પ્રભુ પંચાયતમાં બાળક


હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા

આજે છે ગુજરાતી ગઝલની સફરનો ત્રીજો પડાવ


આજે “ગુજરાતી ગઝલ” બ્લોગ ત્રણ વર્ષ પૂરા કરે છે ત્યારે જુની ઘણી યાદો ફરી તાજી થઈ આવે છે…. ગુજરાતી સાહિત્યના વિશાળ સાગરમાંથી વીણીવીણીને અહીં આપ સૌની સાથે મનગમતી રચનાઓ વહેંચવાના આ કાર્ય બદલ મારી પીઠ થાબડવાના અને કાન ખેંચીને ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરવાના ઘણા કિસ્સાઓ બન્યા છે. અને એ દરેક વખતે મને તો કંઈક ને કંઈક શીખવા જ મળ્યું છે.

જો કે આ સાથે બીજો એક બ્લોગ “રત્નકણિકા.કોમ પર પણ આવી જ રંગની છોળો ઉડે છે… ઘણી વાર એવું બને છે ને મિત્રો કે કોઈ રચના આખેઆખી વાંચ્યા પછી એમ લાગે કે આ તો ઓછું પડ્યું… હજી કૈંક ખૂટે છે… તો ક્યારેક કોઈ એકાદ બે લાઈન સાંભળી કે વાંચીને તૃપ્તિનો અહેસાસ થાય, લાગે કે હાશ… આનાથી વધુ તો કાંઈ હોઈ જ ના શકે…

એ જ રીતે ગુજરાતી સાહિત્યને પડદા અને મંચ પર જીવંત રાખનાર ગુજરાતી નાટકો અને વિડિઓ આલ્બમ્સને માણવા માટે “ગુજરાતી વિડિઓ” ની મુલાકાત લઈ શકો છો.

મારા ગુજરાતી હોવાના ગર્વને હું મારી આવડત અને જાણકારી વડે આ રીતે વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છું અને એમાં આપ સૌનું માર્ગદર્શન મને ખરેખર ઉપયોગી નિવડશે આપ સૌનો સાથ અને પ્રોત્સાહન મને હંમેશા મળ્યા છે અને મળતા જ રહેશે એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર…

ત્રણ વર્ષની આ યાત્રા દરમ્યાન ઉડેલી અને હજી પણ સતત ઉડતી રંગની આ છોળોમાં ભીંજાવા આપને આમંત્રણ..

પ્રભુ પંચાયતમાં સ્ત્રી


ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા

મળવા આવું ક્યાંથી ?


‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ  અલગ બે  અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                       નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
                                                                                  તમે થઈ ગયા ચૂપ
                                   રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
                                                                                  ક્યાંથી ચીતરું રૂપ ?

 રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                       ક્ષણના તારેતાર ઉપર પણ, ઈચ્છાઓના દ્વાર ઉપર પણ,
                                                                                   મારી દીધી સાંકળ
                         યુગો  યુગોથી  ખૂલવા  કરતી ‘હોવું’  નામે  બોતલ  ઉપર,
                                                                                     વાસી દીધું ઢાંકણ.

રસ્તા, શેરી, ગામ-ગલીનો  ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                                                                                       – અનિલ ચાવડા

જાય છે


શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.

એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.

ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.

રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?

બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.

– અનિલ વાળા

ઢળવાનું કહો


પાંપણોને સહેજ ઢળવાનું કહો.
સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.

ચોકમાં આવીને મળવાનું કહો
લાગણીઓને પલળવાનું કહો.

દર્પણોમાંથી નીકળવાનું કહો
આ પ્રતિબિંબોને છળવાનું કહો.

લો સપાટી પર બરફ જામી રહ્યો
આ સમુદ્રોને ઉકળવાનું કહો.

સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે
હા કહો, સૂરજને ઢળવાનું કહો.

ભાર ઝાકળનો કળીની પાંપણે
પથ્થરોને પણ પલળવાનું કહો.

ભસ્મ પણ ઊડી ગઈ મૃતદેહની
આ પવનને પાછા વળવાનું કહો.

પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની
આ અમાસોને પ્રજળવાનું કહો.

મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે
જે અકળ છે એને કળવાનું કહો.

– આદિલ મન્સુરી

ઘણી વેળા


નજર પોકળ બનીને આંખથી લથડી ઘણી વેળા,
કસોટી થઈ ગઈ છે એટલે કપરી ઘણી વેળા.

નથી સંદર્ભ એના નામનો મળતો હજુયે ત્યાં,
નથી ઇતિહાસમાં હોતી ઘણી નગરી ઘણી વેળા.

ઘણી વેળા હૃદયને ભાર લાગે છે સમી સાંજે ;
સમી સાંજે ઊડી છે આભમાં ડમરી ઘણી વેળા.

ફરીથી મત્સ્ય વીંધાતા ગયાં છે સામટાં મિત્રો,
ફરીથી માછલીઓ પૂર્વવત્ તડપી ઘણી વેળા.

બધીયે હસ્તરેખાઓ કરી પૃથક હથેળીથી,
પછી આ હાથ ઊભો છે કલમ પકડી ઘણી વેળા.

– સ્નેહલ જોષી ‘પ્રિય’

ભલાજીને ભારેનો ઠપકો


વાતો વિજોગ ને વિલાપની
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની !

આખી બપ્પોર એણે વગડો વંછેર્યો
ને સાંજ બધી ગામ લીધું માથે;
આ’પાથી સાંભળું છું ભણકારા વાયરે,
ને તે’પા બોલાશ કોઈ સાથે;
વચ્ચેની કેડીઓમાં ગોતું તો લાગે છે
બીક મને સળવળતા સાપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!

પાદરમાં ઊભેલા વડને પૂછું તો કહે
ત્રાંસુ હસીને રડ્યો દાઢમાં;
ધુંગાં જુઓ ને જુઓ કોતેડાં બાઈ,
એને ટેવ જૂની ગરવાની વાઢમાં !
હાડમાં તપારો ને ઉપરથી પીટ પડે
મ્હેણાં ને ટોણાના તાપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!

રડીએ તો લોક પૂછે રડવાનો ભેદ
છાનાં મરીએ તો છાતીમાં પીડ;
આવાં નોધારાં અમે છતે ભલાજી તમે?
એવ્વી તો ચઢતી છે ચીડ !
ચીડમાં ને ચીડમાં ચૂંટીઓ ખણું ને
પાછી પંપાળું સાથળને આપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!

– જયન્ત પાઠક

વાત છે


સોયના નાકાં લગીની વાત છે,
પાતળા ધાગા લગીની વાત છે.

જિંદગીનો વ્યાપ લાંબો કૈં નથી,
આજના છાપા લગીની વાત છે.

લ્યો, ઉદાસી કેમ રેઢી મેલવી,
કાયમી નાતા લગીની વાત છે.

હું નથી મારો ને જગ છે આપણું,
પંડના થાવા લગીની વાત છે.

આપણું ઘર આવશે, આગળ ચલો,
આપણા ઝાંપા લગીની વાત છે.

એક બાકસ એકલી સળગે નહીં,
આવ, આ દીવા લગીની વાત છે.

–   શિવજી રૂખડા

જય જય ગરવી ગુજરાત


સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલું આ ગીત જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ દ્વારા લખાયું છે. અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા રહેમાનની ધૂનથી તે શણગારાયું અને કિર્તી સાગઠીયાનો કંઠ પામ્યું છે….
ગીતના શબ્દો છે…

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર છે શોભા મારી
ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું ભૂમિ મારી,

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

અહીં સિધ્ધ કર્યા વ્યાપાર મેં દરિયા પાર,
ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર,
ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર,
ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર,
ગુજરાતી હું છું….

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું,
કૈંંક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે,
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે.

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત !

એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે,
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે,
હે જી રે……….

જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

(અહીં આ ગીત સાંભળીને લખ્યું છે તેથી શબ્દોમાં જ્યાં પણ ભૂલ જણાય ત્યાં ધ્યાન દોરવા આપ સૌને વિનંતી)

આ સ્વર્ણિમ ગુજરાત ગીતને ગુજરાતી વિડીઓ પર માણો.

ગુજરાત તને અભિનંદન


વંદન અભિનંદન વંદન અભિનંદન

વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા,
દસે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહિ ન્યારા,
તું સોમનાથનું બિલિપત્ર તું દ્વારકેશનું ચન્દન,

અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.

ધરતીકંપમાં ઊભો રહ્યો’તો સાવ અડીખમ માણસ,
દુષ્કાળોની દારુણ ક્ષણમાં સતત ધબકતો માણસ,
સરળ સહજ થઈ સંતાડ્યું તેં આંસુભીનું ક્રંદન,
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.

અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.

કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી,
દેશવિદેશની વેબસાઈટમાં વિસ્તરતી ગુજરાતી,
સમૂહજીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પન્દન,
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.

અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.

સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય જય જય જય બોલે હર ગુજરાતી.

– ભાગ્યેશ જહા

કંઈ વાત કર


એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર,
રેશમી સગપણ વિશે કંઈ વાત કર.

જે વિશેષણની પરે પહોંચી ગઈ,
એક એવી ક્ષણ વિશે કંઈ વાત કર.

આજ લગ જેના વિશે કંઈ ના કહ્યું,
એ જ અંગત વ્રણ વિશે કંઈ વાત કર.

જે થયું એ તો બધુંયે ગૌણ છે,
તું પ્રથમ કારણ વિશે કંઈ વાત કર.

આંખની ભીનાશ મેં જાણી લીધી,
આંખમાંનાં રણ વિશે કંઈ વાત કર.

– જાતુષ જોષી

મારો ય એક જમાનો હતો કોણ માનશે?


મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારો ય એક જમાનો હતો કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

રૂસવા મઝલુમી

ફરમાઈશ કરનાર : સંજય પંડ્યા

એક ઓર માઈલસ્ટોન… !


મિત્રો,

૩,૦૦,૦૦૦ મુલાકાતીઓની સાથે “ગુજરાતી ગઝલ” ની આ સફરમાં એક ઓર માઈલસ્ટોનને આંબવાનો આ અનેરો આનંદ આપ સૌની સાથે વહેંચતા ખૂબ ખુશી અનુભવું છું.

જુન ૨૦૦૭માં માત્ર ગુજરાતી ગઝલો પ્રત્યેના ખેંચાણને લઈને શરુ કરેલી આ સફર માત્ર ગઝલ પૂરતી સિમીત ન રહેતા કાવ્ય, ગીત, અછાન્દસ જેવા અનેક કાવ્યપ્રકારોના રંગનો સૌની સાથે ગુલાલ કરતી આવી છે.  આ સાથે “ગુજરાતી ગઝલ”  ત્રણ લાખ મુલાકાતીઓનો હૃદયપૂર્વક આભાર માને છે, આવકારે છે.

આપ સહુનો હમેશા સહકાર મળતો રહેશે એવી આશા સહ…

મળતાં રહીશું… ગુજરાતી ગઝલના આ બ્લોગ  ઉપરાંત બીજા બ્લોગ અને સાઈટના માધ્યમથી

તે અદભુત પળ નો ફોટો

અનહદ સાથે નેહ !


મારો અનહદ સાથે નેહ !
         મુને મળ્યું ગગનમાં ગેહ.

ખરી પડે તો ફૂલ ન ચૂંટું,
                    મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
                પાતી અમરત પ્રીત:
અનંત જુગમાં નહીં અમારે
                    એક ઘડીનો વ્રેહ !
         મુને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
                    માથે તીખો તાપ;
મેઘરવા મુને હરિ મળ્યા ત્યાં
                અઢળક આપોઆપ !
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
                  મધરો મધરો મેહ !
          મુને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
                    ખેલું નિત ચોપાટ,
જીવણને જીતી લીધા મેં
               જનમ જનમને ઘાટ;
ભેદ ન જાણે ભોળી દુનિયા
                      ખોટી ખડકે ચેહ !
         મુને મળ્યું ગગનમાં ગેહ.

                                          – મકરન્દ દવે

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે


જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

-આસિમ રાંદેરી

ફરમાઈશ કરનાર : નીપમ

સ્વરાંકન માનો : રણકાર.કોમ

ખોબો ભરીને અમે એટલું હસ્યાં – જગદીશ જોષી


ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી

ફરમાઈશ કરનાર : રીન્કુ

સ્વરાંકન માનો : રણકાર.કોમ

દિલનાં દર્દનું કવિતામાં અનુભવો


“દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં,
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં;
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં.”

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

રોકી રહી છે તમને તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી.

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી.

હું ઇન્તિજારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

– બાપુભાઈ ગઢવી

ફરમાઇશ કરનાર મિત્ર : ચિરાગ
સ્વરાંકન માનો : રણકાર.કોમ

એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…


એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…

ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…

ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….

અને તો પણ લોકો કે છે કે-
“વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!”

– અનામી – UNKNOWN

સ્ત્રોત : ફોરવર્ડ મેલ

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.


માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

– આદિલ મન્સૂરી

ફરમાઇશ કરનાર : મૌલિક
સ્વરાંકન માણો: રણકાર.કોમ

તમે સાંજે મળો તો મને એકલા મળો


તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :

એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી

આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

– જગદીશ જોષી

ફરમાઇશ કરનાર : કીર્તન
સૌજન્ય : મિતિક્ષા.કોમ

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી


તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો .

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.

-વેણીભાઈ પુરોહિત

ફરમાઇશ કરનાર  : ઊર્મિલ પટેલ

સૌજન્ય : ટહુકો.કોમ

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.


ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

– નાઝીર દેખૈયા

ફરમાઇશ કરનાર : વિપુલ પ્રજાપતિ

તમારી ફરમાઇશ માટે અહી કિલક કરો

એટલો રહેજે દૂર


             સાંભળું તારો સૂર,
   સાંવરિયા, એટલો રહેજે દૂર !

ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
          ભલે તું રાસ ના ખેલે.
  વનને વિજન તું મારે અંબોડલે
           ભલે કદંબ ના મેલે ;

         તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર !

સૂરની સંગાથ મારા સમણાનો સાર
   ને સઘળો સંસાર મેં તો બાંધ્યો.
એમાં તો મુજને આ જગથીયે પાર
      રે એવો કો સૂરલોક લાધ્યો ;

         હવે જાશે મથુરાપુર ?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર ?

                                             – નિરંજન ભગત

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે


જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’