તું ય સાથે આવે – ચંદ્રેશ . મકવાણા


આવ જોઇ લઉં તને પણ છું હજી તો ભાનમાં
તુંય ઘા આપી શકે ! હમણા જ આવ્યું ધ્યાનમાં

હોય હિમ્મત આવ મસળી નાખ હું ઊભો જ છું
ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં

એક નોંધારી નદીના શ્વાસ પર છૂરો મૂકી
લઇ લીધા છે એમણે સાતેય દરીયા બાનમાં

બે’ક પંખી, બે’ક ટહુકા, એક હળવું ઝાપટું
ઝાડ શું માગી શકે બીજું તો કંઇ વરદાનમાં ?

મેજ,બારી,બારણા ધૂણવા જ માંડે આ ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં 

                                      – ચંદ્રેશ મકવાણા 

હું ગઝલ જેવું લખું ! – ભરત . વિંઝુડા


હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

હોય તારા નામનાં ઘેરાયેલાં કંઇ વાદળો
હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ મહીં
ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

ક્યાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં
અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

તું અને તે આ અને પેલું બધું અંદર ઘૂમે
થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

                                              – ભરત વિંઝુડા

કોઈ શું કરે ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે ?
આપમેળે દ્વાર ખુલી જાય કોઈ શું કરે ?

એ પછી સઘળું ભૂલાતું જાય કોઈ શું કરે ?
કે જો અરીસામાં ય એ દેખાય કોઈ શું કરે ?

જળપરીની વારતાથી છેક ઉપનિષદ સુધી
એક આ મનને ન ગોઠે ક્યાંય કોઈ શું કરે ?

કોઈ આવીને અચાનક કેંદ્રબિંદુ થઈ ગયું
ને એ જ છે આકાશનો પર્યાય કોઈ શું કરે ?

ક્યાંક કોઈ રાહ જોતું એ જ સંગાથે સતત
ને એ જ પાછળ દોડતું દેખાય કોઈ શું કરે ?

                                            –     રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

                                                   (સંગ્રહ – ‘છોડીને આવ તું’)

રેતમાં તરવા જવાની જીદમાં – મિલિન્દ ગઢવી


આજે અહીં કવિ શ્રી મિલિન્દ ગઢવીની એક ગઝલ અને તેનું સ્વરાંકન માણીએ. 

રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યાં જળ ત્યાગવાની જીદમાં.

જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.

વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.

લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.

છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.

– મિલિન્દ ગઢવી 

http://soundcloud.com/milind-gadhavi/ret-ma-tarva-javani-jid-ma

સ્વર અને સ્વરકાર – ડૉ. ભરત પટેલ

સ્પર્શાય નહીં !


તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

– ભરત વિંઝુડા

સાભાર : ‘તને બોલાવું‘ પરથી કવિની એક અપ્રગટ રચના

ઝાકળની પિછોડી – બાલમુકુન્દ દવે


જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો
શ્વાસને સેજારે જાશે ઊડી.

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

-બાલમુકુન્દ દવે

પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુક્લ


કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?

ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?

–  રાજેન્દ્ર શુક્લ

હકદાર લાગે છે – ‘ગની’ દહીંવાલા


નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા !  મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

– ‘ગની’ દહીંવાલા

ગઝલ – રઈશ મણિયાર


છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

                                                       – રઈશ મનીયાર

ગુજરાતી ગઝલની સફરમાં આજે ૫૦૦ મી પોસ્ટ


ગુજરાતી ગઝલની સફરમાં આજે ૫૦૦ મી પોસ્ટ પબ્લિશ કરતા એક અનોખો આનંદ થઈ રહ્યો છે… વાચકવર્ગ અને મિત્રોનો હમેશા સહકાર મળતો રહ્યો છે એ જ રીતે આપ સૌ જરૂરી સૂચનો અને પ્રતિભાવોથી વાકેફ કરતા રહેશો તો આનંદ થશે. બાકી ગુજરાતી સાહિત્ય તો એક અમર વારસો છે… અહીં તો માત્ર થોડાં છાંટા ઉડાડીને હરખાવાની વાત છે…. આમ તો આપણા સૌના ટેબલ પડેલી કોઈ પર્સનલ ડાયરીના પાના જેવો છે આ બ્લોગ…. કોઈ ટીકા – ટિપ્પણ કાંઈ જ નહીં… માત્ર શબ્દોને માણવાનો અને હૃદયની લાગણીઓને વ્યક્ત કરવાનો આનંદ એટલે www.gujaratigazal.wordpress.com

આજે એક પ્રિય મિત્રની આ ગઝલ

ફેંકી  દીધો  ભારો  જીવા
લ્યો  ગાડું  હંકારો  જીવા

ક્યાંથી આવે આરો જીવા
રોજ  નવો જન્મારો જીવા

ફરી ફરીને એ જ થવાનું
અહીંયા એવો ધારો જીવા

તારા પર વરસાદ પડે તો
ધૂળ   થવાની  ગારો   જીવા

તારા  ખેવટીયા  ના   કોઈ
પોતે   પાર    ઉતારો  જીવા

સાંખીને    સંભાળી    લેજે
દેજે   મા   વર્તારો    જીવા

માથે લઈને ક્યાં લગ ફરશું ?
મૂકો  બધો   પથારો    જીવા

– મિલિન્દ ગઢવી (‘શબ્દસર’ ડિસે. ૨૦૧૦)

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી


પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ખોબો ભરીને અમે એટલું હસ્યાં – જગદીશ જોષી


ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી

ફરમાઈશ કરનાર : રીન્કુ

સ્વરાંકન માનો : રણકાર.કોમ

મન થઇ જાય છે – ભરત વિંઝુડા


ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

– ભરત વિંઝુડા

નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !