ચાલ સખી…


ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ

વેદના તો અડીખમ ઊભો કંઠાર જતાં આવતાં જુવાળ ભલે કોતરે
સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે
છીપલાંની હોડીને શઢથી શણગાર, ચાલ કાંઠો છોડીને હવે ઝૂકીએ

પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દેતા એ વાતો અકબંધ મને યાદ છે
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો અને ઉપર આકાશ જેવો સાદ છે
મૂળમાંથી ફૂટે અને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ

ઝાકળ શી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી એકવાર મૂકીએ.

– ધ્રુવ ભટ્ટ

ધોધમાર વરસાદ પડે છે.


તગતગતી તલવાર્યુ તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાવા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણાં હફડક નદી બનીને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઘેઘેતીટ તાગીતીટ તકતીર કીટતક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમા રુંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચુંદડી, કંગન, કાજળ, લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયે દરિયા ઝંખું ને તું ટીપે ટીપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
હું પગથી માથાલગ ભીંજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાસા જાય ને મારું અંગ સકળ-
અકળાય રે નફ્ફટ! ધોધમાર વરસાદ પડે છે.

-વિમલ અગ્રાવત

તમારું નોખું હું ધ્યાન રાખું


તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.

કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.

તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.

– ગૌરાંગ ઠાકર

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી


પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

કોકવાર આવતા ને જાતા મળો છો એમ


કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

પુનમનો ચાંદ જ્યા ઉગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર
મારુ એ ઉર હવે ઉછળવા ચાહે એવુ બન્યુ છે આજ તો અધીર

સાગરને તીર તમે આવોને ચાંદ સા ખીલી રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

– મહેશ શાહ

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં


હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…

– રમેશ પારેખ

આ ગીત ને રણકાર પર માણો

ફરમાઇશ કરનાર મિત્ર : બેલા શાહ

સુંદરી મો’લુમાં એકલાં


ઓધા, ચૈતરના ચારે જુગ વૈ ગિયા
                  એવો વખ રે સરીખો વૈશાખ, ઓધવજી
                                      જેઠે જીવણજી શું ના’વિયા.

ઓધા, અષાઢી ઘમઘોરિયા
                  એવો શ્રાવણ સેવ્યો ન જાય રે, ઓધવજી
                                      ભાદરવો ભલે ગાજિયો.

ઓધા, આસોનાં અજવાળિયાં 
                  એવા કારતકે પૂર્યા મનના કોડ રે, ઓધવજી
                                      માગશરે મળ્યા મીઠા માવજી.

ઓધા, પોષે સુકાણો પોપટ પાંજરે
                 એવા માયે સુકાણાં મારાં મન રે, ઓધવજી
                                      ફાગણ ફૂલ્યો ફૂલડે .

ઓધા, સુંદરી સંદેશો મોકલે
                  એના સંદેશે વે’લેરા પધારો રે, ઓધવજી
                                    સુંદરી મો’લુમાં એકલાં

ઓધા, તમથી ભલાં વનનાં પંખીડાં
                 એ સાંજ પડે ને ઘેર જાય રે, ઓધવજી
                                   સુંદરી મો’લુમાં એકલાં

                                                         – ઝવેરચંદ મેઘાણીના ‘રઢિયાળી રાત’માંથી

જા રે ઝંડા જા


જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇને મગન, લહેરા જા
ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા જા.
જા રે ઝંડા જા

શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા મા
જા રે ઝંડા જા

દિવાલ થઇને ઉભો હિમાલય મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ તળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા
જા રે ઝંડા જા

– અવિનાશ વ્યાસ

આ ગીત ટહુકો પર સાંભળી શકશો જા રે ઝંડા જા

ભીંજાવું


બંસરીના સૂરમાં ભીંજાવું
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

બંસરીના સૂર આંખ મીંચીને સાંભળું ત્યાં,
આછું અડકે મોરપીંછું.
પીંછાનાં રંગો તો સાત સાત સૂર અને
સૂર મહીં મેઘધનુષ દીઠું,
આવું રે કરે ને વળી પોતે સંતાઈ રહે
મારે ક્યાં રે રહેવું ને ક્યાં જાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

લોક કહે છે આ જોગણ વેરાગણ રે
સઘળું છોડીને આ તો હાલી,
જોગ ને વેરાગ બેની હું રે શું જાણું
મને લાગે છે વાંસલડી વાલી.
વ્હાલપનો સાગર છલકાય બ્હાર અંદર, હું
છાલકને ક્યાં રે સમાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

                                                                 – નયના જાની

દિશાઓ ફરી ગઈ!


તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.

મારાં દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી કદી મુજથી ફરી ગઈ.

શ્રધ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ!

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી!
આવી વિકટ સફરને તું પૂરી કરીગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતનાં આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

– ગની દહીંવાલા

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું


જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– ‘મરીઝ’

ફરમાઇશ કરનાર – અભિષેક પટેલ

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ


હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાઈ નહીં !

– ભગવતીકુમાર શર્મા

સાભાર : રણકાર.કોમ

ભોમિયા વિના મારે


આજે ૨૧ જુલાઈના રોજ શરૂ થતા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષીના જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે એમની આ અમર રચના…

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોષી
(૨૧/૦૭/૧૯૧૧ – ૧૯/૧૨/૧૯૮૮)

ગુજરાતી સુગમસંગીતના પિતામહ એવા શ્રી અવિનાશભાઈનો જન્મદિન પણ ૨૧/૦૭/૧૯૧૧ છે.

ખીચડી


એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

– કૃષ્ણ દવે

જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે


જીવનના નામની સાથે કઝાનું નામ આવે છે
જહાંના નામની સાથે ફનાનું નામ આવે છે

હું ચિતાને દરદ માની સુરા પી જાઉં છું કારણ
કિતાબોમાં દવા સાથે સુરાનું નામ આવે છે

અહમ કરનાર વ્યક્તિઓની જો નામાવલી કરીએ
તો સૌથી મોખરે એમાં ખુદાનું નામ આવે છે

પ્રવેશીશું કઈ રીતે જલન દોઝખના કમરમાં
ગુન્હેગારો તરીકે અહીં બધાનું નામ આવે છે.

– જલન માતરી

સમજાય છે


શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે,
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે.

રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંઝિલ હવે અટવાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ભીંજેલા નયનો શોધી રહ્યા છે તારા આવવાની સંભાવના


પ્રાર્થનામાં હું માંગું છું ઉપરવાળાથી યાતના,
મુન્ત્ઝીરને આમ પણ ગમની વધુ છે ચાહના.

કડવી, મને ચૂભતી ખૂંચતી તારી યાદ છે, તારી ભાવના,
સિતમગરોની મહેફિલમાં મેં સાંભળી છે તારી નામના.

હસરતોને દફનાવી દીધી પણ હજી જીવે છે તારી કામના,
ભીંજેલા નયનો શોધી રહ્યા છે તારા આવવાની સંભાવના.

પ્રાર્થનામાં હું માંગું છું ઉપરવાળાથી યાતના,
મુન્ત્ઝીરને આમ પણ ગમની વધુ છે ચાહના

– મુન્ત્ઝીર

આ જ ગઝલ મુન્ત્ઝીર ના સ્વરે

શબ્દાય છે


આભમાં જ્યાં વાદળો ઘેરાય છે,
માટીને મન ફૂટું ફૂટું થાય છે.

મ્હેક વરસાદી લઈને આ પવન,
લોહીમાં સીધો પ્રવેશી જાય છે.

વાદળી વરસ્યા વગર મુજ આંખથી,
લો, હૃદયમાં પાછી ચાલી જાય છે.

દેહમાં પણ વીજ ચમકી  જાય છે,
બીજ જેવું ગીત રે વેરાય છે.

જે ક્ષણે સૌ શબ્દ થીજી જાય છે,
એ ઘડીમાં મૌન બસ શબ્દાય છે.

આંખમાં આવ્યાં નથી એ આંસૂઓ,
લો, જુઓ દરિયા સુધી રેલાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

મેઘ – મુબારક !


ભીનપવરણો આવ્યો અવસર , મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !

છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !

કાલ હતાં જે સાવ સૂનાં ને અવાવરુ એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !

નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં ,
અંદર પણ ઉછળતાં સમદર, મેઘ-મુબારક !

ગોરંભાતું આભ ઉતરતું આખેઆખું,
છલકાતાં હૈયાના સરવર, મેઘ-મુબારક !

મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !

વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને ,
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !

મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !

કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને,
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !

– નીતિન વડગામા

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો


હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.

એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

-અરૂણ દેશાણી.

સાભાર: રણકાર.કોમ
ફરમાઇશ કરનાર મિત્ર : કીર્તન

તારા શહેરનો વરસાદ…!


ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !

– કરસનદાસ લુહાર

મન મૂકી વરસ


બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ તે રીતે સ્પરશ.

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

                                                           – પુરુરાજ જોષી

ઝળહળ કર્યું


પ્હેલ પરથમ પાંખ દીધી ને પછી પીંજર ધર્યું
ચોપડે ચીતરેલ ખાતું, એ રીતે સરભર કર્યું.

પારધીના એક શરથી થઈ ગયું આહત વિહગ
ચીસથી જો કે યુગો લગ, આભ આખું થરથર્યું.

વૃક્ષની હરએક ડાળીની કરી હત્યા પછી
છાંયડાની ઝંખનાએ, એના મનમાં ઘર કર્યું.

માંડવો મધુમાલતીનો ને પથારી જૂઈની
રાત રહી પાસાં બદલતી, ને ગગન ઝરમર ઝર્યું.

ઠામઠેકાણા વિના ક્યાં ખોળવો તુજને ભલા
આમ આલય  સાવ ખાલી, આમ સચરાચર ભર્યું.

–  પુરુરાજ જોષી

તું હોઈ શકે


ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે,
રંગ રેખા કે નહીં આકાર તું હોઈ શકે.

કોઈ મારા બારણે જાસાચિઠ્ઠી નાખી ગયું,
અક્ષર તો ક્યાંથી ઉકલે લખનાર તું હોઈ શકે.

રાગ પારિજાત લ્હેરાતો રહ્યો છે રાતભર,
ક્યાંક નજદીક બેસીને ગાનાર તું હોઈ શકે.

આટલાં વ્હાલાં મને લાગ્યાં નથી પૂર્વે કદી,
આ અભાવો, પીડ મોકલનાર તું હોઈ શકે.

– પુરુરાજ જોષી

( આ રચના પૂરી છે કે અધુરી એ ખબર નથી, જો કોઈને જાણ હોય તો ધ્યાન દોરશો…)

કીમિયો


થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં અશરફ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા