બંસરીના સૂરમાં ભીંજાવું
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.
બંસરીના સૂર આંખ મીંચીને સાંભળું ત્યાં,
આછું અડકે મોરપીંછું.
પીંછાનાં રંગો તો સાત સાત સૂર અને
સૂર મહીં મેઘધનુષ દીઠું,
આવું રે કરે ને વળી પોતે સંતાઈ રહે
મારે ક્યાં રે રહેવું ને ક્યાં જાવું?
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.
લોક કહે છે આ જોગણ વેરાગણ રે
સઘળું છોડીને આ તો હાલી,
જોગ ને વેરાગ બેની હું રે શું જાણું
મને લાગે છે વાંસલડી વાલી.
વ્હાલપનો સાગર છલકાય બ્હાર અંદર, હું
છાલકને ક્યાં રે સમાવું?
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.
– નયના જાની
Filed under: કવિ/કવિયત્રી, ગીત, નયના જાની | Tagged: અંદર, આંખ, છલકાય, દીઠું, નયના જાની, બંસરીના, બહાર, ભીંજાવું, મહીં, મારે, મીંચીને, મેઘધનુષ, વ્હાલપનો સાગર, સખીરી !, સાંભળું ત્યાં, સૂરમાં |

SARAS RACHANAA…..
ખુબ સુન્દર ગીત. ખુબ ગમ્યુ.