંદીપ ભાટિયા

ચારેબાજુ રાજીપો – શિવજી રુખડા


દર્દો સાંભળનારા હો તો ચારેબાજુ રાજીપો છે,

હોંકારો દેનારા હો તો ચારેબાજુ રાજીપો છે.

આવો, આવો એમ કહીને ઉમળકાથી દોડી આવે,

એવા જ્યાં ઉતારા હો તો ચારેબાજુ રાજીપો છે.

બોજ બીજાનો ઉપાડીને રાજી થઈ પોતાનો સમજે,

એવા પણ સધિયારા હો તો ચારેબાજુ રાજીપો છે.

પાડોશીનું સુખ જોઈને બાજુવાળા સૌ હરખાતાં,

સુખો જ્યાં મજિયારા હો તો ચારેબાજુ રાજીપો છે

પાંપણથી હો નીતરતાં ને કોમળતાનો હો સરવાળો,

વ્હાલપના ફુવારા હો તો ચારેબાજુ રાજીપો છે.

– શિવજી રૂખડા

શબ્દો ગમતા ગયા એમ ગઝલ સર્જાતી ગઇ


એકધારી ફૂલની કેવી નજર છે.
એમ લાગે કે ગઝલનુંં એ જ ઘર છે.

શબ્દ બોલે તોય સંભળાશે નહી આ –
પાનખરની ભીતરે એવી અસર છે.

સાથ છોડીને તમે ચાલ્યા ગયા છો,
ત્યારથી મંઝિલ બધીયે બેખબર છે.

હુ મને શોધી ભલે થાકી ગયો છું,
એકધારી ચાલતી મારી સફર છે.

રાત પડતા જીવતી લાશો બને છે
ફૂટપાથો એમ લાગે કે કબર છે.

            –  કલ્પેશ સોલંકી “કલ્પ”

માધવના દેશમાં ન જાજો રાધાજી – ધૂની માંડલિયા


માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

વાંસળીની ફૂંક જરા અડકી ના અડકી
ત્યાં તૂટવાના સપનાનાં ફોરાં.
રાતે તો લીલુડા પાન તમે લથબથ,
સવારે સાવ જાને કોરાં.

કાંઠે તો વિદેહી વાર્તાની જેવો, એને શું પાણી-પરપોટો
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

મોર જેવો મોર મૂકી પીંછામાં મોહ્યો
એવી તો એની પરખ છે.
શ્યામ રંગ ઢાંકવા પાછો પૂછે છે
પીતાંબર કેવું સરસ છે.

મથુરાનો મારગ કે ગોકુળિયું ગામ હો મલક ભલે ને હો મોટો
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

– ધૂની માંડલિયા

એ રીતે – ભરત વિંઝુડા


એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !

હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !

જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !

– ભરત વિંઝુડા

કોક સવારે – હરિકૃષ્ણ પાઠક


કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.

કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

– હરિકૃષ્ણ પાઠક

ધાર્યા કરતા વહેલી થઈ ગઈ – મિલિંદ ગઢવી


ધાર્યા કરતા વહેલી થઈ ગઈ
જાત સદંતર મેલી થઈ ગઈ

મેં હસવાનું શીખી લીધું
દુનિયાને મુશ્કેલી થઈ ગઈ

ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા
સમજણ સાથે રેલી થઈ ગઈ

બે ફળિયાએ પ્રેમ કર્યો તો
વંડીમાંથી ડેલી થઈ ગઈ

દર્પણમાં એવું શું જોયું ?
ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ

– મિલિંદ ગઢવી (ગ.મિ.)

તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા


તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે તે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયાતને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું સત્યને કાજે વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રાવણકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

વધુ ગરબા માણવા માટે અહી કિલક કરો 

કદાચ – ‘સાહિલ’


ફૂલોએ આપઘાત કર્યો હોય પણ કદાચ,
આ શૂન્યતામાં શબ્દ સર્યો હોય પણ કદાચ.

અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.

લાગે છે છિન્નભિન્ન થયો એટલે નહીં,
ધસમસતાં પૂર સામે તર્યો હોય પણ કદાચ.

કારણ વગર ભીતરથી ખળભળું છું આજકાલ,
કોઈએ અરીસો સામે ધર્યો હોય પણ કદાચ.

પરબીડિયું જે અંધકારમાં ડૂબી ગયું,
તડકો ગજબનો એમાં ભર્યો હોય પણ કદાચ.

‘સાહિલ’ નદીના કાંઠે વીત્યું જેનું આયખું,
એ શખ્સ રણના હાથે ઠર્યો હોય પણ કદાચ.

– ‘સાહિલ’

ચાર વર્ષની યાદગાર સફર….


મિત્રો,

ગુજરાતી ગઝલની સફર જૂનની ૫ તારીખે ચાર વર્ષ પૂરા  કરીને પાંચમા વર્ષમાં પગલા માંડી રહી છે, ઉપરાંત આજે ગુજરાતી ગઝલના મુલાકાતીઓની સંખ્યા પણ 5,80,700 નો આંકડો વટાવી ગઈ છે.  ત્યારે આ ખુશી, આ આનંદ  શ્રી રશીદ મીરની આ ગઝલના માધ્યમ  દ્વારા  આપ સૌની સાથે વહેંચવી ગમશે… 

સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ.  

ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.

સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.

શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા, હું પણ પોલું તું પણ પોલ.

ગઝલ – રઈશ મણિયાર


છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

                                                       – રઈશ મનીયાર

આનંદની ઉજવણી ફરી એકવાર


આનંદની ઉજવણી ફરી એકવાર…. ૩ જી ઓગસ્ટ… ૪૭૭ પોસ્ટ્સ… અને ૪,૦૦,૦૦૦ મુલાકાતીઓ… મિત્રો, આટલો બહોળો સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર… ગરવી ગુજરાતી ભાષાના ગર્વીલા પ્રેમી તરીકે આપનું આ બ્લોગ પર હમેશા સ્વાગત છે… અને હજી તો કૈં કેટલીયે રચનાઓને આપ સુધી પહોંચાડવી છે… મને ગમે છે એને તમારી સાથે વહેંચવું છે… મળતા રહીશું ગુજરાતી ગઝલના આ મજાના પ્લેટફોર્મ પર…

એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…


એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…

ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…

ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….

અને તો પણ લોકો કે છે કે-
“વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!”

– અનામી – UNKNOWN

સ્ત્રોત : ફોરવર્ડ મેલ

તમે સાંજે મળો તો મને એકલા મળો


તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :

એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

– જગદીશ જોષી

ફરમાઇશ કરનાર : કીર્તન
સૌજન્ય : મિતિક્ષા.કોમ

એટલો રહેજે દૂર


             સાંભળું તારો સૂર,
   સાંવરિયા, એટલો રહેજે દૂર !

ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
          ભલે તું રાસ ના ખેલે.
  વનને વિજન તું મારે અંબોડલે
           ભલે કદંબ ના મેલે ;

         તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર !

સૂરની સંગાથ મારા સમણાનો સાર
   ને સઘળો સંસાર મેં તો બાંધ્યો.
એમાં તો મુજને આ જગથીયે પાર
      રે એવો કો સૂરલોક લાધ્યો ;

         હવે જાશે મથુરાપુર ?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર ?

                                             – નિરંજન ભગત

જિંદગી


કોઇ જિંદગીની પળોને માણે છે,
કોઇ શ્વાસ પોતાનો ગણે છે,

કોઇ ખ્વાબને ઊંચે પહોંચાડે છે,
કોઇને ખ્વાબ ઊંચેથી પછાડે છે,

કોઇ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે,
કોઇ અંદરથી તડપાય છે,

કોઇ દર્દથી હ્રદય અકળાવે છે,
કોઇ દર્દ હસીમાં છુપાવે છે,

કોઇ સુખેથી જિંદગી જીવે છે,
કોઇ દુઃખમાં દિવસ વિતાવે છે,

કોઇ તસવીરમાં જખમને રંગે છે,
કોઇ પંક્તિમાં જખમ રેલાવે છે,

કોઇ વારતામાં જખમ વર્ણવે છે,
કોઇ ગઝલને જખ્મી બનાવે છે,

હેમાંગિની ચૌધરી

સપનામાં તો બધા જીવે છે


સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?

સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!

બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!

આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !

હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !

-સર્વદમન

જીવન જીવતાં જઇએ સાથે


જીવન જીવતાં જઇએ સાથે,
પ્રેમ અને લગણી વધરતાં જઇએ.

બધાંને સાથે લેતાં જઇએ,
રહીગયા તેને સલામ કરતાં જઇએ.

દુઃખનાં વાદળા હટાવતાં જઇએ,
સુખનો દરીયો છલકાવતાં જઇએ.

જરમ-જરમ ખોટું લગડતાં જઇએ,
ધોધમાર પ્રેમ વરસાવતાં જઇએ.

અત્યારે મન ભરીને જીવી લઇએ,
મરણતો આવે ત્યારે વાત.

તને શું કહું એ ‘દમન’,
જીવતો જા બસ જીવતો જા.

-સર્વદમન

સંબંધ વિશે શું કહું યાર !


સંબંધ વિશે શું કહું યાર !
અહીં ક્યાં બધા માટે એક
સરખું જીવાય છે…. !

કેમ જીવું અને કેમ સાંચવવા,
આમને આમ જીવન પસાર
થય જાય છે….

જેમા સાચું જીવવા નું
તો રહીં જ જાય છે….

તને કેમ સમજાવું ‘દમન’
સંબંધો એ તો ગુંથલી જેવા છે.
જેમાં ગુંથવાય જ જવું પડે ભાઇ !
ત્યારે તો મજબૂત થાય…

ગુંથાય ગયા અટલે કામ
પુરૂ પણ નથી થતું,
જતું કરવાની તૈયારી પણ
રાખવી પડે છે ભાઇ.. !

આવું ન થાય તો,
આપડાથી સારું તો પ્રાણી,
જીવે છે જે જતું કરીને જીવી તો
જાય છે….. !

-સર્વદમન

દરિયા ને મે જ્યારે જોયો,


દરિયા ને મે જ્યારે જોયો,
મનમાં થયુ મણસ જેવો.

ક્યારેક તો ઍવો શાંત લગે !
જાણે આ દરિયો કે બીજુ કઈ.

પણ જ્યારે અમાસ કે પુનમ,
જીવના દુઃખ અને સુખ જેવો.

ઘુઘવાટા મારે જાણે અંદર કાંઇ,
માણસના મનનાં પ્રશ્ન જેવો.

ઉછળીને રેતી ને ભીંજાવે ઍમ,
જાણે માણસ મળે પ્રેમથી મણસને.

પણ થોડા સમય માટે જ મળે,
જેમ માણસ રહે માણસ સાથે.

અનેક રાઝ છુપાયેલા છે ‘દમન’,
જેવા માણનાં સંબંધ છે અવો.

-સર્વદમન