પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે
જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે
આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે
હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે
એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે
કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે
દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Filed under: ગઝલ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ | Tagged: "ગઝલ" એટલે..., કોઈ શું કરે ? રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ગુજરાતી ગઝલ, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, rajesh vyas - miskin, shayri | 5 Comments »
