સત્યને મન શોધતું’તું, છળ તરફ ચાલી ગયું
જાણે એક તરસ્યું હરણ મૃગજળ તરફ ચાલી ગયું
જેને હોંકારો મળ્યો નહિ એ બધી ઊર્મિનું ધણ
બસ, હૃદયથી નીકળી કાગળ તરફ ચાલી ગયું
કાંકરીની જેમ વર્તે છે ભીતર તારું સ્મરણ
કંઈ વમળ થઈ વિસ્તર્યું, કંઈ તળ તરફ ચાલી ગયું
કોઇએ મારી ખુશી બાબત પૂછી લીધું જરા
ઘ્યાન મારું તો તરત ઝાકળ તરફ ચાલી ગયું.
દુઃખ નથી કે – કલ્પનાના દુઃખમાં આખું આયખું
સુખ નહીં તો સુખ વિશે અટકળ તરફ ચાલી ગયું.
– હર્ષવી પટેલ
Filed under: કવિ/કવિયત્રી, હર્ષવી પટેલ | Leave a comment »
