કોણ…?


સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે,
કોઇ ત્યારે યાદ આવી જાય છે.

રાત ઢળતા એક પડછાયો મળે,
એ પછી ચોમેર વ્યાપી જાય છે.

છુંદણાંમાં કોણ પીડા આપતું,
એ વિચારે દર્દ ભાગી જાય છે.

છાંટણાં વરસાદના સ્પર્શી જતાં,
રોમ સૌ ધરતીના જાગી જાય છે.

હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઇ આવી રોજ તાપી જાય છે.

રોજ હું વાવી રહી સંબંધને,
રોજ આવી કોણ કાપી જાય છે .

-પુષ્પા મહેતા.

રે મન, ચાલ મહોબ્બત કરીએ…


રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબીએ ઘૂઘવતે દરિયે

રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ

પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ

દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે

જીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ

– હરીન્દ્ર દવે

ઊંઘ….!!!


ચાડિયાની આંખ તળે ચકલીનો રાતવાસો,
સીમનું રખોપું કરે રેઢિયાળ ઊંઘ.

અંધકાર ખેડી રહ્યું તમારાંનું તીણું હળ,
કુણાંકુણાં ચાસમાં ઓરાય મીઠી ઊંઘ.

ગાતડીની ગાંઠ વાળી, શિયાળની લાળી ભેળી
રાતરાણી તણી ગંધ લણી રહી ઊંઘ.

ચાકડે ચડીને કૈંક સોણલાં ઉતાર્યા કરે,
નિંભાડામાં ધીરે ધીરે ઠરી જાય ઊંઘ.

ઘોડિયામાં ઘર આખું ઢબૂરીને મેડે ચડી,
………….. મૂંગીમૂંગી શરમાય ઊંઘ.

– માધવ રામાનુજ

હું થોડા દિવસ હવે તારામાં રહું?


ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

– મૂકેશ જોશી

ઓ શ્યામ તમે… ધીરી વગાડોને વાંસળી….


મિત્રો, આજે રાધાઅષ્ટમીના બહાને ફરી એકવાર કાનુડાને, તેની વાંસળીને અને વાંસળીને વેરણ કહીને રોષ વ્યક્ત કરતી રાધાને યાદ કરી લઈએ…
આ કૃષ્ણગીતના રચયિતા કોણ છે તે મને ખબર નથી, જો આપ સૌમાંથી કોઈ જણાવશો તો આનંદ થશે અને મારી જાણકારીમા વધારો પણ…

 ઓ શ્યામ

વેણુનાં નાદમાં નન્દકિશોર હું, ખોઈ સુધબુધ આવી પાંસરી.
પ્રીતની રીત કેવી શોધી ઓ શ્યામ તમે, હૈયું વલોવે મારું વાંસળી.

ઓ શ્યામ..

દેહભાન ભૂલાવી ખેંચી લાવી મને, જીવનપ્રાણ તારી વાંસળી.
હૈયાના હૈયાને જાણે નચાવતી, તારી નઠારી આ વાંસળી.

ઓ શ્યામ..
પ્રીતના પારખાં ના હોય સતામણી, સાચી છે પ્રીત મ્હારી શ્યામરી.
બંસીના બોલ ભલે હોય મધુરાં, પ્રીત શું જાણે તારી વાંસળી.

ઓ શ્યામ..

હળવા તે હાથે ઉપાડજો – માધવ રામાનુજ


હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;

ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,

કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

 

– માધવ રામાનુજ

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,


પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

– ઊર્વીશ વસાવડા

શકય હો તો, કર કદી આવી કમાલ – દિપક બારડોલીકર


શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ

એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

– દિપક બારડોલીકર

પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાકડા પર – ડો. કિશોર વાઘેલા


પીંડમાંથી ઘાટ રુડા એ ઘડે છે ચાક પર
એ પછીથી નામ નોખાં એ ધરે છે ચાક પર

લ્યો, ફરી ગારો બની, માટી મહીં એ આવશે ત્યાં,
આવરણ આકારનું બદલ્યા કરે છે ચાક પર

આ ઘડાના ભીતરી અવકાશમાં હું હોઉ છું બસ,
છૂટતાં કાયા, પવન થઈ શું ફરે છે ચાક પર

મોક્ષ જેવી કયાં કદી ઘટના ઘટે આ રાફડામાં,
આપણી જિજીવિષા ફરતી રહે છે ચાક પર

આ અરીસે કોળતી શ્રુંગારની સંભાવનામાં,
પૂછજે આતમ, તને તન શું કહે છે ચાક પર

ડો. કિશોર વાઘેલા

સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,


સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,
વિણ તારા ક્યમ રાત જાશે ?
શ્યામ રાત્રિ સમ જીવન મધ્યે,
હ્રદય પ્રકાશ્યું તવ સાનિધ્યે –
શીતળ ચાંદની તારી છાયા,
મળી ! પછી શું જગની માયા ?
સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે.
તવ પ્રેમેન્દુના પુનિત સ્પર્શથી,
હ્રદય વીણાના તાર પરથી –
સુણ્યાં મેં બસ ગીત તારાં !
સુંદર મધુરાં પ્યારાં પ્યારાં !
સખિ!ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે !

– રમેશ સોની

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?


કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

તું અને હું


તું અને હું જાણે સામા કિનારા
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદલ વૈશાખના
મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી
લેહેરખીને લેહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલી તો ઓઢીને સુનૂ આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ હ્રુદિયામાં રોતું એ શું?

–સુખદેવ પંડ્યા

‘વાર નથી લાગતી’…………


મુંઝાય છે શું મનમા, સમય જતા વાર નથી લાગતી.
રહી જશે મનની મનમા, એ વાત આજે સાચી નથી લાગતી.

કોને ખબર છે, કાંકરા ને રેતીમાં બદલાતા વાર નથી લાગતી.
ક્ષિતિજ ને જોઉ છું જ્યારે, સુર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી.

કોણે કહ્યુ જામમાં છે ગમ, ચઢતા એને વાર નથી લાગતી.
વીજળીના ટંકાર પછી, વાદળાને વરસાદ બનતા વાર નથી લાગતી.

ક્ષણની તો આ વાત છે, ગ્રહણને દુર થતા વાર નથી લાગતી.
પખવાડીયું જ વચ્ચે, બાકી અમાસને પૂનમ થતા વાર નથી લાગતી.

કોણ કહેશે આ દિલને, પ્રેમ થઈ જતા વાર નથી લાગતી.
વિંધાઈ ગયુ છે હવે ‘લક્ષ્ય’, આરપાર થતા વાર નથી લાગતી.

– આતિષ પટેલ ‘લક્ષ્ય’

આંખોની બારીને પાંપણનું સુખ છે


આંખોની બારીને પાંપણનું સુખ છે,
ઘરના તો ખોળાને આંગણનું સુખ છે.

સંબંધોની પેઢીએ ખર્ચાયો પણ,
ભીતરમાં ખ્વાબોની થાપણનું સુખ છે.

વીતેલી યાદોને જોખીને તું જો,
ઘરની પરણેતરને કંકણનું સુખ છે.

ગાયોની સાથે તો કાન્હો ખેલ્યો, ને
ગોકુળના લોકોને માખણનું સુખ છે.

સુખ સઘળાં પૃથ્વીના તોલીને તું જો,
માતાના ખોળે તો ધાવણનું સુખ છે.

સુનીલ શાહ

મિચ્છામી દુક્કડ્મ


નાજુક ફુલ જેવા દિલ પર…
જયારે કોઈ કાંટાળો વજ્રઘાત પ્રહાર કરે છે…
.. ત્યારે…
દિલ ખળભળી ઉઠે છે….
…ને… સર્જાય છે…
બે અનમોલ દિલ વચ્ચે
વેર અને બદલાની દિવાલો..
…ને…એને ભેદે છે માત્ર પ્રશ્ચાતાપ…
તો ચાલો આપણે પણ કોઈનુ મન જાણતા અજાણતા દુભાવ્યુ હોય
તો મિચ્છામી દુક્કડ્મ કરી એમને મનાવી લઈયે….

– હસમુખ ધરોડ ‘અંકુર’

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી


તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં


એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.0

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.

મુજ પર િસતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

-‘મરીઝ’

પચાવી ગયો છું


કતારો અશ્રુની પચાવી ગયો છું
છતાં જિંદગીને હસાવી ગયો છું

તમોને હવે તો ક્યાં ફરિયાદ કરવી
હતાશા પળોની હટાવી ગયો છું

લખાયાં અમારાં નસીબો બધાંયે
પછી પણ ઘસીને મિટાવી ગયો છું

ઘણી લાગણીઓ વરસતી રહીછે,
બધાંયે ગમો ગટ ગટાવી ગયો છું

ઉઘાડી કબર?ને સમયને સહારે
હજારો વરસથી ઘસાઈ ગયો છું.

-સુનીલ શાહ

નહીં તો શું..?


જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?

બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?

દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે

ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?

ખુશીની કોઈ પળ આવે સદા એવું જ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?

ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા ઉજાસ પથરાશે નહીં તો શું?

– સુનીલ શાહ

તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,


તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.

-મનોજ ખંડેરિયા

મારી ગઝલોનાં બે મૂળ.


મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.

ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.

-અમ્રુત ઘાયલ’

આંખને ખૂણે હજીયે ભેજ છે,


આંખને ખૂણે હજીયે ભેજ છે,
આ ગઝલ લખવાનું કારણ એ જ છે.

-ચિનુ મોદી

મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!


દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !

સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !

તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !

નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ ‘અંકુર’
મારા શરીર સાથે સુતેલ મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!

-હસમુખ ધરોડ ‘અંકુર’

ડરે છે જ શાને?


સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?

પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?

ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?

સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?

ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?

– સુનીલ શાહ

હોય સાથે છતાં હું પડી એકલી


હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી

રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી

કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી

ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી

– સુનીલ શાહ