મને એવી રીતે કઝા યાદ આવી,


મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

-’મરીઝ’

6 Responses

  1. મરીઝ એટલે મરીઝ –
    અરે મરીઝ નહીં, દર્દનો વૈદ ….

  2. મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
    મને મારી પ્રેમાળ મા યાદ આવી.

    સુંદર આટલી ગઝલ તારી છે’ મરીઝ’
    મને આજ વાંચવાની કેવી મજા આવી!
    -Vishwadeep

  3. નથીં કોઈ દુઃખ મારા હળહળનું કારણ
    મરીજ ની એક લાઈન હતી યાદ આવી….

    તું નથી મરીજ ’મરીજ’ તું તો બૈદ
    બધા નું દુઃખ તારા શબ્દો માં કૈદ…

  4. wah……mariz saheb wah……..tamara jeva vyaktio ne karne j gujrati sahitya dhabaktu 6e……salute to you sir.

  5. wah mariz really tame Gujarati gazalo na god 6o….!

Leave a comment