હું ય લખું બસ જરી ? – વિમલ અગ્રાવત


તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ !
હું ય લખું બસ જરી ?

લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે,
હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે,
જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી.
હું ય લખું બસ જરી ?

શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો,
અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો,
પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી.
હું ય લખું બસ જરી ?

-વિમલ અગ્રાવત

કેમ ઉકેલું લિપિ જળની – સંજુ વાળા


સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

પરપોટાનું પોત, પવનનાં પગલાં
તરતા નર્યા સપાટી ઉપર જી  રે
સ્પર્શે ઊગે સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની

                      – સંજુ વાળા

તારી જો કોઇ ટપાલ આવે – જિગર જોષી ‘પ્રેમ’


તારી જો કોઇ ટપાલ આવે
શેરી શેરી આંગણ આંગણ રેશમવરણું વહાલ આવે

ડેલી ઊપર ટાંગેલા આ પોસ્ટ-બોક્સને કૂંપળ ફૂટે
તારા અક્ષર જાણે વાદળ હેલી થઈને માઝા મૂકે
ભીનેરી એ ક્ષણમાં ન્હાવા બાળક જેવી ધમાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

આંખ ઉમળકો લઇને ઘૂમે ; મન પણ ભીતર ભીતર ઝૂમે
‘પ્રિયે’ લખેલાં એક શબ્દને ઉંગલી  હજાર વેળા ચૂમે
નાજુક નમણાં હોઠે જાણે ગમતો કોઈ સવાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

– જિગર જોષી ‘પ્રેમ’

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં – કૃષ્ણ દવે


ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…

– કૃષ્ણ દવે

for more કૃષ્ણ દવે videos visit www.gujtube.com

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી


ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

                                     – વિનોદ જોશી

જો આ રીતે મળવાનું નહીં – વિનોદ જોષી


જો આ રીતે મળવાનું નહીં
દરિયો તો હોય તેથી નદીએ કાંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં ઉડઝુડ ઊગ્યું એક ઝાડ
ખિસકોલી જેમ હવે ઠેકીને એક એક રુંવાડે પાડે તું ધાડ
છીંડુ તો હોય તેથી ઉભી બજારેથી આ રીતે વળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

એમ કાંઈ એવું કહેવાય નહીં કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ
જેમ કે અનેકવાર તારામાં ભાંગીને ભૂક્કો હું થઈ જાતો રોજ
જીવતર તો હોય તેથી ગમ્મે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

– વિનોદ જોષી

ઝાકળની પિછોડી – બાલમુકુન્દ દવે


જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો
શ્વાસને સેજારે જાશે ઊડી.

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,

મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

-બાલમુકુન્દ દવે

રાધે બનો


મારા અંતરની વેદના જોવા 
        જરીક ! શ્યામ રાધે બનો.
મૂકી મુરલીને આંસુ લ્હોવા
        ઘડીક ક્ હાન ! રાધે બનો.

પેલા માલમુકુટ બાજુ મૂકો
        આ વેશ ધરી રાધે બનો.
રંગચૂંદડીને વેસર ઝૂકો 
        મોહનપ્યાસી રાધે બનો.

બધું ધારો તોયે નહીં પામો
        હૈયું મારું, રાધે બનો.
શ્રમ સઘળો જશે નક્કામો
        છતાંય, જરા રાધે બનો.

મને મોહનસ્વરૂપ જરી દૈને 
        પ્રીતમ ! તમે રાધે બનો.
ઘડીભરનો આ ખેલ લઈને
        રાધે-શ્યામ રાધે બનો.

            –  પિનાકીન ત્રિવેદી

માણસ ઉર્ફે…


માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ

મન થઇ જાય છે – ભરત વિંઝુડા


ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

– ભરત વિંઝુડા

નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !