જાય છે


શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.

એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.

ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.

રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?

બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.

– અનિલ વાળા

મારું…


જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

– ‘શૂન્ય’ પાલનપુરી