કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને
૫ જુન ૨૦૦૭ ના રોજ આ પ્રથમ રચના (શ્રી દિલીપ પરીખ રચિત) “ગુજરાતી ગઝલ” પર મૂકતા જે લાગણી અનુભવી હતી તે જ લાગણી આજે અનેકગણી થઈને મને આનંદિત કરી રહી છે, મારા આ આનંદને આપ સૌની સાથે આજે વહેંચવાનું મન થયું છે. આજે મારો આ બ્લોગ બે વર્ષનો થયો છે. આજ સુધીની આ યાત્રામાં સૌ વાચકો, મુલાકાતી મિત્રોનો ભરપૂર સાથ રહ્યો છે. આપ સૌ તરફથી સતત મળતા સૂચનો, શાબાશીઓ અને જરૂર પડે ઠપકાના બે બોલ એ તો આ બ્લોગનો સૌથી મોટો ટેકો સાબિત થયા છે… અહીં મારે વ્યક્તિગત આભાર માનવો છે ચેતનાબેન શાહ, કાંક્ષિત મુન્શી અને ધબકાર પરિવારનો અને સર્વે વાચક મિત્રો નો.
બ્લોગનું નામ “ગુજરાતી ગઝલ” રાખ્યા છતાં અહીં માત્ર ગઝલ જ મૂકવી એવો કોઇ આગ્રહ નથી રાખ્યો. અહીં તો એ દરેક રચનાને કોતરવાનો પ્રયત્ન કર્યો છે જે મારા મનને ગમી હોય, મારા હૃદયના કોઈ ખૂણે પડેલી લાગણીને જીવંત બનાવી ગઈ હોય.
આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ… અને જન્મદિવસ ઉજાણી વિના તો પૂરો થઈ જ ન શકે ને મિત્રો! તો આવો માણીએ એક મજાની રચના કવિ શ્રી વિનોદ જોષી રચિત આ ગુર્જર ગૌરવ ગીત… જે મારામાં ગુજરાતી હોવાનું એક અનોખું ગૌરવ પ્રગટાવે છે.
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક
હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
– વિનોદ જોષી
અન્ય સહયોગી વેબસાઈટ
યાહુ ગ્રુપ | ઓર્કુટ કોમ્યુનિટી | ગુજગઝલ SMS ચેનલ | ધબકાર | સ્વાદ.કોમ
Filed under: કવિ/કવિયત્રી, કવિતા, કાવ્ય પ્રકાર, ગીત, વિનોદ જોશી, સમાચાર | Tagged: આજે છે “ગુજરાતી ગઝલ” નો બીજો જન્મદિવસ…, કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.વિનોદ જોષી, હું એવો ગુજરાતી, gujarati gazal, Second anniversary of Gujarati Gazal | 22 Comments »