એમ થાતું કે –


વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને
મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે,
મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,
મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા
દોડતા આગળ થાય.
ગામને ઝાંપે આંબું ઘરની ભૂલું કેડી.
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી,
બારીએ બેઠી હોઉં ને
ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે
ઊછળે છાતી : છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;

ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં
સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો કહેણ.
દનના જુંગર ઉતરી આવે રાતના અબોલ કહેણ.
ઉંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.
વન વચોવચ ખેત ઊભાં ગામ વચોવચ મેડી.

– માધવ રામાનુજ

નદીયું તો આઘી ને આઘી…


જોજનના જોજનની ખેપું ખેડું ને
તોય નદીયું તો આઘી ને આઘી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી…

પાણીનું નામ જેને આપી શકાય
એવું કૈંયે નથી મારી ખેપમાં
ખોલીને પાથરું તો પથરાયેલ નીકળે
વાંસવન સુક્કા આ ‘મેપ’માં

એ સળગે કે કેમ એને ઠારું કે
સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી…

વગડાની વાટોમાં, બાવળની કાંટ્યોમાં
સૂસવતા પવનોના રાગે
પડઘાના પહાડોમાં, ખીણોની ત્રાડોમાં,
‘ખળખળ’ના ભણકારા વાગે

એક જો હોત હું ભૂવો ભરાડી
લેત નદીયું ને લાવવાની સાધી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી….

–  હર્ષદ ચંદારાણા