ઊપડતી જીભ અટકે છે…


ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પૂણેકર

(સાભાર – http://hemkavyo.wordpress.com/2008/09/20/upadati_jibh_atke_chhe/)

પડછાયો


વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળી છલકાયો !
વાડ કૂદીને તડકો આયો.

પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત !

મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ
ચકલી આખું આભ ચૂગી ગઈ !

જોઉં છું હું તો જોઈ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળે પડછાયો !
વાડ કૂદી જ્યાં તડકો આયો !

– યોસેફ મૅકવાન