કેમ ઉકેલું લિપિ જળની – સંજુ વાળા


સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

પરપોટાનું પોત, પવનનાં પગલાં
તરતા નર્યા સપાટી ઉપર જી  રે
સ્પર્શે ઊગે સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

                      – સંજુ વાળા

હું તો આખી ને આખી ભીંજાણી.


હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી ! હું તો આખી ને આખી ભીંજાણી.
રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર.
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ?  સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;
હું તો ભીનપના ભારથી મુંજાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

-વિમલ અગ્રાવત

ભીંજાવું


બંસરીના સૂરમાં ભીંજાવું
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

બંસરીના સૂર આંખ મીંચીને સાંભળું ત્યાં,
આછું અડકે મોરપીંછું.
પીંછાનાં રંગો તો સાત સાત સૂર અને
સૂર મહીં મેઘધનુષ દીઠું,
આવું રે કરે ને વળી પોતે સંતાઈ રહે
મારે ક્યાં રે રહેવું ને ક્યાં જાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

લોક કહે છે આ જોગણ વેરાગણ રે
સઘળું છોડીને આ તો હાલી,
જોગ ને વેરાગ બેની હું રે શું જાણું
મને લાગે છે વાંસલડી વાલી.
વ્હાલપનો સાગર છલકાય બ્હાર અંદર, હું
છાલકને ક્યાં રે સમાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

                                                                 – નયના જાની