મન મૂકી વરસ


બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ તે રીતે સ્પરશ.

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

                                                           – પુરુરાજ જોષી

7 Responses

  1. TARASANI VAAT ANE VARASAAADNI MAZAA KOE OR JA HOY CHHE……………..

  2. ખુબ જ સુન્દર ભાવ ભર્યુ કાવ્ય…

    બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ
    તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ

    ખુબ સરસ અભિવ્ય્ક્તિ ….

  3. સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
    કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ
    ખુબ જ સુન્દર રચના છે …..

  4. બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ,
    તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

    I liked it :) Good One!!!

  5. ખુબ સરસ રચના છે.

Leave a comment