નેજવાંની છાંય તળે – હરિકૃષ્ણ પાઠક


નેજવાંની છાંય તળે બેઠો બુઠાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર,
તોય ફુલ જેમ ખૂલ્યું છે મન

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે રે ઘડી ઊગી છે આજ ફરી,
વીતેલી રંગભરી કાલ !

છોગાની શંકાએ માથે ફેરીને હાથ,
ખોળે ખોવાયેલું ગવન
ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ

કંકુના પગલાંમાં મ્હોરી ગૈ વાત,
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન !

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન

– હરિકૃષ્ણ પાઠક

Leave a comment