દર્દો સાંભળનારા હો તો ચારેબાજુ રાજીપો છે,
હોંકારો દેનારા હો તો ચારેબાજુ રાજીપો છે.
આવો, આવો એમ કહીને ઉમળકાથી દોડી આવે,
એવા જ્યાં ઉતારા હો તો ચારેબાજુ રાજીપો છે.
બોજ બીજાનો ઉપાડીને રાજી થઈ પોતાનો સમજે,
એવા પણ સધિયારા હો તો ચારેબાજુ રાજીપો છે.
પાડોશીનું સુખ જોઈને બાજુવાળા સૌ હરખાતાં,
સુખો જ્યાં મજિયારા હો તો ચારેબાજુ રાજીપો છે
પાંપણથી હો નીતરતાં ને કોમળતાનો હો સરવાળો,
વ્હાલપના ફુવારા હો તો ચારેબાજુ રાજીપો છે.
– શિવજી રૂખડા
Filed under: અનામી - UNKNOWN, કવિતા, ગીત, શિવજી રૂખડા | Leave a comment »
