નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી


સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-’બેફામ’

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?


કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

-‘બેફામ’

પાણીના ટીપે ઘાસમાં જઈએ


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય


વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે


ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે,
ને રડે તો શબ્દનું ઉપરાણું લેવું પણ પડે.

આખરી ઈચ્છા જો નિર્મળ જળ થવાની હોય તો,
પથ્થરોની વચ્ચે થઈને એણે વહેવું પણ પડે.

કંપ ભીતરના જ તો ભારે ભયાનક હોય છે,
જણ હો સાંગોપાંગ એક બહુમાળી જેવું, પણ પડે.

ચાહવાનો વણલખ્યો એક જ નિયમ છે દોસ્તો !
લાગણીના સાવ ચંચળ સ્તરને સહેવું પણ પડે.

પ્રાર્થનાના આર્તનાદ ઉપર સુધી પહોંચ્યા તો છે,
શક્ય છે કે આ વખત વરસાદ જેવું પણ પડે.

કેવી છે રફતાર ! ચિંતા છે સફરમાં શું થશે !
કાચબાની પીઠ ઉપર રાત રહેવું પણ પડે.

કોઈ ક્ષણ પર જિંદગી એવો દગો દઈ દે કદાચ !
ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે એને દેવું પણ પડે.

-શોભિત દેસાઈ

કહી દીધું ખરેખર સ્પર્શને : આજે ઝૂકીશું નહિ


કિરણ આવ્યાં તો અંઘારા કરમ ઓગાળવા આવ્યાં,
આ ઝાકળ શાને પોતાના જનમ ઓગાળવા આવ્યાં !

કહી દીધું ખરેખર સ્પર્શને : આજે ઝૂકીશું નહિ,
છુઈમુઈનાં પર્ણો જો ! શરમ ઓગાળવા આવ્યાં.

હતી એક જ શરત આખી સફરની, સાહજીક બનવું,
સમજ જે આ લઈ આવ્યા ભરમ ઓગાળવા આવ્યા.

અમારે દેવ-દેવી, દોરા-ધાગા, સુખ ને દુ:ખ છે પ્રેમ,
ખરાં દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યા.

અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં ?
તમારી પાસે આવ્યા તો અહમ્ ઓગાળવા આવ્યા.

-શોભિત દેસાઈ

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે


કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”

-તુશાર શુક્લ

શબ્દ કેરી પ્યાલીમા સુરની સુરા પીને


શબ્દ કેરી પ્યાલીમા સુરની સુરા પીને
મસ્ત બેખયાલી મા લાગણી આલાપીને
લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયુ છે જે પીધુ તે પાયુ છે
મહેકતી હવાઓમા કૈન્ક તો સમાયુ છે
ચાન્દની ને હળવેથી નામ એક આપીને
લ્યો અમે તો આ ચાલ્યા

જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુ
સાચવી ને રાખ્યુ તુ અશ્રુ એક સાર્યુ હતુ
ડાયરી ના પાનાની એ સફરને કાપીને
લ્યો અમે તો આ ચાલ્યા

ફૂલ ઉપર ઝાકળનુ બે ઘડી ઝળક્વાનુ
યાદ તોયે રહી જાતુ બેઉ ને આ મળવાનુ
અન્તરના અન્તરને એમ સહેજ માપી ને
લ્યો અમે તો આ ચાલ્યા

-તુશાર શુક્લ

હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો


હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો
સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો

એકમેક ને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે
મનગમતા માળાનુ સપનુ જોયુ છે સન્ગાથે
અણગમતુ જ્યા હોયે કશુ ના
માળો એક હુન્ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો

મનગમતી ક્શન ના ચણચણીએ
ના કરશુ ફરિયાદ;
મખમલ મખમલ પીન્છા વચ્ચે
રેશમી હો સન્વાદ
સપના કેરી રજાઇ ઓઢી
માણીએ સ્પર્શ સુન્વાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ
એક્મેકના સાથમા શોભે વ્રુક્શ ને વીટી વેલ
મનહર મદભર સુન્દરતામા હોયે આપણો ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!

-તુશાર શુક્લ

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન


તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

-તુશાર શુક્લ

આન્ખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે


આન્ખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.

કોરી કુન્વારી આ હાથની હથેળી મા માટી ની ગન્ધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશ મા આશાઢી સાન્જ એક માન્ગી
વરસાદી વાર્તાઓ વાન્ચી વાન્ચી ને હવે ભીજાવુ એ તો આભાસ છે.
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.

કોરપની વેદના તો કેમેય સેહવાય નહી રુવે રુવેથી મને વાગે
પેહલા વરસાદ તનુ મધમીઠુ સોડ્લૂ રહી રહી ને મારામા જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તો કેવો આશાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.

આન્ખો મા બેઠેલા ચાતક કહે છે મારુ ચોમાસુ ક્યાક આસ્પાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનૂ કોઈ કારણ પૂછે તો કહૂ ખાસ છે.

-તુશાર શુક્લ

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ


દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ
એમ પુછી ને થાય નહિ પ્રેમ

ચાહવા ને ચૂમવા મા ઘટ્ના નો ભેદ નથી
એક નો પર્યાય થાય બીજુ
આન્ખોનો આવકરો વાન્ચી લેવાનો
ભલે હોઠોથી બોલે કે ખીજુ

ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ
અન્તે તો હેમ નુ હેમ,
એમ પુછી ને થાય નહિ પ્રેમ

ડગલે ને પગલે જો પુછ્યા કરો તો પછી
કાયમ ન રહેશો પ્રવાસી
મન મુકી મોરશો તો મળશે મુકામ
એનુ સરનામુ સામી અગાશી

મનગમતો મોગરો મળશે વટાવશો
વાન્ધાની વાડ જેમ જેમ!
એમ પુછી ને થાય નહિ પ્રેમ!!

-તુશાર શુક્લ

શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે


શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે

હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

-શોભિત દેસાઈ

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું


મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

– શોભિત દેસાઈ

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને


હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

– શેખાદમ આબુવાલા

તો પછી હું શું નામ આપુ તેને ? ? ? ?


શું નામ આપું આપણા સંબંધને,
મને ખબર નથી પડતી,
દિલ કહે છે કે આ ખુબ જ જુનો સંબંધ છે..
જેમ…
ચાંદનો ચાંદની જોડે..
તારલાનો છે આકાશની જોડે..
સમુદ્રનો છે ઉંડાઇની જોડે..
ફુલનો છે સુગંધની જોડે..
સુરજનો છે કિરણોની જોડે..
તેમ આપણો સંબંધ પણ કુદરતે જ બનાવ્યો છે.

તો પછી હું શું નામ આપુ તેને ? ? ? ?

જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ


જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ,
દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઇશ.

આપું નહીં હું આમ કદી કોઇને વચન,
નક્કી હું તારી વાતમાં આવી ગયો હઇશ.

સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઇએ,
અમથો શું તારી આંખમાં આવી ગયો હઇશ!

લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે,
લાગે છે પાછો ભાનમાં આવી ગયો હઇશ.

મારા વિષે તને ઘણા પ્રશ્નો થતા હશે,
એ માનીને જવાબમાં આવી ગયો હઇશ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને


કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

દિલીપ પરીખ