ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !
પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !
આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !
ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ
Filed under: ગઝલ, શ્યામ સાધુ | Tagged: ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ગઝલ, ગુજરાતી ગઝલ, તારી યાદની મોસમ રડી છે, રેશમી દિવસોના કારણ, લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?, શ્યામ સાધુ, Gazal, gujarati, gujarati gazal | 4 Comments »
