અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.
રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં
સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.
નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.
નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.
જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.
વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.
જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.
રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.
– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)
Filed under: મનુભાઈ ત્રિવેદી ('ગાફિલ' 'સરોદ') | Tagged: 'ગાફિલ', અસલના, ઇશારા, ઉતારા, એનાં થયાં, એમાં, ઓસડ, કહ્યું, કે નથી, કોણે મીઠું, ગઝલમાં, ઘણા બોલ, ઘૂમી, છું ભલે, છૂપા હોશ, જિંદગીને, તારો નથી, દર્શ, દુનિયા, નથી હોતું, પ્યારા, પ્રસંગો કુંવારા છે, ફકત રહ્યો, બેહોશ, ભાઈચારા, મારા છે, મારી, મારી ગઝલમાં, મોઘમ, રૂપાળાં તિખારા, વિસંવાદ, સળગતા, સિતારા | 4 Comments »
