આજે તારો કાગળ મળ્યો…


આજે તારો કાગળ મળ્યો
ગોળ ખાઈને સૂરજ ઊગે, એવો દિવસ ગળ્યો

એક ટપાલી મૂકે હાથમાં… વ્હાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી મળ્યો… આજે.

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
‘ લે મને પી જા હે કાગળ !’ પછી માંડજે વાત
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો… આજે

એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે
તારા અક્ષર તારા જેવું મીઠું મીઠું મલકે
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો…

– મુકેશ જોષી

જેના પડછાયા વડે છાંયો પડયો


જેના પડછાયા વડે છાંયો પડયો,
પહેલા એના પર અહીં તડકો પડયો.

દીકરા સાચે જ તું મોટો થયો,
બાપનો આ મ્હેલ પણ નાનો પડયો ?

રૂપ તો સાબિત થશે, પણ ગુણ વિશે ?
ફૂલની ફોરમનો ક્યાં ફોટો પડયો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડયો.

પાંખ પીંખાઈ અને પીંછા ખર્યાં,
ક્યાં હવામાં એકપણ ગોબો પડયો ?

જળના શ્વાસોશ્વાસ લાગી માછલી,
જાળ નાંખી હું ય છોભીલો પડયો

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીનાં શેહરમાં ભૂલો પડયો.

ગૌરાંગ ઠાકર

અક્ષરો પર ચોંટેલી સંવેદના


આકાશમાં તરતા પીંછા પર
પ્રતિપદા ઝિલાય
ને યાદ આવે રણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
આથમતા સૂર્યમાં
ને માણેકઠારી રાતના ચંદ્રમાં
કશો ફેર ન હોય.
અચાનક ખંડમાં એક ભ્રમર પ્રવેશી
ગુંજન મુકી
બારી બહાર ચાલ્યો જાય
ત્યારે પણ
કણેકણમાં ઊગી નીકળે છે રણ…
દીવાલોનું કંપન
પર્ણોના ઝિંઝિંકારમાં ઝમે છે
રાતદિન
લાલ ધૂળ ઊડે છે ચોમેર
તેમાં દટાય શહેર
ઘર
પથ્થર
શ્રાવણનું મનગમતું ફૂલ
આસોપાલવની ઝૂલ
પથ્થર
હું

-મહેશ બાલાશંકર દવે

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને


પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્ત કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.

– મનોજ ખંડેરિયા

મારી આ દિવાલોથી મને પાર કરી દે – ગૌરાંગ ઠાકર


મારી આ દિવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઉગી જા,
તું ફૂલ પર એટલો ઉપકાર કરી દે.

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.

ગૌરાંગ ઠાકર

હળવા તે હાથે ઉપાડજો – માધવ રામાનુજ


હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;

ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,

કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

માધવ રામાનુજ

પત્રસંવેદના


દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !

આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !

હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !

જાગતી રાતે જગત ઊંઘે તદા –
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !

– રાજેન્દ્ર શુક્લ

આટલું બધું વ્હાલ…?


આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે

-સુરેશ દલાલ

હજુયે યાદ છે… (‘હઝલ’-હાસ્ય ગઝલ)


એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલોનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

-રઈશ મનીયાર

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે


ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલકાર તરીકે એક આગવું સ્થાન ધરાવનાર કવિ શ્રી આદિલ મન્સુરીએ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લીધી. અમારા તરફથી એમને શ્રધ્ધાંજલી એમના જ શબ્દોમાં …

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

– ‘આદિલ’ મન્સૂરી

Download Song :  નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

માણસ ઉર્ફે…


માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ

કૈં નથી…


બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

એને નવું વર્ષ કહેવાય….


આવનારુ સવંત ૨૦૬૫ નુ નૂતન વર્ષ આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને ધન-ધાન્ય તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ લાભપ્રદ રહે તેવી શુભકામનાઓ સાથે શુભદિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.

આ પ્રસંગે “અંકિત ત્રિવેદી” ની આ સુંદર રચના

મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

– અંકિત ત્રિવેદી

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !


રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !

ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .

સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !

અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.

-મરીઝ

“ગુજરાતી ગઝલ” ની સફરનો સોનરી વળાંક કે જ્યાં શબ્દ મને સ્પર્શે છે…


મિત્રો, કવિ તરીકે હૃદયની ભાવનાને શબ્દરૂપ આપવું એ ખરેખર એક કળા છે. અને કવિના શબ્દો મારા મનોભાવોને સુંવાળપથી કાવ્યની એ દુનિયામાં ડોકિયું કરાવે છે કે જેમાં ક્યાંક મારી લાગણીઓનો પડઘો તો ક્યાંક માનવીય મનોભાવોનું પ્રતિબિંબ પડે છે. અને આ જ છે એ દુનિયા કે જ્યાં શબ્દ મને સ્પર્શે છે.

હું કોઈ કવિ નથી… ગીત, ગઝલ, કાવ્ય કાંઈ જ લખતી નથી, પણ જે કોઈ રચના મને ગમે છે તેને અહીં મારા બ્લૉગ પર એક પોસ્ટ રૂપે મૂકું છું. કોઇ રચનાનું વિવેચન કે ટીકાટિપ્પણને અહીં સ્થાન નથી. કારણ કે જેટલા પ્રેમથી એક કવિ પોતાની રચનાનું સર્જન કરે છે, શબ્દોથી શણગારે છે એટલાં જ આનંદથી મને એ માણવા ગમે છે. આ બ્લૉગ મારું એ વિશ્વ છે કે જ્યાં શબ્દ મને સ્પર્શે છે.

મારી આ મજાને મારા સમરસિયા મિત્રો સાથે વહેંચવાની એક ઇચ્છા થઈ અને પછી તો “ગમતું હોય તે બધું ગુંજે ન ભરીએ, ને ગમતાનો કરીએ ગુલાલ… ” (હરિન્દ્ર દવે) એવું જ કંઈક વિચારીને 5 june 2007 થી આ બ્લૉગ શરૂ કર્યો. (સરકારી હુકમની જેમ તાત્કાલિક અસરથી કામ શરૂ કર્યું. ) શરૂઆતમાં રોજની એક – બે પોસ્ટ મૂકાતી હતી અને હજી પણ સમયાંતરે નવી પોસ્ટ આવતી જ રહે છે. આજે ૧ લાખથી વધુ મિત્રો શબ્દોને માણવાની આ સફરમાં મારા સાથીદાર બન્યા છે ત્યારે એ સૌનો હૃદયપુર્વક આભાર માનતા હું ખૂબ જ આનંદ અનુભવું છું. સૌના માટે સાહિત્યના વિશાળ સાગરમાંથી એક એક બૂંદ અહીં સ્થાન લેતી રહેશે કારણકે – શબ્દ મને સ્પર્શે છે

મને જે કાંઈ ગમ્યું છે તે બધું જ અહીં પોસ્ટરૂપે મૂક્યું છે. અહી કોઈ રચના માટે કોઈ જ બંધન નથી. કવિ જાણીતા છે કે નવોદિત, તેની રચના છંદોબધ્ધ છે કે અછાંદસ કે પછી માત્ર શબ્દોની ગોઠવણી… એવા કોઇ જ નિયમો વિના જે કાંઈ પણ મારા હૃદયને સ્પર્શ્યું તે તમારા સૌની સાથે વહેંચવાનો એક પ્રયત્ન કર્યો છે. ” લે આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું” (રાજેન્દ્ર શુક્લ) . સૌને અહીં ભાવભર્યો આવકાર છે. આપ સૌનો ખૂબ આભાર… સાથે સાથે એક શુભેચ્છા અને પ્રભુને પ્રાર્થના કે – ” શબ્દ તમને પણ સ્પર્શે “

આ સાથે નીચેના પોલમાં તમારો અભિપ્રાય આપવા વિનંતી

કોણ…?


સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે,
કોઇ ત્યારે યાદ આવી જાય છે.

રાત ઢળતા એક પડછાયો મળે,
એ પછી ચોમેર વ્યાપી જાય છે.

છુંદણાંમાં કોણ પીડા આપતું,
એ વિચારે દર્દ ભાગી જાય છે.

છાંટણાં વરસાદના સ્પર્શી જતાં,
રોમ સૌ ધરતીના જાગી જાય છે.

હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઇ આવી રોજ તાપી જાય છે.

રોજ હું વાવી રહી સંબંધને,
રોજ આવી કોણ કાપી જાય છે .

-પુષ્પા મહેતા.

રે મન, ચાલ મહોબ્બત કરીએ…


રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબીએ ઘૂઘવતે દરિયે

રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ

પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ

દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે

જીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ

– હરીન્દ્ર દવે

હળવા તે હાથે ઉપાડજો – માધવ રામાનુજ


હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;

ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,

કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

 

– માધવ રામાનુજ

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,


પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

– ઊર્વીશ વસાવડા

શકય હો તો, કર કદી આવી કમાલ – દિપક બારડોલીકર


શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ

એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

– દિપક બારડોલીકર

પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાકડા પર – ડો. કિશોર વાઘેલા


પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાક પર
એ પછીથી નામ નોખાં એ ધરે છે ચાક પર

લ્યો, ફરી ગારો બની, માટી મહીં એ આવશે ત્યાં,
આવરણ આકારનું બદલ્યા કરે છે ચાક પર

આ ઘડાના ભીતરી અવકાશમાં હું હોઉ છું બસ,
છૂટતાં કાયા, પવન થઈ શું ફરે છે ચાક પર

મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે આ રાફડામાં,
આપણી જિજીવિષા ફરતી રહે છે ચાક પર

આ અરીસે કોળતી શ્રુંગારની સંભાવનામાં,
પૂછજે આતમ, તને તન શું કહે છે ચાક પર

ડો. કિશોર વાઘેલા

સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,


સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,
વિણ તારા ક્યમ રાત જાશે ?
શ્યામ રાત્રિ સમ જીવન મધ્યે,
હ્રદય પ્રકાશ્યું તવ સાનિધ્યે –
શીતળ ચાંદની તારી છાયા,
મળી ! પછી શું જગની માયા ?
સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે.
તવ પ્રેમેન્દુના પુનિત સ્પર્શથી,
હ્રદય વીણાના તાર પરથી –
સુણ્યાં મેં બસ ગીત તારાં !
સુંદર મધુરાં પ્યારાં પ્યારાં !
સખિ!ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે !

– રમેશ સોની

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?


કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

તું અને હું


તું અને હું જાણે સામા કિનારા
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદલ વૈશાખના
મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી
લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુનૂ આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ હ્રુદિયામાં રોતું એ શું?

–સુખદેવ પંડ્યા

‘વાર નથી લાગતી’…………


મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.

કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.

કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.

ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.

કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.

– આતિષ પટેલ ‘લક્ષ્ય’