ગુલાબોય મોકલ, ઝુરાપોય મોકલ,
કદી ફૂલ સાથે નિસાસોય મોકલ.
ખુલાસો ભ્રમરનો ભલે મોકલ્યો તેં,
મને પુષ્પનો તું ઇરાદોય મોકલ.
જવાબો જડે છે મને મૌનમાંથી,
હવે તું ધડાધડ સવાલોય મોકલ.
ન મોકલ મને ફક્ત ચિત્રો હૃદયનાં,
કદી લાગણીનો પુરાવોય મોકલ.
લખાવટ નથી જોઈ તારી હજી મેં,
લખીને તું છેવટ નકારોય મોકલ.
નજર એક છેલ્લી જરા હુંય નાખું,
મને વસવસાના હિસાબોય મોકલ.
છતાં તારવાનું તને થાય મન તો,
હલેસુંય મોકલ, તરાપોય મોકલ.
– કિશોર જિકાદરા
Filed under: કવિ/કવિયત્રી, કિશોર જીકાદરા, ગઝલ | Leave a comment »
