સામે કિનારે – મનહર મોદી


કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે,

તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં
એ હમણાં બતાવું કે કાલે સવારે ?

અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું,
કે પડછાયો મારો છે સામે કિનારે.

ઘણીવાર એમ જ ગગનમાં જઉં છું,
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે.

હવે ઉંઘ આવે તો દરિયાઓ ઢોળું,
ભલી આંખ મારા જ જેવું વિચારે.

અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે
એ જાણીને જે કોઈ આવે, પધારે.

સમય હોય ડંકા તો ચાલો વગાડો
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?

ચાલ સખી…


ચાલ સખી, રણમાં ગુલાબને ઉગાડીએ
આવળનાં ફૂલ પીળા લઈને નસીબમાં
જીવતરની વેણી ગૂંથાવીએ
ચાલ સખી….

હાથવગું હોય નૈ ઝાંઝવાનુંય સુખ ને,
રેતીનાં ઢગ મારી ઈચ્છા.
તડકીલા આયનામાં દેખાતાં રોજ મને,
ફરફરતાં પાનેતર પીચ્છા.

શ્રાવણિયા મોર ભલે થીજી ગ્યા બારસાખે
છાતીએ ટહુકા ત્રોફાવીએ..
ચાલ સખી…

અંધારું આંજીને ચપટીક જીવશું પછી,
જીવતરને દઈ દેશું તાલી
ધખધખતું લોહી હજી ટેરવે વ્હેતું ને,
મનની મહેલાત બધી ખાલી

હણહણતાં કિલ્લોલી શમણાંની સાંકળને
ફિણાતાં જળ લૈ ખોલાવીએ
ચાલ સખી….

ઝીણેરો જીવ સાલ્લો પંખીની જાત
બેસી કાયાના માળામાં હીંચતો
ઝંઝાવાત ફૂંકાયો એવો રે શ્વાસમાં
એક એક સળિયું ખેરવતો

સુક્કી હવાને પીળી ચુંદડિયું પહેરાવી
સૂરજનાં નામે વહેંચાવીએ
ચાલ સખી…

– કનૈયાલાલ ભટ્ટ