વાતો વિજોગ ને વિલાપની
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની !
આખી બપ્પોર એણે વગડો વંછેર્યો
ને સાંજ બધી ગામ લીધું માથે;
આ’પાથી સાંભળું છું ભણકારા વાયરે,
ને તે’પા બોલાશ કોઈ સાથે;
વચ્ચેની કેડીઓમાં ગોતું તો લાગે છે
બીક મને સળવળતા સાપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!
પાદરમાં ઊભેલા વડને પૂછું તો કહે
ત્રાંસુ હસીને રડ્યો દાઢમાં;
ધુંગાં જુઓ ને જુઓ કોતેડાં બાઈ,
એને ટેવ જૂની ગરવાની વાઢમાં !
હાડમાં તપારો ને ઉપરથી પીટ પડે
મ્હેણાં ને ટોણાના તાપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!
રડીએ તો લોક પૂછે રડવાનો ભેદ
છાનાં મરીએ તો છાતીમાં પીડ;
આવાં નોધારાં અમે છતે ભલાજી તમે?
એવ્વી તો ચઢતી છે ચીડ !
ચીડમાં ને ચીડમાં ચૂંટીઓ ખણું ને
પાછી પંપાળું સાથળને આપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!
– જયન્ત પાઠક
Filed under: ગીત, જયન્ત પાઠક | Tagged: જયન્ત પાઠક, ભલાજીને ભારેનો ઠપકો | 4 Comments »
