પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?


પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

અંધકાર


ઝીણો રે ઝગે છે અંધકાર

ક્યાંક ફૂટી છે તેજલ કળી
એનો આ અણસાર !
ઝીણો રે ઝગે છે અંધકાર !

ઝરતી રે ઝરતી આછી મ્હેક હો
એમાં ભીંજાતું રે અંગ ,

કોણ રે નર્તતું વાયુ વ્હેણમાં
બજવી ધીરું મૃદંગ .
તૂટી રે જાય સહુયે દીવાર ,
ઝીણો રે ઝગે છે અંધકાર !

હળવે રે હળવે પડદા ઊપડે
આંખ્યુંમાં ઊઘડે આકાશ ,
ઊછળે રે ઊછળે સાગર શ્વાસના
મનને કોઈ ન આડશ.
હું જ છું ભીતર ને છું બહાર.

ઝીણો રે ઝગે છે અંધકાર !

– યોસેફ મેકવાન

મળ્યું…


સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

લાઈન લગાવો


રેશનની લાઈન….!
પેટ્રોલની લાઈન…!.
એડમિશનની લાઈન….!
રેલ્વે કે બસ ની લાઈન…!

.
બીજી કોઇ પણ લાઇનમાં ન ઉભા રહેવુ હોઇ ….
તો મતદાન માટે લાઈન લગાવો

લાઈન લગાવો ……….

હિન્દુસ્તાનના ભાવિને ઉંચે લઈ જઈએ આવો
ચુંટ્વાની તાકાતથી રંગી નાખો સૌ ચુનાવો

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો
બૂથોને છલકાવી દઈ મતદાનની ધુમ મચાવો

એક બટન દાબીને આખે આખો દેશ બચાવો
લોકશાહીના માથા પર મતનુ એક તિલક લગાવો

મુકુલ ચોકસી

@ALL RIGHTS RESERVED BY MEHUL SURTI

ગણિત ગણિત રમીએ


પ્રેમ ના નવા પ્રમેય બનઍ,
દિલ કહે ચાલ ને ગણિત ગણિત રમીએ…..

સુખોનો સરવાળો, અને દુઃખો ની બાદબાકી કરી,
ચાલ ને પ્રેમ ના નવા સમીકરણ બનીએ…..
દિલ કહે ચાલ ને ગણિત ગણિત રમીએ…..

જીવન ની ભુમિતી ના ખુણાઓ ને છોડિ,
સ્નેહ ના તાંતણા નુ ચાલ ને વર્તુળ બનીએ….
દિલ કહે ચાલ ને ગણિત ગણિત રમીએ…..

પ્રેમ ના અંક-ગણિત ના અવયવો માંથી,
મુશકેલી નો ચાલ ને છેદ ઉડાવીએ…….
દિલ કહે ચાલ ને ગણિત ગણિત રમીએ…..

બન્ને ના પ્રેમ નુ વર્ગ ફળ કાઢી,
ચાલ ને તેનો ગુણાકાર કરીએ….
દિલ કહે ચાલ ને ગણિત ગણિત રમીએ…..

ચાલ ને પ્રેમ ના નવા પ્રમેય બનીએ,
ફરી એક વાર ગણિત ગણિત રમીએ……
દિલ કહે ચાલ ને ગણિત ગણિત રમીએ…..

તુષાર ભાવસાર.

ગુજરાતી ગઝલની SMS ચેનલ જોડાવો અને મેળવો ગુજરાતી રચના તમારા મોબાઈલ પર
http://labs.google.co.in/smschannels/subscribe/GujGazal
or
type on your mobile JOIN Gujgazal & send on +919870807070

કાલે કદાચ પાછી આવશે


કાલે કદાચ પાછી આવશે એ આશાએ,ખુલ્લા રાખ્યા છે ઘરના કમાડ
આવ તો અડકીને હળવા હાથેથી દરવાજે, મારી દલડાની ઘંટડી વગાડ

જાણું છું આવવાના રસ્તા ખબર છે, તોયે તને આવવાની ઈચ્છા નથી
પંખી છે પાંખો છે ઉડવા ગગન છે, પણ પેલા લાગણીના પિછ્છા નથી

મરી જાય મન તો પછી પગલું ના ઉપડે, મનને તણખલુ લાગે પહાડ
કાલે કદાચ પાછી આવશે એ આશાએ, ખુલ્લા રાખ્યા છે ઘરના કમાડ

-ગિરીશ જોશી

‘અંકુર’ની રચનાઓ


ધુળેટી

રંગબેરંગી
રંગોથી રમે ગોપી
કાનુડો કાળો

– હસમુખ ધરોડ ‘અંકુર’

વસંત ઋતુ

મુંબઈની એરકંડીશન ઓફિસમાં બેસી…
ટપ…ટપ…ટપ…ટપ ટાઇપરાઇટરના અવાજ…
ગાડી – મોટર – રિક્શા – ટેક્ષીઓના હોર્ન…
ફેરીયાઓની ધમાલ…ની વચ્ચે…બેસી…
હું વસંત ઋતુનુ વણૅન કરવા બેઠો…

– હસમુખ ધરોડ ‘અંકુર’

ગુજરાતી ગઝલની SMS ચેનલ જોડાવો અને મેળવો ગુજરાતી રચના તમારા મોબાઈલ પર
http://labs.google.co.in/smschannels/subscribe/GujGazal
or
type on your mobile JOIN Gujgazal & send on +919870807070

ત્રણ ભાઈભાંડુ


માતા અમારી પૃથિવી, અમે છીએ
સંતાન એના, ત્રણ ભાઈભાંડુ .

આ સૌથી નાનું તરુ, માતથી એ
ક્ષણેય છૂટું પડતું ન, જાણે
હજી વધેરી નહિ નાળ એની !

ને અન્ય તે પશુડું, હજી એ
ચાલે ચતુષ્પાદ, ન ચાલતા શીખ્યું
ટટ્ટાર બે પાયથી, (મારી જેમ )
ભાંખોડિયાભેર ફરે ધરા બધી.

ને સૌથી મોટો હું, મનુષ્ય નામે :
ઊડી રહું આભ તણા ઊંડાણે .
હું આભનો તાગ ચહું જ લેવા.

ખૂંદી રહીએ બસ નિત્ય ખોળલો
માત તણો, મૂર્તિ ક્ષમા તણી જ :
મુંગી મુંગી પ્રેમભરી નિહાળતી
લીલા અમારી ત્રણ ભાઈભાંડુની

– પ્રજારામ રાવળ

ગુજરાતી ગઝલની SMS ચેનલ જોડાવો અને મેળવો ગુજરાતી રચના તમારા મોબાઈલ પર
http://labs.google.co.in/smschannels/subscribe/GujGazal
or
type on your mobile JOIN Gujgazal & send on +919870807070

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા


તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

– મનોજ ખંડેરિયા

આ ગઝલને ટહુકો.કોમ પર માણવા આ લિંક ઉપર ક્લિક કરો..

ઊપડતી જીભ અટકે છે…

(સ્ત્રોત – બિનલ પટેલ – ઓરકુટ મેલ)

જ્યોતિ આભની


આવો રે આવો જ્યોતિ આભની !

આ રે કાયા કેરી દીવીમાં
મારા પ્રાણની દિવેટ;
સીધી ઊભી ઉંચા મસ્તકે
સીંચી હૈયાને હેત !

આવો રે આવો જ્યોતિ આભની !

આવો અંજવાળા ઉંચા ગેબના,
મારો પોકારે અંધાર !
મીઠું રે મલકતી તેજલ ઝાળથી ,
શિરને સ્પર્શો પલવાર !

આવો રે આવો જ્યોતિ આભની !

અંધને આધાર ન્હોયે અંધનો ;
આવો અંધના આધાર,
ભાંગો ભીડેલી વજ્જર ભોગળો,
અંજવાળા કરો રે ઝોકાર !

આવો રે આવો જ્યોતિ આભની !

– પ્રજારામ રાવળ

હું, તમે ને આપણે


છોડ, કાંટા, ફૂલ તે શું ? હું, તમે ને આપણે
સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું, તમે ને આપણે

રણ, આ રેતી, આ સમંદર, પર્વતો ને આ ઝરણ
સિંહ, સસલાં, મોર તે શું ? હું, તમે ને આપણે

તેજ, વાયુ, માટી ને આ આભ ને આ જલ બધું
શૂન્ય જેવું શૂન્ય તે શું ? હું, તમે ને આપણે

ઘર, આ ઘરની ભીંત, છત, બારી અને આ બારણાં
થાંભલી, આ મોભ, તે શું ? હું, તમે ને આપણે

વસ્ત્ર ને આ આભરણ ને આ સુગંધી દ્રવ્ય સૌ
એ બધાનું કેન્દ્ર તે શું ? હું, તમે ને આપણે

હું, તમે ને આપણેની આ લીલા છે, ખેલ છે
ફોક, જુઠ્ઠું, વ્યર્થ તે શું ? હું, તમે ને આપણે

– હસમુખ મઢીવાળા

છાતીમાં મારી


છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની હાજરીમા બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય-
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

– સાહિલ

માણસ હોવું !!! – હેમંત દેસાઈ


પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું,
ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું.

ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે
મચ્યા રહ્યાનું, લગાતાર બસ, ધ્યાન હોવું – માણસ હોવું.

ઈટ્ટાકિટ્ટા કર્યે જવાના, ખર્યે જવાના ખોખો ખેલી,
મોટેરા મનસૂબાથી બળવાન હોવું – માણસ હોવું.

ચરણ રૂકે ત્યાં સ્વાગત ઝીલતા દુનિયામાં ફૂલ્યા કરવાનું,
પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું – માણસ હોવું.

મહામોલના શિર દઈ દેતા હસતા હસતા ક્ષણમાં તેને
સસ્તા સસ્તા જીવનનું અભિમાન હોવું – માણસ હોવું

સમજણની સિદ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા,
તોય વખત પર નિરાધાર નાદાન હોવું – માણસ હોવું.

ખૂબીખામીના જુદા તોલથી સ્વજન પરાયા જોખ્યા કરવા
ઢળ્યા અહીં કે તહીં બધે વેરાન હોવું – માણસ હોવું.

હારજીતના ભેદ ભુલાવે એવા યુદ્ધે હોમાયા-નું
મળે તેમના જીવ્યાનું સન્માન હોવું – માણસ હોવું

– હેમંત દેસાઈ

એક છોકરી…


ચહેરો ઉગામીને છાતીના પટ વચ્ચે ઊભી છે
(ઓલી એક) છોકરી
છોકરીને કીધું : તું થઈ જા ગુલાબ
તો કે’ હટ્ટ , હું તો થાવાની તડકો ,
ખીલવું કે ખરવું ના મારો સ્વભાવ
હું તો ફાટફાટ ધખતો ઉમળકો.
ઝૂલવાનું ડાળી પર ઝૂલતું મૂકીને
આમ નીકળી એ પડછાયા જોતરી…

– મધુકાંત કલ્પિત

જીવતર એક બગાસું.


ખાલી ખાલી હસવાનું ને સાચાં આ બે આંસુ,
નભને કેવું કોચ્યું તેં કે બાર માસ ચોમાસું.

એકલતાના અડાબીડમાં એવો તો અટવાયો ;
કે આમ ફરું તો દિશા નડે ને આમ ફરું તો પાસું.

દીવાલ ક્યાં છે ? બારી ક્યાં છે ? ક્યાં છે ઉપર નીચે ?
અંદર જેવું છે જ નહિ ત્યાં દરવાજો શું વાસું ?

આમ કરો કે તેમ કરો કે ખેડો સાત સમંદર
મઝા વગરનું કંઈ પણા કરવું ખતરનાક છે ખાસું

ઘણું કર્યું કે કશું કર્યું ના; ખરું કહું થાક્યો છું ;
લાંબી એવી તાણું જાણે જીવતર એક બગાસું.

– સુભાષ શાહ

સૂર અને શબ્દના સથવારે….આપને આમંત્રણ


From 22nd Feb,2009

એણે કાટો કાઢીને


એણે કાટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફરર દઈ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

– વિનોદ જોશી

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?


અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?

-અશરફ ડબાવાલા

માણસ મને હૈયાસરસો લાગે


ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે
સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે
એને ઓળખતા વરસોનાં વરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

ઘડીક સાચો લાગે ઘડીક બૂઠ્ઠો લાગે
ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે
ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે
ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે
ક્યારેક માણસભૂખ્યો લોહીતરસ્યો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

– સુરેશ દલાલ

મને ડાળખીને


એક ભૂરા આકાશની આશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો ;
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ
ઘૂઘવે પવન : વણજારો.

જાણે માછલીને જળની પિપાસા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે :
અમને તો બધ્ધું કબૂલ .

મારી સઘળી દિશાને તલાશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી

– સુરેશ દલાલ

અસિમ રાંદેરીને આખરી વિદાય


જાણીતા ગુજરાતી ગઝલકાર અસિમ રાંદેરીનું આજે મોડી રાતે ૧૦૫ વર્ષની વયે નિધન થયું હતુ,રાંદેરમાં પહેલો ગુજરાતી મુશાયરો કરનારા અસિમ રાંદેરીને કલાપી એવોર્ડ ,વલી ગુજરાતી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.’લીલા’ નામના પાત્ર પર તેમણે લખેલું પુસ્તક ‘લીલા’ ખુબજ જાણીતુ બન્યુ હતુ,

“કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે”

જેવા શેર ના રચયિતા અસિમ રાંદેરીની વિદાયથી ગુજરાતી ગઝલ ને મહામુલી ખોટ પડવાની છે

આ સાથે તેમની ખુબજ જાણીતી રચના “કંકોત્રી”

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
.                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
.                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
.                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
.                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
.                  દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
.                  કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
.                  ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
.                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
.                  કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
.                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
.                  આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
.                  ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
.                  હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
.                  એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

For Full lyrics Thanks to Mr Vivek Tailor

ત્યારે સાલું લાગી આવે


પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

– મુકેશ જોશી

મીરાં


મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે ;
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે !

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે ;
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે !

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે ;
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે;
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે !

– સુરેશ દલાલ

અનુભૂતિ


લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

ઓગળતી રહી…


ગુફતગુમાં રાત ઓગળતી રહી,
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.

ઊંટના પગલાંમા હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની ટળવળતી રહી.

હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.

હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.

– મનહરલાલ ચોક્સી