કંઈ વાત કર


એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર,
રેશમી સગપણ વિશે કંઈ વાત કર.

જે વિશેષણની પરે પહોંચી ગઈ,
એક એવી ક્ષણ વિશે કંઈ વાત કર.

આજ લગ જેના વિશે કંઈ ના કહ્યું,
એ જ અંગત વ્રણ વિશે કંઈ વાત કર.

જે થયું એ તો બધુંયે ગૌણ છે,
તું પ્રથમ કારણ વિશે કંઈ વાત કર.

આંખની ભીનાશ મેં જાણી લીધી,
આંખમાંનાં રણ વિશે કંઈ વાત કર.

– જાતુષ જોષી

અમારી બાદશાહી છે


અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે ?

ન એને સાથની પરવા ન એને રાહથી નિસ્બત
ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.

પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
દિશા ચૂકી નથી નૈયા સિતારાની ગવાહી છે.

ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતા બીબાં ઢાળો,
અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.

તમારી દેન માનીને સ્વીકારી છે મળી એવી,
પૂછી જુઓ ને ખુદ અમ જિંદગીને કેવી ચાહી છે.

અમે તમ મ્હેરના વરસાદથી નાહ્યા છીએ એવા,
કે જેવી શ્રાવણી વરસાદથી આ સૃષ્ટિ નાહી છે.

ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)