એમ થાતું કે –


વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને
મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે,
મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,
મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા
દોડતા આગળ થાય.
ગામને ઝાંપે આંબું ઘરની ભૂલું કેડી.
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી,
બારીએ બેઠી હોઉં ને
ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે
ઊછળે છાતી : છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;

ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં
સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો કહેણ.
દનના જુંગર ઉતરી આવે રાતના અબોલ કહેણ.
ઉંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.
વન વચોવચ ખેત ઊભાં ગામ વચોવચ મેડી.

– માધવ રામાનુજ

લંબચોરસ ઓરડામાં


લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

– નયન દેસાઈ