હકદાર લાગે છે – ‘ગની’ દહીંવાલા


નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા !  મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

– ‘ગની’ દહીંવાલા

એક…


કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે બે દિવસ પહેલા મુંબઈમાં અવસાન પામ્યા. એમનું આ અછાંદસ કદાચ આપણી અંદરના, આજના રીયલ માણસ તરફ આંગળી ચીંધી રહ્યું નથી…?

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો બસ કન્સક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો
ટેક્સી ડ્રાઈવરથી પણ હડધૂત થનારો
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો
એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થથરનારો.
ભોળો, મિનિસ્ટરના લિસ્સા લિસ્સા ભાષણોને સાચ્ચાં માનનારો…
ને વળી તાળી પણ પાડનારો
ચૂંટણી વખતે જોર જોરથી ‘જય હિન્દ’ બોલનારો
બધું ભૂલી જનારો, ગળી જનારો
કચડાયેલો
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક…

– વિપિન પરીખ