લખી દઉં


ધારું  તો  હું શ્વાસ ઉપર ‘હે રામ’  લખી દઉં,
પરપોટાનું   ચપટીમાં   અંજામ  લખી   દઉં.

ને  બંધ બેસતા  શબ્દ વિષે  જો   કોઈ  પૂછે,
કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં.

કલમ   મહીં   મેં   કેફ   ભર્યો  છે  ઘૂંટી   ઘૂંટી,
બેપરવા થૈ   જાત પરે  બેફામ  લખી   દઉં.

નામ થવાની   આખી ઘટના મોઘમ રાખું,
બદનામીની  વાતો   બે મુદ્દામ   લખી  દઉં.

જ્યારે   ત્યારે    કહેવાના   કે   ઘર   મારું  છે,
સોનાની આ   લંકા લો અભરામ લખી દઉં.

કાગળ પર તો આજ  સુધી મેં ખૂબ  લખ્યું,
ઊભે મારગ પગલાંનો પયગામ લખી દઉં.

ખોવાયેલી     ખૂશ્બુથી     મેળાપ     કરાવો,
રાજીપામાં   આખેઆખું   ગામ   લખી   દઉં.

                                     – કિશોર જીકાદરા (ગાંધીનગર)

કંઈ વાત કર


એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર,
રેશમી સગપણ વિશે કંઈ વાત કર.

જે વિશેષણની પરે પહોંચી ગઈ,
એક એવી ક્ષણ વિશે કંઈ વાત કર.

આજ લગ જેના વિશે કંઈ ના કહ્યું,
એ જ અંગત વ્રણ વિશે કંઈ વાત કર.

જે થયું એ તો બધુંયે ગૌણ છે,
તું પ્રથમ કારણ વિશે કંઈ વાત કર.

આંખની ભીનાશ મેં જાણી લીધી,
આંખમાંનાં રણ વિશે કંઈ વાત કર.

– જાતુષ જોષી