પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી


પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

જાય છે


શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.

એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.

ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.

રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?

બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.

– અનિલ વાળા

ખોબો ભરીને અમે એટલું હસ્યાં – જગદીશ જોષી


ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી

ફરમાઈશ કરનાર : રીન્કુ

સ્વરાંકન માનો : રણકાર.કોમ

માણસ ઉર્ફે…


માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ

મન થઇ જાય છે – ભરત વિંઝુડા


ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

– ભરત વિંઝુડા

નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….

જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !

એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !