રાધે બનો


મારા અંતરની વેદના જોવા 
        જરીક ! શ્યામ રાધે બનો.
મૂકી મુરલીને આંસુ લ્હોવા
        ઘડીક ક્ હાન ! રાધે બનો.

પેલા માલમુકુટ બાજુ મૂકો
        આ વેશ ધરી રાધે બનો.
રંગચૂંદડીને વેસર ઝૂકો 
        મોહનપ્યાસી રાધે બનો.

બધું ધારો તોયે નહીં પામો
        હૈયું મારું, રાધે બનો.
શ્રમ સઘળો જશે નક્કામો
        છતાંય, જરા રાધે બનો.

મને મોહનસ્વરૂપ જરી દૈને 
        પ્રીતમ ! તમે રાધે બનો.
ઘડીભરનો આ ખેલ લઈને
        રાધે-શ્યામ રાધે બનો.

            –  પિનાકીન ત્રિવેદી

હો હિંમત તો ટહુકો તું દોર


અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

– રવિન્દ્ર પારેખ

બાકી છે…


ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

– ભરત વિંઝુડા

નહીં શકે – રિષભ મહેતા


તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે

– રિષભ મહેતા

તને


આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,

તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.

હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને

એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.

નામ તારું નામ તારું નામ તા—
એકડા ની જેમ હું ઘૂંટુ તને.

-હર્ષદ ત્રિવેદી

એક…


કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે બે દિવસ પહેલા મુંબઈમાં અવસાન પામ્યા. એમનું આ અછાંદસ કદાચ આપણી અંદરના, આજના રીયલ માણસ તરફ આંગળી ચીંધી રહ્યું નથી…?

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો બસ કન્સક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો
ટેક્સી ડ્રાઈવરથી પણ હડધૂત થનારો
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો
એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થથરનારો.
ભોળો, મિનિસ્ટરના લિસ્સા લિસ્સા ભાષણોને સાચ્ચાં માનનારો…
ને વળી તાળી પણ પાડનારો
ચૂંટણી વખતે જોર જોરથી ‘જય હિન્દ’ બોલનારો
બધું ભૂલી જનારો, ગળી જનારો
કચડાયેલો
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક…

– વિપિન પરીખ

હું તો આખી ને આખી ભીંજાણી.


હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી ! હું તો આખી ને આખી ભીંજાણી.
રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર.
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ?  સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;
હું તો ભીનપના ભારથી મુંજાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.

-વિમલ અગ્રાવત

સુંદરી મો’લુમાં એકલાં


ઓધા, ચૈતરના ચારે જુગ વૈ ગિયા
                  એવો વખ રે સરીખો વૈશાખ, ઓધવજી
                                      જેઠે જીવણજી શું ના’વિયા.

ઓધા, અષાઢી ઘમઘોરિયા
                  એવો શ્રાવણ સેવ્યો ન જાય રે, ઓધવજી
                                      ભાદરવો ભલે ગાજિયો.

ઓધા, આસોનાં અજવાળિયાં 
                  એવા કારતકે પૂર્યા મનના કોડ રે, ઓધવજી
                                      માગશરે મળ્યા મીઠા માવજી.

ઓધા, પોષે સુકાણો પોપટ પાંજરે
                 એવા માયે સુકાણાં મારાં મન રે, ઓધવજી
                                      ફાગણ ફૂલ્યો ફૂલડે .

ઓધા, સુંદરી સંદેશો મોકલે
                  એના સંદેશે વે’લેરા પધારો રે, ઓધવજી
                                    સુંદરી મો’લુમાં એકલાં

ઓધા, તમથી ભલાં વનનાં પંખીડાં
                 એ સાંજ પડે ને ઘેર જાય રે, ઓધવજી
                                   સુંદરી મો’લુમાં એકલાં

                                                         – ઝવેરચંદ મેઘાણીના ‘રઢિયાળી રાત’માંથી

જા રે ઝંડા જા


જા રે ઝંડા જા
ઉંચે ગગન, થઇને મગન, લહેરા જા
ફૂંકયા જેણે માથા, એની યશોગાથા,
ફરકી ફરકી ગા જા.
જા રે ઝંડા જા

શહીદ થઇને તારે ચરણે સૂતા લાડકવાયા
સ્વાધીનતાના તાણે વાણે એના હજુ પડછાયા

મુક્ત થઇ છે તો મુક્ત જ રહેશે,
તારે કારણ મા મા
જા રે ઝંડા જા

દિવાલ થઇને ઉભો હિમાલય મુઠ્ઠીમાં મહેરામણ
ઘરના પરના દુશ્મન સાથે ખેલાશે સમરાંગણ

મુક્ત ધરા છે, મુક્ત ગગન છે
મુક્ત જીવતની જ્યોત જલે
ફૂલ્યો ફાલ્યો ફાગણ રહેશે
સ્વાધીનતાના રંગ તળે

આભને સૂરજ એક જ સૂરજ
તું બીજો સૂરજ થા
જા રે ઝંડા જા

– અવિનાશ વ્યાસ

આ ગીત ટહુકો પર સાંભળી શકશો જા રે ઝંડા જા

ભીંજાવું


બંસરીના સૂરમાં ભીંજાવું
સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

બંસરીના સૂર આંખ મીંચીને સાંભળું ત્યાં,
આછું અડકે મોરપીંછું.
પીંછાનાં રંગો તો સાત સાત સૂર અને
સૂર મહીં મેઘધનુષ દીઠું,
આવું રે કરે ને વળી પોતે સંતાઈ રહે
મારે ક્યાં રે રહેવું ને ક્યાં જાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

લોક કહે છે આ જોગણ વેરાગણ રે
સઘળું છોડીને આ તો હાલી,
જોગ ને વેરાગ બેની હું રે શું જાણું
મને લાગે છે વાંસલડી વાલી.
વ્હાલપનો સાગર છલકાય બ્હાર અંદર, હું
છાલકને ક્યાં રે સમાવું?

સખીરી ! મારે બંસરીના સૂરમાં ભીંજાવું.

                                                                 – નયના જાની

ભોમિયા વિના મારે


આજે ૨૧ જુલાઈના રોજ શરૂ થતા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષીના જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે એમની આ અમર રચના…

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોષી
(૨૧/૦૭/૧૯૧૧ – ૧૯/૧૨/૧૯૮૮)

ગુજરાતી સુગમસંગીતના પિતામહ એવા શ્રી અવિનાશભાઈનો જન્મદિન પણ ૨૧/૦૭/૧૯૧૧ છે.

સમજાય છે


શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે,
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે.

રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંઝિલ હવે અટવાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

તારા શહેરનો વરસાદ…!


ઉદાસી, શોક, એકલતા અને અવસાદ વાંચું છું;
હું મારી ડાયરીનું પૃષ્ઠ જો એકાદ વાંચું છું.

હવાઓમાં લખેલી મહેકની મરજાદ વાંચું છું;
સવારે ફૂલ શા ઘરમાં હું તારી યાદ વાંચું છું.

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું;
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.

થયેલી સાવ જર્જર કોઈ જૂની ચોપડી જેવી –
સૂની શેરી હું વાંચું છું ને વરસો બાદ વાંચું છું!

છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં;
અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!

હું આખું વૃક્ષ વાંચું એટલો સાક્ષર થયો છું ક્યાં?
મથામણ બહુ કરું ત્યારે ફકત એક પાંદ વાંચું છું !

– કરસનદાસ લુહાર

મન મૂકી વરસ


બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ તે રીતે સ્પરશ.

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

                                                           – પુરુરાજ જોષી

ઝળહળ કર્યું


પ્હેલ પરથમ પાંખ દીધી ને પછી પીંજર ધર્યું
ચોપડે ચીતરેલ ખાતું, એ રીતે સરભર કર્યું.

પારધીના એક શરથી થઈ ગયું આહત વિહગ
ચીસથી જો કે યુગો લગ, આભ આખું થરથર્યું.

વૃક્ષની હરએક ડાળીની કરી હત્યા પછી
છાંયડાની ઝંખનાએ, એના મનમાં ઘર કર્યું.

માંડવો મધુમાલતીનો ને પથારી જૂઈની
રાત રહી પાસાં બદલતી, ને ગગન ઝરમર ઝર્યું.

ઠામઠેકાણા વિના ક્યાં ખોળવો તુજને ભલા
આમ આલય  સાવ ખાલી, આમ સચરાચર ભર્યું.

–  પુરુરાજ જોષી

તું હોઈ શકે


ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે,
રંગ રેખા કે નહીં આકાર તું હોઈ શકે.

કોઈ મારા બારણે જાસાચિઠ્ઠી નાખી ગયું,
અક્ષર તો ક્યાંથી ઉકલે લખનાર તું હોઈ શકે.

રાગ પારિજાત લ્હેરાતો રહ્યો છે રાતભર,
ક્યાંક નજદીક બેસીને ગાનાર તું હોઈ શકે.

આટલાં વ્હાલાં મને લાગ્યાં નથી પૂર્વે કદી,
આ અભાવો, પીડ મોકલનાર તું હોઈ શકે.

– પુરુરાજ જોષી

( આ રચના પૂરી છે કે અધુરી એ ખબર નથી, જો કોઈને જાણ હોય તો ધ્યાન દોરશો…)

કીમિયો


થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર માપવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધું,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં અશરફ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

પ્રભુ પંચાયતમાં બાળક


હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,
તો તને આવીને મળાય પ્રભુ.

તેંય મસ્તી તો બહુ કરેલી નહીં?
કેમ મારાથી ના કરાય પ્રભુ?

આ શું ટપટપથી રોજ નહાવાનું?
પહેલા વરસાદમાં નવાય પ્રભુ.

આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં દૂધમાં રમાય પ્રભુ?

મમ્મી પપ્પા તો રોજ ઝગડે છે
તારાથી એને ના વઢાય પ્રભુ?

રોજ રમીએ અમે જે મેદાને
કેમ મંદિર નવું ચણાય પ્રભુ?

બળથી બાળક તને જો વંદે તો
બાળમજૂરી ના ગણાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા

પ્રભુ પંચાયતમાં સ્ત્રી


ભેદ આવો તો ના રખાય પ્રભુ,
આ તરફ પણ નજર નખાય પ્રભુ.

સાંભળ્યું છે કે તેં બોર ચાખ્યા’તા,
એવડા આંસુ પણ ચખાય પ્રભુ.

ચીર પૂર્યા’તા કદી તેં મારા,
પીડ મારી નહીં પૂરાય પ્રભુ?

રાત, રસ્તો, ઋતુ ને રાંધણિયું,
હર જગા મારાથી દઝાય પ્રભુ !

મારી દીકરી જુવારા વાવે છે,
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ !

તો થયું શું કે હું નથી પથ્થર?
માણસાઈને ના અડાય પ્રભુ?

વેણ કર્કશ જણાશે મારા પણ,
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ?

– પ્રણવ પંડ્યા

મળવા આવું ક્યાંથી ?


‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ  અલગ બે  અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                       નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
                                                                                  તમે થઈ ગયા ચૂપ
                                   રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
                                                                                  ક્યાંથી ચીતરું રૂપ ?

 રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                       ક્ષણના તારેતાર ઉપર પણ, ઈચ્છાઓના દ્વાર ઉપર પણ,
                                                                                   મારી દીધી સાંકળ
                         યુગો  યુગોથી  ખૂલવા  કરતી ‘હોવું’  નામે  બોતલ  ઉપર,
                                                                                     વાસી દીધું ઢાંકણ.

રસ્તા, શેરી, ગામ-ગલીનો  ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

                                                                                                       – અનિલ ચાવડા

જાય છે


શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.

એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.

ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.

રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?

બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.

– અનિલ વાળા

ભલાજીને ભારેનો ઠપકો


વાતો વિજોગ ને વિલાપની
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની !

આખી બપ્પોર એણે વગડો વંછેર્યો
ને સાંજ બધી ગામ લીધું માથે;
આ’પાથી સાંભળું છું ભણકારા વાયરે,
ને તે’પા બોલાશ કોઈ સાથે;
વચ્ચેની કેડીઓમાં ગોતું તો લાગે છે
બીક મને સળવળતા સાપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!

પાદરમાં ઊભેલા વડને પૂછું તો કહે
ત્રાંસુ હસીને રડ્યો દાઢમાં;
ધુંગાં જુઓ ને જુઓ કોતેડાં બાઈ,
એને ટેવ જૂની ગરવાની વાઢમાં !
હાડમાં તપારો ને ઉપરથી પીટ પડે
મ્હેણાં ને ટોણાના તાપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!

રડીએ તો લોક પૂછે રડવાનો ભેદ
છાનાં મરીએ તો છાતીમાં પીડ;
આવાં નોધારાં અમે છતે ભલાજી તમે?
એવ્વી તો ચઢતી છે ચીડ !
ચીડમાં ને ચીડમાં ચૂંટીઓ ખણું ને
પાછી પંપાળું સાથળને આપની !
ભલાજી, હવે બોલું તો કે’જો બે બાપની!

– જયન્ત પાઠક

ગુજરાત તને અભિનંદન


વંદન અભિનંદન વંદન અભિનંદન

વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા,
દસે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહિ ન્યારા,
તું સોમનાથનું બિલિપત્ર તું દ્વારકેશનું ચન્દન,

અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.

ધરતીકંપમાં ઊભો રહ્યો’તો સાવ અડીખમ માણસ,
દુષ્કાળોની દારુણ ક્ષણમાં સતત ધબકતો માણસ,
સરળ સહજ થઈ સંતાડ્યું તેં આંસુભીનું ક્રંદન,
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.

અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.

કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી,
દેશવિદેશની વેબસાઈટમાં વિસ્તરતી ગુજરાતી,
સમૂહજીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પન્દન,
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.

અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.

સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય જય જય જય બોલે હર ગુજરાતી.

– ભાગ્યેશ જહા

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.


ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

– નાઝીર દેખૈયા

ફરમાઇશ કરનાર : વિપુલ પ્રજાપતિ

તમારી ફરમાઇશ માટે અહી કિલક કરો

તું મૈત્રી છે.


“ગુજરાતીગઝલ”ના સૌ મિત્રોને હેપ્પી ફ્રેન્ડશિપ ડે…
દોસ્તો, આમ તો મિત્રતાની વ્યાખ્યા શક્ય જ નથી પણ કૈંક થોડું ઘણું કદાચ આવી રીતે શબ્દમાં વ્યક્ત થઈ શકે… એક પ્રયત્ન કરી જોઈએ – માણીએ શ્રી સુરેશ દલાલની આ મજાની રચના.

તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
ઊઘડતા આકાશનો ઉજાસ છે:
                                         તું મૈત્રી છે.

તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે
તું પ્રવાસ છે, સહવાસ છે:
                                         તું મૈત્રી છે.

તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
કાયમી સંગાથ છે:
                                         તું મૈત્રી છે.

હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
હું તને ચાહું છું :
                                         તું મૈત્રી છે.

તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
તું અહીં અને સર્વત્ર છે:
                                         તું મૈત્રી છે.

તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
                                         તું મૈત્રી છે.

તું સ્થળમાં છે, તું પળમાં છે;
તું સકળમાં છે અને તું અકળ છે:
                                         તું મૈત્રી છે.

– સુરેશ દલાલ