ભીંજાવું


બંસરીના સૂરમાં ભીંજાવું
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

બંસરીના સૂર આંખ મીંચીને સાંભળું ત્યાં,
આછું અડકે મોરપીંછું.
પીંછાનાં રંગો તો સાત સાત સૂર અને
સૂર મહીં મેઘધનુષ દીઠું,
આવું રે કરે ને વળી પોતે સંતાઈ રહે
મારે ક્યાં રે રહેવું ને ક્યાં જાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

લોક કહે છે આ જોગણ વેરાગણ રે
સઘળું છોડીને આ તો હાલી,
જોગ ને વેરાગ બેની હું રે શું જાણું
મને લાગે છે વાંસલડી વાલી.
વ્હાલપનો સાગર છલકાય બ્હાર અંદર, હું
છાલકને ક્યાં રે સમાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

                                                                 – નયના જાની

મારે તમને મળવું છે…


ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

રિષભભાઈની રચનાઓ હવેથી અહીં રેગ્યુલરલી માણવા મળશે
http://rishabhmehta.wordpress.com સાભાર…http://urmisaagar.com/saagar/?p=3822

મારું…


જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

– ‘શૂન્ય’ પાલનપુરી