સમજાવ આંખને – ડૉ. મનોજ જોશી ‘મન’


હવેથી એક પણ સપનું ઘડે નહીં,
જરા સમજાવ આંખોને ! રડે નહીં.

ખબર નહીં આ પવનને વેર શું છે ?
તને અડક્યા પછી અમને અડે નહીં !

જરા શરમાળ છે પીડા અમારી,
અમસ્તી એમ એ નજરે ચડે નહીં.

વધે તો આંખ કે દિલમાં રહે બસ,
તરસ ક્યારેય દરિયામાં પડે નહીં !

ખરેખર ક્યાંય ખોવાયું નથી એ,
ઘણું શોધ્યાં પછી પણ જે જડે નહીં.

 - ડૉ. મનોજ જોશી 'મન

ચાની વાત – ડૉ.મનોજ જોશી ‘મન’


તું ‘હા’ની વાત કર કે પછી ‘ના’ની વાત કર,
બન્ને હું સાંભળીશ ! પ્રથમ ચાની વાત કર !

જે સ્થાને કપ-રકાબીથી જીવતી છે જિંદગી!
બીજા બધાય સ્થળને મૂકી, ત્યાંની વાત કર !

હેઠે મૂકી દે ‘ઓહ’ અને ‘હાય-હાય’ તું !
ચાને લગાવ હોઠે ને આહા ! ની વાત કર.

પહેલેથી છેક છેલ્લે સુધી વર્ણવી મેં ચા !
એણે મને કહ્યું’તું કે જલસાની વાત કર !

દુનિયામાં બે જ વાત હું સાર્થક ગણું છું દોસ્ત !
કાં ચાની વાત કર કાં પછી ‘મા’ની વાત કર !

~ડૉ.મનોજ જોશી ‘મન’
(વિશ્વ ચા દિવસ નિમિત્તે)