‘હું મજામાં છું.’ – પારુલ ખખ્ખર


ગીતા પર હાથ રાખીને કહું છું, ‘હું મજામાં છું’
સમયને માન આપીને કહું છું, ‘હું મજામાં છું.’

મળે જો કોઈ ઓચિંતું અને એ ‘શું થયું’ પૂછે,
તરત એ વાત કાપીને કહું છું, ‘હું મજામાં છું.’

મજામાં છો તમે એવો દિલાસો હું મને આપું,
પછી તો રાત જાગીને કહું છું, ‘હું મજામાં છું.’

‘નથી ગમતું, નથી ગમતું’ સતત એવું કહે ત્યારે,
સ્વયંને આંખ કાઢીને કહું છું, ‘હું મજામાં છું.’

મજામાં રહી શકાતું હોય છે જો ગાંઠ વાળો તો
હું એવી ગાંઠ વાળીને કહું છું, ‘હું મજામાં છું.’

– પારુલ ખખ્ખર

Leave a comment