ફાગણ…!


એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો..

એ જી આંબાની મ્હોરી મંજરી, કોઈ ફાગણ લ્યો,
એવા સરવર સોહે કંજ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી દરિયા દિલનો વાયરો, કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે, કોઈ ફાગણ લ્યો…

એ જી જુગલ વાંસળી વાજતી, કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી દિન કપરો કાંઈ તાપનો, કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ઊડે કસુંબો આંખમાં, કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ગગન ગુલાબી વાદળાં, કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે, કોઈ ફાગણ લ્યો…

– રાજેન્દ્ર શાહ

ઋતુરાજ આવ્યો…


વસંતના આગમનને વધામણા… આ કાવ્ય સાથે હવે પછી થોડા વસંતગીતો અહીં માણીશું…

રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણ્યે વનમાં જમાવ્યો;
તરૂવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો…

જુનાં જુનાં પત્ર ગયાં ખરીને,
શોભે તરૂ પત્ર નવાં ધરીને;
જાણે નવાં વસ્ત્ર ધર્યા ઉજાળી,
સમીપમાં લગ્નસરા નિહાળી…

આંબે જુઓ મોર અપાર આવ્યો,
જાણે ખજાનો ભરિ મ્હોર લાવ્યો;
જો કોકિલા ગાન રૂડું કરે છે,
વસંતના શું જશ ઉચ્ચરે છે…

બોલે કોકિલ મીઠું એક જ્યારે,
વાદે બીજા એથિ મીઠું ઉચારે,
વિવાદ જાણે કવિયો કરે છે;
વખાણ લેવા સ્પરધા ધરે છે….

ચોપાનિયાં પુસ્તક જો પ્રકાસે
ભલું જ તેથી નૃપરાજ્ય ભાસે
તથા તરૂ શોભિત પુષ્પ ભારે
તો કેમ આંબા નહીં પુષ્પ તારે…

સુશોભિતો થા હરિને પ્રતાપે,
પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;
સ્તુતી કરી માગ્ય પ્રભૂ સમીપે,
સુપુષ્પથી સુંદર દેહ દીપે….

(ઉપજાતિ વૃત્ત)

– કવિ દલપતરામ (જન્મ ૨૧-૦૮-૧૮૨૦ મૃત્યુ ૨૫-૦૩-૧૮૯૮ )