જ્યોતિ આભની


આવો રે આવો જ્યોતિ આભની !

આ રે કાયા કેરી દીવીમાં
મારા પ્રાણની દિવેટ;
સીધી ઊભી ઉંચા મસ્તકે
સીંચી હૈયાને હેત !

આવો રે આવો જ્યોતિ આભની !

આવો અંજવાળા ઉંચા ગેબના,
મારો પોકારે અંધાર !
મીઠું રે મલકતી તેજલ ઝાળથી ,
શિરને સ્પર્શો પલવાર !

આવો રે આવો જ્યોતિ આભની !

અંધને આધાર ન્હોયે અંધનો ;
આવો અંધના આધાર,
ભાંગો ભીડેલી વજ્જર ભોગળો,
અંજવાળા કરો રે ઝોકાર !

આવો રે આવો જ્યોતિ આભની !

– પ્રજારામ રાવળ

છાતીમાં મારી


છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની હાજરીમા બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય-
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

એણે કાટો કાઢીને


એણે કાટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફરર દઈ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

– વિનોદ જોશી

મને ડાળખીને


એક ભૂરા આકાશની આશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો ;
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ
ઘૂઘવે પવન : વણજારો.

જાણે માછલીને જળની પિપાસા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે :
અમને તો બધ્ધું કબૂલ .

મારી સઘળી દિશાને તલાશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

– સુરેશ દલાલ

મીરાં


મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

– સુરેશ દલાલ

આજે તારો કાગળ મળ્યો…


આજે તારો કાગળ મળ્યો
ગોળ ખાઈને સૂરજ ઊગે, એવો દિવસ ગળ્યો

એક ટપાલી મૂકે હાથમાં… વ્હાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી મળ્યો… આજે.

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
‘ લે મને પી જા હે કાગળ !’ પછી માંડજે વાત
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો… આજે

એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે
તારા અક્ષર તારા જેવું મીઠું મીઠું મલકે
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો…

– મુકેશ જોષી

જેના પડછાયા વડે છાંયો પડયો


જેના પડછાયા વડે છાંયો પડયો,
પહેલા એના પર અહીં તડકો પડયો.

દીકરા સાચે જ તું મોટો થયો,
બાપનો આ મ્હેલ પણ નાનો પડયો ?

રૂપ તો સાબિત થશે, પણ ગુણ વિશે ?
ફૂલની ફોરમનો ક્યાં ફોટો પડયો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડયો.

પાંખ પીંખાઈ અને પીંછા ખર્યાં,
ક્યાં હવામાં એકપણ ગોબો પડયો ?

જળના શ્વાસોશ્વાસ લાગી માછલી,
જાળ નાંખી હું ય છોભીલો પડયો

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

ગૌરાંગ ઠાકર

અક્ષરો પર ચોંટેલી સંવેદના


આકાશમાં તરતા પીંછા પર
પ્રતિપદા ઝિલાય
ને યાદ આવે રણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
આથમતા સૂર્યમાં
ને માણેકઠારી રાતના ચંદ્રમાં
કશો ફેર ન હોય.
અચાનક ખંડમાં એક ભ્રમર પ્રવેશી
ગુંજન મુકી
બારી બહાર ચાલ્યો જાય
ત્યારે પણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
દીવાલોનું કંપન
પર્ણોના ઝિંઝિંકારમાં ઝમે છે
રાતદિન
લાલ ધૂળ ઊડે છે ચોમેર
તેમાં દટાય શહેર
ઘર
પથ્થર
શ્રાવણનું મનગમતું ફૂલ
આસોપાલવની ઝૂલ
પથ્થર
હું

-મહેશ બાલાશંકર દવે

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને


પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્ત કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.

– મનોજ ખંડેરિયા

મારી આ દિવાલોથી મને પાર કરી દે – ગૌરાંગ ઠાકર


મારી આ દિવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઉગી જા,
તું ફૂલ પર એટલો ઉપકાર કરી દે.

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.

ગૌરાંગ ઠાકર

હળવા તે હાથે ઉપાડજો – માધવ રામાનુજ


હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;

ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,

કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

માધવ રામાનુજ

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?


કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

તું અને હું


તું અને હું જાણે સામા કિનારા
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદલ વૈશાખના
મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી
લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુનૂ આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ હ્રુદિયામાં રોતું એ શું?

–સુખદેવ પંડ્યા

મન થઇ જાય છે – ભરત વિંઝુડા


ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

– ભરત વિંઝુડા

નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !