મારે તમને મળવું છે…


ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

રિષભભાઈની રચનાઓ હવેથી અહીં રેગ્યુલરલી માણવા મળશે
http://rishabhmehta.wordpress.com સાભાર…http://urmisaagar.com/saagar/?p=3822

મને તેં સરોવર કહ્યો…


સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

પરિચિત છું – ગુલામ અબ્બાસ ‘નાશાદ’


પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

આ રચના ને અહી “રણકાર” પર માણો

જુઓ કે પથ્થરોમાં


જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?

હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .

પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .

બની છે આજ તો શણગાર મારો અમરેલી ,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું છે .

ચાલ ચરણોને પંખીઓ બની જવા દઈએ ,
એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.

– રમેશ પારેખ

જાતની સાથે જ સોબત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

– ઉર્વીશ વસાવડા

સાંભળ્યું ?


ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું ?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું ?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું ?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

– વિનોદ જોશી

લંબચોરસ ઓરડામાં


લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

– નયન દેસાઈ

પગલું મારું


હું પગલું માંડું એક
પગલે પગલે શ્રદ્ધા પ્રગટી, પહોંચાડી દે છેક
                                         હું પગલું માંડું એક

પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય,
ડગલે ડગલે દિશા સૂઝે તે મારગ ના છંડાય,
પથ્થર ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક .
                                         હું પગલું માંડું એક

કાદવનાં કળણોથી ચેતું, જાવું આગે આગે,
નક્કર ભોમે ચાલું છોને કંટક – કંકર વાગે,
એવું પગલું માંડું જેથી આવે સાથ અનેક.
                                        હું પગલું માંડું એક 

                                                           
      – ‘મીનપિયાસી’

અમારી બાદશાહી છે


અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે ?

ન એને સાથની પરવા ન એને રાહથી નિસ્બત
ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.

પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
દિશા ચૂકી નથી નૈયા સિતારાની ગવાહી છે.

ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતા બીબાં ઢાળો,
અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.

તમારી દેન માનીને સ્વીકારી છે મળી એવી,
પૂછી જુઓ ને ખુદ અમ જિંદગીને કેવી ચાહી છે.

અમે તમ મ્હેરના વરસાદથી નાહ્યા છીએ એવા,
કે જેવી શ્રાવણી વરસાદથી આ સૃષ્ટિ નાહી છે.

ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

પડછાયો


વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળી છલકાયો !
વાડ કૂદીને તડકો આયો.

પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત !

મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ
ચકલી આખું આભ ચૂગી ગઈ !

જોઉં છું હું તો જોઈ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતા તૃણે સળવળે પડછાયો !
વાડ કૂદી જ્યાં તડકો આયો !

– યોસેફ મૅકવાન

કૂવામાં વાંસ વાંસ પાણી


કૂવામાં વાંસ વાંસ પાણી

ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું

આવ્યું પણ આવીને અટક્યું છે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વિખેરી નાખો.. ઓ.ઓ.ઓ

જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોયે પંખીની થાય ભીની પાંખો
કે છૂટ્ટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું….

ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું

નાહી આવો તોય આસ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર …. જાશો તો ઘેરો અંધાર

ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાય  આહા.. આહા… આહા..
ચૈતરનો વાયરો વાવડ પૂછે કે…
ક્યારે અહીં વરસે ચોમાસું….

ને તોય કોરી નજરું લઈ એમ વળી જાશું
હો… કોરી નજરું લઈ એમ વળી જાશું

– જગદિશ જોષી

ઝીણા ઝીણા મેહ


ઝીણા ઝરમર વરસે મેહ,

ભીંજે મારી ચૂંદલડી:

એવો નીતરે કૌમારનો નેહ,

ભીંજે મારી ચૂંદલડી.

 

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,

ભીંજે રસિક કોઈ બાલા રે;

ભીંજે સખી ભીંજે શરદ અલબેલડી,

ભીંજે મારા હૈયાની માળા;

હો ! ભીંજે મારી ચૂંદલડી.

 

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે ,

ટહુકે મયૂર કેરી વીણા રે ;

ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે ,

ટમકે મારા નાથનાં નેણાં ;

હો ! ભીંજે મારી ચૂંદલડી.

 

આનન્દકન્દ ડોલે સુંદરીના વૃંદ, ને

મીઠા મૃદંગ પડછન્દા રે:

મંદ મંદ હેરે મીટડી મયંકની

હેરો મારા મધુરસ ચંદા !

હે ! ભીંજે મારી ચૂંદલડી.

 

                  –  ન્હાનાલાલ

પલળવું જોઈએ


પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;
છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.

એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ;
તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.

સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયું;
સૂર્યને માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ;

માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?
પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.

છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ ;
પણ નવી રેખાઓ ચીરીનેય મળવું જોઈએ.

માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શો ?
છે રગોમાં લોહી તો લોહી ઊકળવું જોઈએ.

આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;
ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.

– ભગવતીકુમાર શર્મા

ચિતારો…


અજબ મિલાવટ કરી
ચિતારે રંગ પ્યાલીઓ ભરી!

એક લસરકે ઊગી નીકળ્યાં 
                     જંગલ જંગલ ઝાડ ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
                     ધરતીપટથી પ્હાડ !
ઘટ્ટ નીલિમા નરી.   

ચિતારે રંગ પ્યાલીઓ ભરી….

જરાક ખંખેરી પીંછી ત્યાં
                  ફૂલને લાગી છાંટ ;
ફૂંક મારતાં ફેલાયા શા
                  સાગર સાત અફાટ !
જલરંગે જલપરી !

ચિતારે રંગપ્યાલીઓ ભરી….

લૂછતા વાદળ પોતે ઉઘડ્યા
                 ઈન્દ્રધનુના રંગ ;
રંગરંગમાં લીલા નિજની 
                નીરખે થઈને દંગ !
ચીતરે ફરી ફરી !

ચિતારે રંગપ્યાલીઓ ભરી….
 – જયન્ત પાઠક

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે – રઈશ મનીઆર


અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

–  રઈશ મનીઆર

સૌજન્ય : ગુંજારવ

પાસે બેસો તો કાંક પૂછું…


ભીંતો ભીજાય એય સ્હેવાતું જાય
પણ ભીનું ગગન કેમ લુછું ?

પાનીઓમાં ફૂટે છે ઝાંઝરિયા પ્હાડ
સખી ચાલું તો કેમ કરી ચાલું ?
મુઠ્ઠીમાં મ્હોરેલા ધુમ્મસિયા ઓરતા
મેલું મેલું ને ફરી ઝાલું.

પડછાયા આવીને પૂછ્યા કરે  છે
એવું પાસે બેસો તો કાંક પૂછું…

બળબળતા સૂરજને આંગળી અડાડું
ને ઝરણું બનીને દડી જાય ;
હળવો એક સાદ સૂના ફળિયે દેતામાં બળ્યા
શ્વાસોના નામ પડી જાય.

અડતામાં ઓરમાયા  લાગેલા આભલાને
શોષાતે કંઠ છેલ ચૂસું …..

– મધુકાન્ત  ‘ કલ્પિત ’

ચોમાસું


લીલાછમ પાંદડાએ મલકતા મલકતા
માંડેલી અચરજની વાટ
ધરતીને સીમમાં જોઇ એકલીને એને
બાઝી પડ્યો રે વરસાદ.

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કંઈ ફૂંક
ધરતી સાંભળતા સાંભળે એ પહેલાં
કોયલના કંઠમાં નીકળી ગઈ કુક

આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતી આવી ગઈ યાદ…

ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઇને
નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાસે

ધરતીને તરણા ઓ ફૂટશે ના વાવડથી
આભલામાં જાગ્યો ઉન્માદ …

– મુકેશ જોષી

રહ્યાં વર્ષો તેમાં


આજે કવિશ્રી ઉમાશંકર જોષીની જ્ન્મજયંતિ … ૨૧ જુલાઈ ૧૯૧૧ના રોજ ગુજરાતના ઈડર તાલુકાના બામણા ગામે જન્મ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક અનોખી ઉંચાઈ ધરાવતું નામ….!

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે ; વીલે મુખ ફર રખે, સાત ડગનું

કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઇ જ ‘નિરમી’ દુષ્ટ દુનિયા.

અહો નાનારંગી અજબ દુનિયા ! શેં સમજવી ?
તમે ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી ;

અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.-

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;

નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે ;
જનોત્કર્ષે – હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.

બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઇ આવ્યો અવનિનું .

– ઉમાશંકર જોશી

રંગ લાગ્યો છે !


ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.

ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું, માનો ન માનો રંગ લાગ્યો છે.

મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.

નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.

અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?

થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’ !
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

શક્યતાની ચાલચલગત


શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

– ચિનુ મોદી

ધીર ને ગંભીર થાતાં જાય છે – દિનેશ કાનાણી


ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

– દિનેશ કાનાણી

સીમમાં


ઢેફાં ભાંગી ધૂળ કરી ને અંદર ઓર્યાં બીજ
બે જ દિવસમાં ભરચક ખેતર ઊગી નીકળી ત્રીજ

અક્ષર જેવા અંકુરો ને છંદોલય શા ચાસ
ઘઉંની ઊંબી લળી લળી કહે આવ આવ તું પાસ

કલકલિયાની ઊડાઊડથી હવા રહે રંગાતી
અમથા ઊડે ચાસ જરા તો સીમ ઘણું વળ ખાતી

વગડાવાટે સૂનાં પંખી માટીવરણું બોલે
શીમળે બેસી કાબર કોના શૈશવને કરકોલે

આઘી ઓરી થયા કરે છે ખેતર વચ્ચે કન્યા
કુંવારકા ધરતીની એ પણ પાળે છે આમન્યા

લાંબા લાંબા દિવસો જેવા શેઢા પણ છે લાંબા
જીવ કુંવારો ગણ્યા કરે છે મ્હોર લચેલા આંબા

કોક તરુની ડાળે બેસી બોલ્યા કરતો હોલો :
ઘર-ખેતર કે બીજ-તરુના ભેદ કોઈ તો ખોલો

કોસ ફરે છે રોજ સવારે કાયમ ફરતો રહેંટ
તો પણ જળ ને તરસ વચાળે છેટું રહેતું વેંત

– મણિલાલ હ. પટેલ

મળું મળું વ્હાલાને ક્યારે ?


મળું મળું વ્હાલાને ક્યારે ?
વીંટળાઉં ક્યારે? ઘેલી
કોડભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી
મુખ પર પુષ્પ કરે ઠેલી
ફૂલરાણી શી ચંબેલી!

આરસનો અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ
સરસ્વતીની વેણીમાંથી
ફૂલમાં પૂર્યાં ગંધ અનુપ,
ફૂલડાંને ઉડવા આકાશ ,
પાંખ વિના પૂરે શેં આશ ?

મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ,
ચંબેલી મલકતી પૂછે,
“એક જ મારી પૂરશો આશ?
મારો દેહ તમારી પાંખ
એક બનીને ઉડશું આભ?”

ચંબેલીનો દેહ રૂડો ને,
પતંગિયાની પાંખ ધરી,
અવની, આભ, અનંતે ઉડે,
મલકતી મ્હેકતી પરી…
પતંગિયું ને ચંબેલી
એક થયા ને બની પરી !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

સાજન મારો સપનાં જોતો …


સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …

– મૂકેશ જોષી

આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ…


કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને

૫ જુન ૨૦૦૭ ના રોજ આ પ્રથમ રચના (શ્રી દિલીપ પરીખ રચિત) “ગુજરાતી ગઝલ” પર મૂકતા જે લાગણી અનુભવી હતી તે જ લાગણી આજે અનેકગણી થઈને મને આનંદિત કરી રહી છે, મારા આ આનંદને આપ સૌની સાથે આજે વહેંચવાનું મન થયું છે. આજે મારો આ બ્લોગ બે વર્ષનો થયો છે. આજ સુધીની આ યાત્રામાં સૌ વાચકો, મુલાકાતી મિત્રોનો ભરપૂર સાથ રહ્યો છે. આપ સૌ તરફથી સતત મળતા સૂચનો, શાબાશીઓ અને જરૂર પડે ઠપકાના બે બોલ એ તો આ બ્લોગનો સૌથી મોટો ટેકો સાબિત થયા છે… અહીં મારે વ્યક્તિગત આભાર માનવો છે ચેતનાબેન શાહ, કાંક્ષિત મુન્શી અને ધબકાર પરિવારનો અને સર્વે વાચક મિત્રો નો.

બ્લોગનું નામ “ગુજરાતી ગઝલ” રાખ્યા છતાં અહીં માત્ર ગઝલ જ મૂકવી એવો કોઇ આગ્રહ નથી રાખ્યો. અહીં તો એ દરેક રચનાને કોતરવાનો પ્રયત્ન કર્યો છે જે મારા મનને ગમી હોય, મારા હૃદયના કોઈ ખૂણે પડેલી લાગણીને જીવંત બનાવી ગઈ હોય.

આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ… અને જન્મદિવસ ઉજાણી વિના તો પૂરો થઈ જ ન શકે ને મિત્રો! તો આવો માણીએ એક મજાની રચના કવિ શ્રી વિનોદ જોષી રચિત આ ગુર્જર ગૌરવ ગીત… જે મારામાં ગુજરાતી હોવાનું એક અનોખું ગૌરવ પ્રગટાવે છે.

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક
હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

– વિનોદ જોષી

અન્ય સહયોગી વેબસાઈટ

યાહુ ગ્રુપ | ઓર્કુટ કોમ્યુનિટી | ગુજગઝલ SMS ચેનલ | ધબકાર | સ્વાદ.કોમ