પ્રિયતમા !


પ્રિયતમા ! તને હું કહું છું
પ્રેમ શું છે
માનવીય વિચારોથી
એક મંદિર સર્જાય છે 
જ્યાં સુંદર પારેવાની જેમ
આશા બેઠી હોય છે
સમય જુવાન લાગે છે
જીવન રમ્ય ભવ્ય
અને દિવ્ય લાગે છે
બધા જ રસો 
બધા જ આનંદો  
તમામ ઇચ્છાઓ
આશીર્વાદનું તીર્થધામ થાય છે.

વાદળ વિનાના આકાશમાં
સૌંદર્યમય તારાઓ ચમકે છે
આસપાસ ફૂલોનું ચુંબન આપતાં ઝરણાંઓ
અને પૃથ્વી પર જો ક્યાંક પણ
સ્વર્ગ હોય તો તે અહીંયાં છે.

હા, આ પ્રેમ છે.
સ્થિર અવિચળ અને સાચો
કદીયે ન આથમે એવી
આ અમર આભા છે
હૃદયને મળેલું શ્રેષ્ઠ ઊજળું વરદાન છે. 

જીવન મધુર
મધુરતમ મધુરતમ છે
આ સાંજ ભૂલી ભુલાય એવી નથી
સ્મૃતિની કાયમની સોગાત છે
ફૂલો ચાંદની અને ઝાકળથી ભીનાં છે
પહાડના લલાટ પર
પવન હળુ હળુ
સુંવાળું શ્વસે છે.
આ બધું જ હતું આનંદનો ઉત્સવ
તો હવે સ્મૃતિની કાયમની સોગાત

      – ચાર્લ્સ સ્વેઈન

પીંછું…


ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું,
વિહગપંખથી જે ખરી જાય પીંછું.

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીંછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીંછું

હૃદયમાં વસ્યા પંખીઓ બહાર આવે
કદી આંખમાં જો તરી જાય પીંછું

ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું

– મનોજ ખંડેરિયા

ફાગણ…!


એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો..

એ જી આંબાની મ્હોરી મંજરી, કોઈ ફાગણ લ્યો,
એવા સરવર સોહે કંજ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી દરિયા દિલનો વાયરો, કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે, કોઈ ફાગણ લ્યો…

એ જી જુગલ વાંસળી વાજતી, કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી દિન કપરો કાંઈ તાપનો, કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ઊડે કસુંબો આંખમાં, કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ગગન ગુલાબી વાદળાં, કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે, કોઈ ફાગણ લ્યો…

એ જી ફાગણ આવ્યો ફાંકડો, કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે, કોઈ ફાગણ લ્યો…

– રાજેન્દ્ર શાહ

ઋતુરાજ આવ્યો…


વસંતના આગમનને વધામણા… આ કાવ્ય સાથે હવે પછી થોડા વસંતગીતો અહીં માણીશું…

રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણ્યે વનમાં જમાવ્યો;
તરૂવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો…

જુનાં જુનાં પત્ર ગયાં ખરીને,
શોભે તરૂ પત્ર નવાં ધરીને;
જાણે નવાં વસ્ત્ર ધર્યા ઉજાળી,
સમીપમાં લગ્નસરા નિહાળી…

આંબે જુઓ મોર અપાર આવ્યો,
જાણે ખજાનો ભરિ મ્હોર લાવ્યો;
જો કોકિલા ગાન રૂડું કરે છે,
વસંતના શું જશ ઉચ્ચરે છે…

બોલે કોકિલ મીઠું એક જ્યારે,
વાદે બીજા એથિ મીઠું ઉચારે,
વિવાદ જાણે કવિયો કરે છે;
વખાણ લેવા સ્પરધા ધરે છે….

ચોપાનિયાં પુસ્તક જો પ્રકાસે
ભલું જ તેથી નૃપરાજ્ય ભાસે
તથા તરૂ શોભિત પુષ્પ ભારે
તો કેમ આંબા નહીં પુષ્પ તારે…

સુશોભિતો થા હરિને પ્રતાપે,
પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;
સ્તુતી કરી માગ્ય પ્રભૂ સમીપે,
સુપુષ્પથી સુંદર દેહ દીપે….

(ઉપજાતિ વૃત્ત)

– કવિ દલપતરામ (જન્મ ૨૧-૦૮-૧૮૨૦ મૃત્યુ ૨૫-૦૩-૧૮૯૮ )

કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે…?


કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે કે
પેટમાં જાણે જાત ચૂંથાઈ જાય,
અમળાઈ જાય ,
શરીરમાં ડાબી બાજુ છાતીમાં કોઈ નામ
સતત જીવલેણ સબાકા મારે.
મગજ દિશાશુન્ય થઈ ક્યાંક કોઈક વિચાર-ખાઈની
ધાર પર અડધું બહાર લટકતું રહે ,
ક્યારે સંતુલન ખોરવાઈ જાય કહેવાય નહિ..??
રક્ત-પ્રવાહ શીરા-ધમની બધું ય ફાડીને
રૂંવે-રૂંવે ચૂઈ પડે..!!
આંખમાં રમતા રહેતા સપના એવા અંધ કરી જાય કે
એક કસુંબલ નામ સિવાય કઈ જ ના વંચાય,
વિરહમાં આખે-આખી જાતને સળગી જતી અનુભવી છે તમે…???

– સ્નેહા “અક્ષિતારક”

મારી ગઝલમાં…


અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં

સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.

નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.

નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.

જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.

વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.

જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.

રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

શોધ…


ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શાહે ગઈકાલે તા. ૩ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ આપણી વચ્ચેથી ચિર વિદાય લીધી. એમની એક રચના જેમાં કવિએ માનવમનની અનંત દોડ અને લક્ષ્ય ન મળવાની વેદનાને વર્ણવી છે…

હજાર હજાર ઊંટની કાંધ સમું વિસ્તરેલું રણ,
શેની શોધમાં નીકળ્યો છું હું ?
પાછળ મૂકેલું મારું છેલ્લું પગલુંય ભૂંસી નાખે છે કોઈક.
અહીં ક્યાંય કેડી નથી,
સીમ નથી,
દિશા નથી,
બાધા નથી ને
ક્યાંય કોઈનું ચિહ્ન નથી.

કંઈક શોધું છું.
શોધું છું કેડી ?
સીમ ? દિશા? બાધા?
કોઈ અવશેષ ?
ખબર નથી મને.
સાવ ખુલ્લામાં જાણે ખોવાઈ ગયો છું.
સામેના વેળુઢગની પેલી પારથી આવે છે લીલું હાસ્ય,
બેની વચ્ચેનું અંતર ઘટતાં
સમયના પ્રલંબ અંતરાયની ઓળખ થાય છે,
ત્યાં છે હાથેક ઊંડો એક વોકળો,
પડખે લીલે પંખ ઊભું છે તમાલ,
નાની નજરમાં બધુંય સમાઈ જાય છે.
એની આ બાજુ ઉઘડેલા મૂળની વચ્ચે જણાય છે શ્વેત રુંડ ;
એને જ હું શોધતો હતો,
લીલાં હાસ્યના ઉગમનું આદિ કારણ.

– રાજેન્દ્ર શાહ

કેટલો વખત ?


ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?

પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં ;
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત ?

સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા ;
ટકવાનાં આટકાટ હવે કેટલો વખત ?

જયારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી ,
ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત ?

ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત ?

‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી ;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ?

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

મારે તમને મળવું છે…


ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

રિષભભાઈની રચનાઓ હવેથી અહીં રેગ્યુલરલી માણવા મળશે
http://rishabhmehta.wordpress.com સાભાર…http://urmisaagar.com/saagar/?p=3822

ઊપડતી જીભ અટકે છે…


ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પૂણેકર

(સાભાર – http://hemkavyo.wordpress.com/2008/09/20/upadati_jibh_atke_chhe/)

મને તેં સરોવર કહ્યો…


સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

પરિચિત છું – ગુલામ અબ્બાસ ‘નાશાદ’


પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

આ રચના ને અહી “રણકાર” પર માણો

જુઓ કે પથ્થરોમાં


જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?

હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .

પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .

બની છે આજ તો શણગાર મારો અમરેલી ,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું છે .

ચાલ ચરણોને પંખીઓ બની જવા દઈએ ,
એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.

– રમેશ પારેખ

જાતની સાથે જ સોબત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

– ઉર્વીશ વસાવડા

સાંભળ્યું ?


ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું ?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું ?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું ?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

– વિનોદ જોશી

મારું…


જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

– ‘શૂન્ય’ પાલનપુરી

ભમરો


બ’ઈ આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણીયે નીર ઉડાડું !

પલક અહીંથી, પલક તહીંથી
                            લળે વીંઝતો પાંખ્યુ,
બે કરથી આ કહો કેટલું  
                            અંગ રહે જી ઢાંક્યું ?! 

જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
              બ’ઈ આ ભમરાને ક્યમ કાઢું ?!

મેલી મનહર ફૂલ પદમનાં
                            પણે ખીલ્યાં કૈં રાતાં,
શું ય બળ્યું દીઠું મુજમાં કે
                            આમ લીયે અહીં આંટા ?!

ફટ ભૂંડા ! હું છળી મરું ને તમી હસો ફરી આડું !
             બ’ઈ આ ભમરાને ક્યમ કાઢું ?!

– પ્રદ્યુમ્ન તન્ના

લંબચોરસ ઓરડામાં


લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

– નયન દેસાઈ

પગલું મારું


હું પગલું માંડું એક
પગલે પગલે શ્રદ્ધા પ્રગટી, પહોંચાડી દે છેક
                                         હું પગલું માંડું એક

પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય,
ડગલે ડગલે દિશા સૂઝે તે મારગ ના છંડાય,
પથ્થર ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક .
                                         હું પગલું માંડું એક

કાદવનાં કળણોથી ચેતું, જાવું આગે આગે,
નક્કર ભોમે ચાલું છોને કંટક – કંકર વાગે,
એવું પગલું માંડું જેથી આવે સાથ અનેક.
                                        હું પગલું માંડું એક 

                                                           
      – ‘મીનપિયાસી’

અમારી બાદશાહી છે


અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે ?

ન એને સાથની પરવા ન એને રાહથી નિસ્બત
ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.

પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
દિશા ચૂકી નથી નૈયા સિતારાની ગવાહી છે.

ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતા બીબાં ઢાળો,
અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.

તમારી દેન માનીને સ્વીકારી છે મળી એવી,
પૂછી જુઓ ને ખુદ અમ જિંદગીને કેવી ચાહી છે.

અમે તમ મ્હેરના વરસાદથી નાહ્યા છીએ એવા,
કે જેવી શ્રાવણી વરસાદથી આ સૃષ્ટિ નાહી છે.

ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

જલદીપ


એક દીપ તણાયો જાય,
       જલમાં દીપ તણાયો જાય ;
કમળ સમો ઘૂમે વમળોમાં, 
                  વાયુમાં વીંઝાય:
       જલમાં દીપ તણાયો જાય.

અંધારાના અંચલ ભેદી
                  પંથ પાડતો જાય ,
તરંગની ચંચલ અસવારી
                  કરી તેજ મલકાય :
       જલમાં દીપ તણાયો જાય.

ઘડીક નમણી જ્યોતિ નાજુક
                  સંપુટમાં જ સમાય,
ઘડીક ભવ્ય ભૂગોલ ખગોળે
                 દીપશિખા લહેરાય :
       જલમાં દીપ તણાયો જાય.

વાટ વણી ના ના પેટાવ્યો,
                 પોતે પરગટ થાય ;
નહીં મેશ કે નહીં મોગરો
                  કેવલ તેજલ કાય :
       જલમાં દીપ તણાયો જાય.       

 

– બાલમુકુન્દ દવે

પડછાયો


વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળી છલકાયો !
વાડ કૂદીને તડકો આયો.

પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત !

મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ
ચકલી આખું આભ ચૂગી ગઈ !

જોઉં છું હું તો જોઈ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળે પડછાયો !
વાડ કૂદી જ્યાં તડકો આયો !

– યોસેફ મૅકવાન

કૂવામાં વાંસ વાંસ પાણી


કૂવામાં વાંસ વાંસ પાણી

ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું

આવ્યું પણ આવીને અટક્યું છે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વિખેરી નાખો.. ઓ.ઓ.ઓ

જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોયે પંખીની થાય ભીની પાંખો
કે છૂટ્ટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું….

ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું

નાહી આવો તોય આસ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર …. જાશો તો ઘેરો અંધાર

ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાય  આહા.. આહા… આહા..
ચૈતરનો વાયરો વાવડ પૂછે કે…
ક્યારે અહીં વરસે ચોમાસું….

ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું

– જગદિશ જોષી

વધુ અક મુકામ…


Manthan Logo

એક એક ડગલું ભરાતું જાય છે, આ રસ્તો કપાતો જાય છે. સમરસિયા મિત્રોના પગલા પણ સાથે જ ચાલતા જાય છે. અને આ નિરવ પગલા તરફ દ્રષ્ટિ કરતા ગઈકાલે રાત્રે સુખદ આશ્ચર્યનો ઉછાળો આવ્યો કે અહીં પગલાની છાપ ૨,૦૦,૦૦૦ નો આંકડો પાર કરી ચૂકી હતી…!

ગર્વ છે મને તમારા સૌના સાથ – મુલાકાતથી. એક પ્રયત્ન મેં કર્યો હતો કે મારી ઉંમરના વર્ગને ગુજરાતી સાહિત્યમાં રસ પડે. તે માટે બનાવ્યો બ્લૉગ… અને મને જે ગમ્યું તે લગભગ બધાને ગમશે એ માનીને અહીં પોસ્ટીંગ ચાલુ રાખ્યુ… અને આજે મારી પોતાની આગળ એ સાબિત કરવામાં હું સફળ થઈ રહ્યો છું કે રચનાઓ નવી હોય કે જુની, સિધ્ધકવિની હોય કે નવોદિતોની. મારો ખજાનો તો સાહિત્યના આ વિશાળ સાગરમાંથી વીણેલા મોતીઓથી સમૃદ્ધ થતો જ જાય છે. ચારસોથી વધુ પોસ્ટ અને બે લાખથી વધુ મુલાકાતીઓ મારા આ ખજાનાને અણમૂલ બનાવે છે…

તે અદભુત પળ નો ફોટો

2 Lakh K

ઝીણા ઝીણા મેહ


ઝીણા ઝરમર વરસે મેહ,

ભીંજે મારી ચૂંદલડી:

એવો નીતરે કૌમારનો નેહ,

ભીંજે મારી ચૂંદલડી.

 

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,

ભીંજે રસિક કોઈ બાલા રે;

ભીંજે સખી ભીંજે શરદ અલબેલડી,

ભીંજે મારા હૈયાની માળા;

હો ! ભીંજે મારી ચૂંદલડી.

 

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે ,

ટહુકે મયૂર કેરી વીણા રે ;

ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે ,

ટમકે મારા નાથનાં નેણાં ;

હો ! ભીંજે મારી ચૂંદલડી.

 

આનન્દકન્દ ડોલે સુંદરીના વૃંદ, ને

મીઠા મૃદંગ પડછન્દા રે:

મંદ મંદ હેરે મીટડી મયંકની

હેરો મારા મધુરસ ચંદા !

હે ! ભીંજે મારી ચૂંદલડી.

 

                  –  ન્હાનાલાલ