વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું


વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું,
રહ્યો છું હું સદા સપનાઓના દરબારમાં.
હકિકતનો પડદો આજે ઉતારી જોયો,
જાણ્યું મેં આજે કે ખરેખર તો હકિકતનો સામનો કરી રહ્યો છું.
તરસ્યા આ દિલ સામે કોઈની તૃપ્તીની આશા ના રહી,
ઝાંઝવાઓ ના નીરથી પરેશાન રહ્યો છું.
ખોટા અને દંભી દિલાસાઓથી બચી ના શક્યો,
સાચી દાસ્તાનથી હું ખુદ મારો બચાવ કરી રહ્યો છું.
કર્યા તો છે મેં ઘણા કાર્યો પણ છૂપાવવાની આદતથી છૂપાવી શક્યો,
મિત્રોની મહેફિલમાં હું જૂઠ્ઠુ કથન કરી રહ્યો છું.
જિંદગી નિકળી છે પ્રેમને છૂપાવવામાં અને વફા કરવામાં,
પણ કોઈના દિલમાં આરામગાહ શોધીના શક્યો.
લાગે છે હવે સમય વિતિ ચૂક્યો છે,
હવે હું ચીતાના ખોળે મારું સ્થાન શોધી રહ્યો છું…

નિલ બુધ્ધભટ્ટી

જો દરેક સમયે સંબંધમાં


જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય તો
સમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.

-સર્વદમન

તું કેમ છે ઉદાસ ???


સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?


આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

ઉપાલંભ…!!!


ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…

હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…

એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…

યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…

તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને લોક વદન કહે છે…

ખર્યા નથી કદીયે એક પણ સિતારા…. ‘અંકુર’
ને..એ…મુઠભર કુદરત ને લોક ગગન કહે છે…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

તવંગર ભિખારી…!!!


મુજ દિલની પ્યાસ ને હું આંસુઓ પી ને બુજવતો આવ્યો છુ…
ને…જીંદગી ભરથી ગમ ખાઈ ને..ગુજારો કરતો આવ્યો છુ…

ના આંસુઓ વહેવડાવજો મુજ આ એકલતાભરી દશા પર
છેક…..જન્મ થી જ બસ એકલો જ ચાલતો આવ્યો છુ…!!!

આંસુઓ ખુટ્યા છે આજ નયન ભંડારના એટલે… જ…
ઝાંઝવાના નીર કાજ – આજ અંહિ ભટકતો આવ્યો છુ…

તદ્દ્દન ખરું છે કે પ્રેમ એ આંધળો છે…
માટે જ છતી આંખો એ બસ હું અથડાતો આવ્યો છુ…

નથી રહી જ્ગ્યા દિલમાં હવે વધુ વેદનાને સંઘરવા..
છતાં યે બસ એ જ મંઝિલોને હું ચાહતો આવ્યો છુ…

આમ તો છુ હું બેતાજ બાદશાહ શબ્દો નો ‘અંકુર’
પણ તુજ દ્વારે આજ ભિખારી બનીને દિલ માંગવા આવ્યો છુ…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

યાદ…ફરિયાદ…!!!


કોઈકની યાદ માં…
કોઈકની ફરિયાદ માં…
દિલ ભળ..ભળ..જલતું હતું…
ને..હું મુર્ખ !
દિલની આગ ને બુઝવવાના વ્યર્થ પ્રયાસ કરતો હતો…
આંસુઓ વહેવડાવીને…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે


આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.
આજે ફરીથી…

ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.
આજે ફરીથી…

હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.
આજે ફરીથી…

આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.
આજે ફરીથી…

પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.
આજે ફરીથી…

રચયિતાઃ- મનોજ મુની

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે


દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રચયિતાઃ- કૈલાસ પંડિત

તડફડાટ…!!!


નજર…નજર…માં જોઇલો આ તફાવત છે કેટલો ?
નયન દુર હોવા છતાં દિલ કહે છે એ પાસ હશે…!

પ્રસરતી યાદ ને રોકવી રહેવા દો દોસ્તો…
નક્કી એને ચારેકોર થી મારી જ તલાશ હશે…!

નથી કંડારાયો હું હજી કોઇ અજાણ્યા દિલમાં,
કદાચ ! મારા દિલને મારો જ ત્રાસ હશે…!

આંસુ જો રંગીન હોત તો તેમાંય મેચીંગ હોત…!!!
ખુદા આમાંય ક્યાંક માનવી નો ક્ટાક્ષ હશે…!

નહિં તો રોકાત નહીં રેતી પેલી રેતશીશી માં…
નક્કી એમાં સમયનો કારમો નિશ્વાશ હશે…!

બહુ સંભાળી ને વાંચજો આ ગઝલ ‘અંકુર’ ની દોસ્તો…
નયન ભીના થયા છે…તેમાં યે ક્યાંક શબ્દોનો તડફડાટ હશે…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

હું જન્મયો ત્યારે


હું જન્મયો ત્યારે ટગરમગર…મગર…થાતી
મારી બે નાનકડી આંખલડીઓ …
સર્વને જોઇ ને…રડતી હતી…
ને…સર્વ…મને જોઇ ને હસતા હતા….!!!
આજે હું એજ પ્રમાણે સુતો છુ… મરણસૈયા પર…
ને…સર્વને …રડતા જોઇ..અનિમેંષ નયને…હસતો રહયો…

– હસમુખ ધરોડ ‘અંકુર’

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા


મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ

અણસાર…………..!


મને મોતનો અણસાર તો ત્યારે આવ્યો…
કે જ્યારે…હું એક ફોટોગ્રાફર…આર્ટિસ્ટ,
એક ગરીબ ની આકૃતિ દોરતો હતો…
અને…તેનુ…પેટ દોરતા ભુલી ગયો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

જ્ન્મદિન….!!!


જ્ન્મદિને…લગ્ને…દરેક સારા-નરસા પ્રસગે,
સર્વ સગા-સબંધીઓ…આવતા…હસાવવા,રમાડવા,
સ્નેહ માં વિતાવવા મુજને…
વળી આજે તેઓ આવ્યા છે…!!!
ટોળે વળ્યા છે……….
પરંતુ કેમ છે ગેરહાજરી મારી ?
કેમ હું ઉભો નથી ઝાંપે આજ સર્વ ને આવકારવા…?
દોસ્તો..યારો..ક્યાંથી દેખાઉ હું આ પ્રસંગે…
કારણ…એ…પ્રસંગ છે…મુજ મ્રુત્યુ તણો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

માણસ ઘુરે


માણસ ઘુરે
માણસ સામે જોઇ
કુતરુ મૌન …!!!
-હસમુખ ધરોડ ‘અંકુર’

ચાંદની


અડધી રાત્રે
ચાંદની ને એકલી
કોણે મોકલી ?

ચોમાસા ની રાતમાં


ચોમાસા ની રાતમાં
ગરીબો સુતા
શરીર ને ઓઢી ને

-હસમુખ ધરોડ ‘અંકુર’

ફોટોગ્રાફર


ફોટોગ્રાફર
પુત્ર માં હોય તેના
પિતાનો ફોટો

-હસમુખ ધરોડ ‘અંકુર’

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

– શ્રી રમેશ પારેખ

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી


કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
બનીને મજાના ફળ ઊંચેરી ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

-વિવેક મનહર ટેલર

આમ ભલે ને હૃદય રડે પણ હસતી રાખુ છું આંખો


ક્યારેક અમસ્તા હું પણ થોડા આપું છુ પ્રત્યાઘાતો,
કારણ છે એનુ કે મે પણ જીરવ્યા છે કૈક આઘાતો.

આમ ભલે ને હૃદય રડે પણ હસતી રાખુ છું આંખો,
તો પણ હરદમ શબ્દે શબ્દે દર્દ રહે છે છલકાતો.

કિસ્મત ને મારે જઇ ને બે ચાર સવાલો કરવા છે,
થોડી શિકાયત કરવી છે, કંઇ કરવી પણ છે રજુઆતો.

નારાજ નથી હું દુનિયા થી એણે તો મુજ ને આપી છે,
દર્દ, નિરાશા, નિષ્ફળતા ની કેવી સુંદર સોગતો.

ઘર ના મારા આયના ને રોજ કરું છું એક સવાલ,
દોસ્ત, કહે કે ક્યાં ખોવાયો ચેહરો પેલો મલકાતો.

-unknown

જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,


થોડીક શીકાયત કરવી’તી,
થોડાક ખુલાસા કરવા’તા,
એ મોત જરા રોકાઈ જતે,
મારે પણ બે ચાર કામ હતા,
જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા….

ધરાં પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારુ


ધરાં પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારુ
સરીતા દુધ અને દહીંની ફરીથી છલકાય તો સારુ

ઝમાનો વેજીટેબલ ઘી તનો આ જાય તો સારુ
અને સાચુ ઘી શરીરોંમા હવે સીંચાય તો સારુ

અમારા સોરઠી સંતોના દીલમાં એકજ અર્માન છે…
અમારો દેશ નંદનવન ફરીથી તો સારુ

નજર કરડી અમારા દેશ પર મંડાઇ છે આજે…
અમે ભાઇ ગણ્યા તા તે કસાઇ થાય છે આજે…

વતન વાળા ઉઠો દુઃખની ઘટા ઘેરાઈ છે આજે…
હીમાલયના હ્રુદય્માં આગ ભડકાં થાય છે આજે…

વતનની લાજ આવા વખતે જો સચવાય તો સારુ…
અમારો દેશ નંદનવન ફરીથી તો સારુ

ટોળાંની શુન્યતા છુ, જવા દો કશું નથી…


ટોળાંની શુન્યતા છુ, જવા દો કશું નથી…
મારા જીવનનો મર્મ છુ, હું છું ને હું નથી…

હું તો નગરનો ઢોલ છુ, દાંડી પીટો મને…
ખાલી પણુ બીજા તો કોઇ કામનુ નથી…

શુળી ઉપર જીવુ છુ, ને લંબાતો હાથ છુ…
મારાંમા ને ઇશુ માં બીજુ કૈં નવુ નથી…

નામર્દ શહેનરશાહનુ ફરમાન થઇ જઇશ…
હું ઢોલ છુ, પીટો, મને કઇ પણ થતુ નથી…

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.


મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

– કરસનદાસ માણેક