તારી જો કોઇ ટપાલ આવે – જિગર જોષી ‘પ્રેમ’


તારી જો કોઇ ટપાલ આવે
શેરી શેરી આંગણ આંગણ રેશમવરણું વહાલ આવે

ડેલી ઊપર ટાંગેલા આ પોસ્ટ-બોક્સને કૂંપળ ફૂટે
તારા અક્ષર જાણે વાદળ હેલી થઈને માઝા મૂકે
ભીનેરી એ ક્ષણમાં ન્હાવા બાળક જેવી ધમાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

આંખ ઉમળકો લઇને ઘૂમે ; મન પણ ભીતર ભીતર ઝૂમે
‘પ્રિયે’ લખેલાં એક શબ્દને ઉંગલી  હજાર વેળા ચૂમે
નાજુક નમણાં હોઠે જાણે ગમતો કોઈ સવાલ આવે
તારી જો કોઇ ટપાલ આવે

– જિગર જોષી ‘પ્રેમ’

બદલવાથી – હિતેન આનંદપરા


દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.

                                          –   હિતેન  આનંદપરા

વાંચીએ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


સાવ મધરાતે ય કંઈ ઝબકીને કાગળ વાંચીએ
રેત પરની માછલીની જેમ વિહ્વળ વાંચીએ

શું હશે જે વાંચવું છે ને હજી આવ્યું નથી
થઈ ગયો કાગળ પૂરો ને તોય આગળ વાંચીએ

સાવ તરસ્યા આદમી પણ લાગીએ દરિયા સમા
મોકલાવેલી તમે જ્યાં એક અટકળ વાંચીએ

એ મજા છે ઓર કે બે ચાર બસ અક્ષર લખો
હોય લાંબા કાગળો ઓછા પળેપળ વાંચીએ

ચાલશે મિસ્કીન ઉપનિષદ કે છાપું કાલનું
પત્ર વિનાનું કશું પણ હોય કેવળ વાંચીએ

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કેવળ જાણવું છે – ભરત વિંઝુડા


સહેજ મારે તારા જેવું પણ થવું છે
લાવ તારી જીભ મારે બોલવું છે

જેમ તું મારા જ હાથેથી લખે છે
એમ મારે તારી આંખે વાંચવું છે

આપણે સાથે ઊભાં છીએ ગગનમાં
ધરતી પર આવી અને પણ ચાલવું છે

જે ઘડી મારું ઘડી તારું જ લાગે
ચિત્ર એવું એક સાચું દોરવું છે

તું નદી ક્યાં, એક પાણીનું ટીપું છે
જેમાં રજકણ થઈને મારે ડૂબવું છે

તું ભીતરમાં છે તો સામે કઈ રીતે છે
આટલું અધ્યાત્મ કેવળ જાણવું છે

                                 – ભરત વિંઝુડા

એને પેલ્લેથી ફાવે છે દેશી – કૃષ્ણ દવે


એને પેલ્લેથી ફાવે છે દેશી
ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી

મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય

તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને
દુનિયામાં કોઇ એવો રંગારો મળશે ?
જે રંગી દે કાગડાની નાતને ?
આ સોરે (ચોરે) બેહીને પેલા ખેંસતા’તા બીડીયું
આંઈ હવે ખુરશીયું ખેંશી…

એલા એક તો ઈ માંડ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા
ભૂલી ગ્યા ઢેફામાં રખડી ખાતા’તા, ને હમ ખાવા દહ દિએ ન્હાતા…

મેં કીધું કે સત્તાની વહેંચણી કરાય

તો કે આખી ગુજરાત તને વેશી.
એને પેલ્લેથી ફાવે છે દેશી….

એલા છાશવારે શેના સૌ રાડ્યું પાડે છે આ નરબદા બંધ (નર્મદા બંધ) નથી થાતી ?
મેં કીધું કે સાહેબ જરા ધીમેથી બોલો લાગે છે વાત આ બફાતી
નરબદા ડોશીની ડેલીની વાત છે ને ? એલા મારી દેવાની એક ઠેશી..

આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા તો કેમ કરી થાહે આ ગોલ ?
મેં કીધું કે સાહેબ તમે છોડી દ્યો સત્તા તો આખોયે પ્રોબ્લેમ સોલ
તો કે કેમ કરી છોડું આ ખુરશી લગ પોંચવામાં વરહ લાગ્યા છે મને એંશી
એને પેલ્લેથી ફાવે છે દેશી….

– કૃષ્ણ દવે

કાચઘરમાં – વીરુ પુરોહિત


[ગીત]

શમણે આવે છે મને ઘૂઘવતો દરિયો
જ્યાં રાત રહે ખટઘડી પાછલી !
જળમાં ફેલાવો, મને અજવાળો ચાંદ !
હું તો કાચને આવાસ પડી માછલી !

જીવતરનો હળવો આભાસ લઈ દોડીએ
‘ને પડછાયે છીપ અમે ખોળીએ,
એકાદી કાંકરીને મોતી સમજીને અમે
આખ્ખોયે શ્વાસ કદી ડહોળીએ,
હોડી નથી કે નથી ખારવાનું ગીત
અહીં અમથી પડી છે એક કાચલી !

જળમાં ફેલાવો, મને અજવાળો ચાંદ !
હું તો કાચને આવાસ પડી માછલી !

પરપોટા માની સહુ મલકે પણ જાણે ના
મત્સ્ય હતું અશ્રુઓ સારતું,
રોજ અહીં આવે છે આંખોનું લશ્કર
પણ કોઈ નથી જાળ લઈ આવતું ,
રઘવાયાં આમતેમ ઘૂમીએ એ આશે
કે કોઈ તરફ ખૂલી હશે ઝાંપલી !

શમણે આવે છે મને ઘૂઘવતો દરિયો
જ્યાં રાત રહે ખટઘડી પાછલી !
જળમાં ફેલાવો, મને અજવાળો ચાંદ !
હું તો કાચને આવાસ પડી માછલી !

– વીરુ પુરોહિત

ગુલાલે ભરી છે – જયંત કોરડિયા


ક્ષણોના ઝરૂખે ગુલાલે ભરી છે,
જુઓ સાંજ ગુલમ્હોરમાં ઉતરી છે !

ભુલાતી નથી એક મઘમઘ સ્મરણની,
ગલી જે ગુલાબી ફૂલોથી ભરી છે.

તું પરબીડિયામાં નદી મોકલી દે,
તરસની સીમાએ હવે હદ કરી છે.

પ્રતીક્ષા કરી રાત ભર ડાળ-ડાળે,
પ્રભાતે ગઝલ પાંદડી પર ઠરી છે.

કિરણ પગલીઓ ઝીલવા હર ફૂલોએ,
સુકોમળ સુકોમળ હથેળી ધરી છે.

 – જયંત કોરડિયા

નવરાત્રી માટે નું ખાસ ગરબા માટે અહી કિલક કરો 

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં – કૃષ્ણ દવે


ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…

– કૃષ્ણ દવે

for more કૃષ્ણ દવે videos visit www.gujtube.com

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી


ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ

                                     – વિનોદ જોશી

જો આ રીતે મળવાનું નહીં – વિનોદ જોષી


જો આ રીતે મળવાનું નહીં
દરિયો તો હોય તેથી નદીએ કાંઈ દોડીને આ રીતે ભળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં ઉડઝુડ ઊગ્યું એક ઝાડ
ખિસકોલી જેમ હવે ઠેકીને એક એક રુંવાડે પાડે તું ધાડ
છીંડુ તો હોય તેથી ઉભી બજારેથી આ રીતે વળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

એમ કાંઈ એવું કહેવાય નહીં કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ
જેમ કે અનેકવાર તારામાં ભાંગીને ભૂક્કો હું થઈ જાતો રોજ
જીવતર તો હોય તેથી ગમ્મે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં
જો આ રીતે મળવાનું નહીં

– વિનોદ જોષી

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ – મનોજ ખંડેરિયા


આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

ક્યાં હવે ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તું ય સાથે આવે – ચંદ્રેશ . મકવાણા


આવ જોઇ લઉં તને પણ છું હજી તો ભાનમાં
તુંય ઘા આપી શકે ! હમણા જ આવ્યું ધ્યાનમાં

હોય હિમ્મત આવ મસળી નાખ હું ઊભો જ છું
ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં

એક નોંધારી નદીના શ્વાસ પર છૂરો મૂકી
લઇ લીધા છે એમણે સાતેય દરીયા બાનમાં

બે’ક પંખી, બે’ક ટહુકા, એક હળવું ઝાપટું
ઝાડ શું માગી શકે બીજું તો કંઇ વરદાનમાં ?

મેજ,બારી,બારણા ધૂણવા જ માંડે આ ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં 

                                      – ચંદ્રેશ મકવાણા 

હું ગઝલ જેવું લખું ! – ભરત . વિંઝુડા


હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું
તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

હોય તારા નામનાં ઘેરાયેલાં કંઇ વાદળો
હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ મહીં
ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

ક્યાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં
અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

તું અને તે આ અને પેલું બધું અંદર ઘૂમે
થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

                                              – ભરત વિંઝુડા

કોઈ શું કરે ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે ?
આપમેળે દ્વાર ખુલી જાય કોઈ શું કરે ?

એ પછી સઘળું ભૂલાતું જાય કોઈ શું કરે ?
કે જો અરીસામાં ય એ દેખાય કોઈ શું કરે ?

જળપરીની વારતાથી છેક ઉપનિષદ સુધી
એક આ મનને ન ગોઠે ક્યાંય કોઈ શું કરે ?

કોઈ આવીને અચાનક કેંદ્રબિંદુ થઈ ગયું
ને એ જ છે આકાશનો પર્યાય કોઈ શું કરે ?

ક્યાંક કોઈ રાહ જોતું એ જ સંગાથે સતત
ને એ જ પાછળ દોડતું દેખાય કોઈ શું કરે ?

                                            –     રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

                                                   (સંગ્રહ – ‘છોડીને આવ તું’)

રેતમાં તરવા જવાની જીદમાં – મિલિન્દ ગઢવી


આજે અહીં કવિ શ્રી મિલિન્દ ગઢવીની એક ગઝલ અને તેનું સ્વરાંકન માણીએ. 

રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યાં જળ ત્યાગવાની જીદમાં.

જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.

વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.

લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.

છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.

– મિલિન્દ ગઢવી 

http://soundcloud.com/milind-gadhavi/ret-ma-tarva-javani-jid-ma

સ્વર અને સ્વરકાર – ડૉ. ભરત પટેલ

કોણ છે જે આંખને નીંદર તો દે, સુવા ન દે – રિષભ મહેતા


કોણ છે જે આંખને નીંદર તો દે, સુવા ન દે,
રોજ સુરજ લઈને આવે ને છતાં ઉષા ન દે.

કમ-સે-કમ લાલાશ તો દઈ દે તું ઢળતા સૂર્યની,
હું નથી કહેતો કે મારે આંગણે સંધ્યા ન દે.

ચાલતા રહેવાની હિંમત આપતા તો હોય છે,
લોક કિન્તુ મંઝિલે પહોંચી જવા રસ્તા ન દે.

એક તરફ આંખ કે જેને જગત નાનું પડે,
એક તરફ આંખનો અહેસાસ જે જોવા ન દે.

એટલું અંતર રહે તદબીર ને તકદીરમાં,
એક પ્યાલો છલછલાવે ને બીજું પીવા ન દે.

દર્દને નિસ્બત ફક્ત અશ્રુથી ક્યાં ‘બેતાબ’ છે ?
કંઈક એવા પણ મળ્યા છે દર્દ જે રોવા ન દે.

– રિષભ મહેતા ‘બેતાબ’

સ્પર્શાય નહીં !


તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

– ભરત વિંઝુડા

સાભાર : ‘તને બોલાવું‘ પરથી કવિની એક અપ્રગટ રચના

મારો વરસાદ – મનોજ્ઞા દેસાઈ


એક મારો વરસાદ, એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો
સૌ સૌનાં હૈયામાં સૌનો વરસાદ લઈ
જોને વહેતા જાય લોકો

મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે ?
પાછો દેતાં એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે ?
વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જો જે વહી ન જાય મોકો…

મારો વરસાદ ઝૂલે જાંબલિયા ઝૂલણે
તારો વરસાદ રંગ રાતે
એક પછી એક રંગ રસ્તા ઓળંગીને
વળગીશું લીલેરી વાતે
આપણું એ મેઘધનુ એવું તો ઝૂલશે
કે વાદળાંય કહેશે કે ‘રોકો’

– મનોજ્ઞા દેસાઈ

આપશ્રી – કૃષ્ણ દવે


છેવટે કંટાળી મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાના શું જાવ છો ?
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં ર્યો’તો
છત્રી ઉઘાડવાનો વેંત ?

વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉગાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયા ને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?

મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ ?

વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળના ગીતો શું ગાવ છો ?

મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ધોધમાર વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?

– કૃષ્ણ દવે

કેટલી મજા – ચન્દ્રકાંત શેઠ


સાચકલું સબ તરે, કેટલી મજા !
ખોટાડું  ખબ  ખરે,  કેટલી મજા !

બાવળિયના ઝુંડે ના જન્મારો  ખોવો,
પથ્થરમાંથી કોક ફુવારો ફૂટતો જોવો;
સૂક્કી ડાળે ફરફર જ્યારે થાય ફૂલની ધજા,
કેટલી મજા !

વાડો આડે ભોમ ભીતરી બદ્ધ ન કરવી,
મધરાતેયે  નભગંગાથી ગાગર ભરવી ;
ઉજ્જડ વાટે હોય વરસવા વીજવાદળને રજા !
કેટલી મજા !

પડઘાઓથી નથી કાનને કરવા બ્હેરા,
પડછાયાના  હોય  નહીં  સૂરજને  પ્હેરા ;
કાદવનાં કમળોએ ખીલી સરવર મારાં સજ્યાં !
કેટલી મજા !

માઈક મળે તો કોઈ છોડે ? – કૃષ્ણ દવે


આજે કૃષ્ણભાઈનો જન્મદિવસ છે અને અચાનક જ ડાયરીના પાના ફેરવતા ફેરવતા આ રચના વાંચવામાં આવી ગઈ અને આપની સાથે વહેંચવા માટે અહીં મૂકી…

કવિને જન્મદિવસની  શુભેચ્છાઓ સાથે… આ રચના

પરસેવો બીચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં
કંટાળો જાણે કે આખ્ખું કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

છેલ્લી બે વાત, એવું  કાનમાં પડે ને કંઈક  શ્રોતામાં જીવ પાછા આવે
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

                                                                                                     – કૃષ્ણ દવે

બારણાની ખુમારી – ભાવેશ ભટ્ટ


હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી

ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.

રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં
નથી કોઈ આકાશની જાણકારી.

મેં તારી ગલીના ગુનાઓ કર્યા નહીં
નહીંતર સજાઓ હતી સારી-સારી.

થયા શું અનુભવ, ટકોરા જ કહેશે
તને ક્યાં ખબર, બારણાની ખુમારી ?

વાવાઝોડા પછીની સવારે – જયા મહેતા


નર્સનાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં

ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે,

તૂટેલા મિજાગરા પર પવન લટકે છે. 

જીર્ણ વસ્ત્રની જેમ તડકો ફસકી પડ્યો છે.

પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો

             શિથિલ થઈને પડ્યાં છે.

ક્યાંકથી જળ ટપકવાનો અવાજ સંભળાય છે.

બખોલમાં બે ઝીણી ઝીણી આંખો તગતગે છે.

તૂટેલી ડાળ પર કળીઓ ખીલું ખીલું થઈ રહી છે.

દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે.

ડહોળયેલી નદીને કાંઠે એક વૃદ્ધ ઊભો છે.

એની આંખોમાં લાચારી નથી, આશા નથી,

કેવળ એક પ્રશ્ન છે :

આજે જો ઇશ્વર સામો મળે તો પૂછવા માટે –

‘સયુજા સખા’નો અર્થ.

–  જયા મહેતા

હવામાં આજ – નાથાલાલ દવે


પાંચ લાખ પગલાં પૂરા થઈ ગયા…. ખ્યાલ પણ ના રહ્યો… આજે ધ્યાન ગયું તો આજે એનો આનંદ વ્યક્ત કરી લઈએ…. સૌના આભાર સાથે આ મજાની રચના માણીએ. આપ સૌને ખાસ આગ્રહ કે અહીં કાંઈ પણ ભૂલ કે દોષ ધ્યાનમાં આવે તો જાણ કરશો.

હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી – હવામાં   

તૃણે તૃણે પાને પાને
ઝાકળબિંદુ ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી – હવામાં

રમતાં વાદળ ગિરિશિખરે
મધુરી નાની સરિતા સરે
દૂર  દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી – હવામાં

રવિ તો રેલે ન્યારા
સોનેરી સૂરની ધારા,
વિશાળ ગગનગોખ એના  જાય ગૂંથાતી કિરણજાળી – હવામાં

મન તો જાણે જુઈની લતા
ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી – હવામાં

– નાથાલાલ દવે