કીમિયો


થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં અશરફ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

મારી ગઝલમાં…


અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં

સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.

નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.

નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.

જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.

વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.

જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.

રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)